મહેતા, નાનાલાલ ચમનલાલ (જ. 17 નવેમ્બર 1894, જરમઠા, ગુજરાત; અ. 18 મે 1958, કાશ્મીર) : આધુનિક વિશ્વમાં ભારતીય લઘુચિત્રકલા અંગેની સમજ તથા રસનો ફેલાવો કરનાર અભ્યાસી તથા મહત્વનાં લઘુચિત્રોના વિશ્વવિખ્યાત સંગ્રહ ‘એન. સી. મહેતા સંગ્રહ’ના આયોજક.
રાજકોટમાં અને પછી મુંબઈની વિલ્સન કૉલેજમાં પ્રારંભિક શિક્ષણ લીધા પછી તેઓ કેમ્બ્રિજમાં જોડાયા અને ત્યાંથી અર્થશાસ્ત્રમાં ‘ટ્રાઇપૉસ’ મેળવ્યો. 1915માં તે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા. અહીંથી 1944માં તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે હાલ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ તરીકે ઓળખાતા ત્યારના યુનાઇટેડ પ્રૉવિન્સિઝમાં જુદા-જુદા હોદ્દા સંભાળ્યા. આ દરમિયાન તેમણે ભારતીય લઘુચિત્રકલાની અલગ અલગ શૈલીઓના 1,000થી પણ વધુ ચુનંદા નમૂનાઓ એકત્રિત કર્યા. 1950માં તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ નિયુક્ત થયા. લઘુચિત્રોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે તેમણે પ્રાચીન સંસ્કૃત તથા મધ્યકાલીન હિન્દી સાહિત્યનો અભ્યાસ કર્યો. આ માટે તેમણે બનારસના ભારત કલા ભવનના નિયામક રાય કૃષ્ણદાસનો સંપર્ક પણ કેળવ્યો.
વીસમી સદીના પૂર્વાર્ધમાં ભારતીય લઘુચિત્રકલાની આધુનિક સમજ ફેલાવવામાં એન. સી. મહેતાએ લખેલાં લેખો અને પુસ્તકોએ પાયાનું કામ કર્યું છે. 1926માં તેમનું પુસ્તક ‘સ્ટડિઝ ઇન ઇન્ડિયન પેન્ટિંગ્ઝ’ તારાપોરવાલા પ્રકાશને મુંબઈથી પ્રકટ કર્યું. તે આજે પણ આ વિષયનું મહત્વનું પુસ્તક ગણાય છે. આ પછી તેમનું પુસ્તક ‘ગુજરાતી પેન્ટિંગ્ઝ ઇન ફિફ્ટીન્થ સેન્ચુરી’ ઇન્ડિયન સોસાયટીએ 1931માં પ્રકટ કર્યું. 1933માં અલ્લાહાબાદની હિન્દુસ્તાન અકાદમીએ ‘ભારતીય ચિત્રકલા’ નામનું તેમનું પુસ્તક હિન્દીમાં પ્રકટ કર્યું. 1945માં ‘જર્નલ ઑવ્ ધ ગુજરાત રિસર્ચ સોસાયટી’એ તેમનો લેખ ‘એ ન્યૂ ડૉક્યુમેન્ટ ઑવ્ ગુજરાતી પેન્ટિંગ્ઝ–ગુજરાતી વર્ઝન ઑવ્ ગીતગોવિંદ’ પ્રકાશિત કર્યો.
આ લેખો અને પુસ્તકો વડે તેમણે આપેલા યોગદાનને કારણે તેમની તુલના ડૉ. મોતી ચંદ્ર, સ્ટેલા ક્રેમરીશ, રાય કૃષ્ણદાસ, ઓ. સી. ગાંગુલી અને આનંદ કુમારસ્વામી જેવા ભારતીય કલાના પ્રથમ હરોળના ઇતિહાસકારો સાથે થાય છે.
1958માં મહેતાના અવસાન પછી તેમનાં પત્ની શાન્તાબહેને કલાપ્રેમી સમાજના લાભાર્થે ગુજરાત મ્યુઝિયમ સોસાયટીને આ સંગ્રહનું ઉદારતાપૂર્વક દાન કર્યું. ગુજરાત મ્યુઝિયમ સોસાયટીએ 1963માં અમદાવાદના સંસ્કાર કેન્દ્રમાં આ સંગ્રહનું કાયમી મ્યુઝિયમ ઊભું કર્યું અને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ઉદઘાટન કરી તે ખુલ્લું મૂક્યું. પરંતુ અહીં ઉદ્યોગો તથા વાહનવ્યવહારથી પ્રદૂષિત બનેલા હવામાનના પરિણામે સંગ્રહનાં ચિત્રોની સ્થિતિ દિનપ્રતિદિન બગડતી જતી હતી. તેથી 1993માં આ સંગ્રહ અમદાવાદના નવરંગપુરા વિસ્તારના ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર’ના પરિસરમાં એક નવા મકાન – ગુજરાત મ્યુઝિયમ સોસાયટી – એન. સી. મહેતા ગૅલરીમાં કાયમી ધોરણે ગોઠવાયો છે. આ નવા મકાનમાં આ સંગ્રહનું ઉદ્ઘાટન વિશ્વપ્રસિદ્ધ કળાઇતિહાસકાર કાર્લ જે. ખંડાલાવાલાએ કર્યું અને સંગ્રહાલયવિદ્યાના નિષ્ણાત ડૉ. શ્રીધર અંધારેએ આ મ્યુઝિયમની ગોઠવણી કરી.
આ સંગ્રહમાં ચૌદમી-પંદરમી સદીનાં કલ્પસૂત્રો જેવી ગુજરાતી જૈન પોથીઓ અને લઘુચિત્રો, પ્રાગ્અકબરી સલ્તનત શૈલીનાં લઘુચિત્રો તથા ‘ચૌરપંચાશિકા’ કાવ્યને રજૂ કરતાં વિશ્વવિખ્યાત 18 લઘુચિત્રો; મેવાડ, બીકાનેર, માળવા, કોટા, બુંદી, જયપુર અને રાધાગઢ જેવી રાજસ્થાની અને રાજપૂત ચિત્રશૈલીઓના નમૂનાઓ; શાહજહાના અને ઔરંગઝેબના સમયનાં મુઘલ ચિત્રો અને નુરપુર, ચમ્બા, કાંગડા, બશોલી, મંડી, ગુલેર, બિલાસપુર તથા જમ્મુ જેવી પહાડી શૈલીઓનાં ચિત્રોની વિશાળ સંખ્યા છે. આ પહાડી શૈલીઓનાં ચિત્રોમાંનાં ઘણાં પંડિત સેઉ, મણાકુ, પુરખુ, દેવીદાસ, નયનસુખ ઇત્યાદિ વિખ્યાત ચિત્રકારોની શ્રેષ્ઠ કૃતિઓ છે. સંગ્રહની સૌથી પ્રાચીન કલાકૃતિ કૂફી લિપિમાં લખાયેલ અગિયારમી સદીની એક અરબી ધર્મપુસ્તિકા છે. આ ઉપરાંત ડૅક્કની, ઈરાની, નેપાળી અને કમ્પની શૈલીનાં ચિત્રો પણ અહીં છે. સંગ્રહમાં રહેલાં ચિત્રો પર કાર્લ જે. ખંડાલાવાલાએ ‘પહાડી મિનિયેચર્સ ઇન એન. સી. મહેતા ક્લેકશન’ નામનો એક સંશોધનગ્રંથ (1993) લખેલ છે.
અમિતાભ મડિયા