મહેતા, નાનજી કાળીદાસ (જ. 17 નવેમ્બર 1887, ગોરાણા, સૌરાષ્ટ્ર; અ. 25 ઑગસ્ટ 1969) : ભારતના સાહસિક ઉદ્યોગપતિ, કન્યા-કેળવણીના પુરસ્કર્તા અને અગ્રણી દાનવીર.

વતન ગોરાણાની ગામઠી શાળામાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરી પિતા સાથે વ્યાપારમાં જોડાયા. 1900માં મોટાભાઈ ગોરધનદાસ સાથે વ્યાપાર કરવા માડાગાસ્કર ગયા, પરંતુ બે જ વર્ષમાં ‘બોઅર વૉર’ ફાટી નીકળતાં તેમને વતન પાછા ફરવું પડ્યું. 1905માં પિતાની રજા લીધા સિવાય ફરીથી આફ્રિકા પહોંચી જંગબારમાં નોકરીએ જોડાયા. થોડા જ સમયમાં ત્યાંથી યુગાન્ડા ગયા અને કમલી ગામમાં નોકરીએ રહ્યા. તેમના શેઠ તેમને ‘મહેતા’ તરીકે સંબોધતા, તેથી પોતાની ‘બદિયાણી’ અટક છોડી ‘મહેતા’ અટક તેમણે અપનાવી. એક વર્ષ બાદ તે જ ગામમાં પોતાની નાની દુકાન નાખી અને તે દ્વારા સ્વતંત્ર વ્યાપાર શરૂ કર્યો. તેમાંથી સમયાન્તરે અઢાર દુકાનોનો વિસ્તાર કર્યો. 1915માં નાદુરસ્ત તબિયતને કારણે સ્વદેશ પાછા ફર્યા; પરંતુ થોડા જ સમયમાં પાછા આફ્રિકા જઈ કમલીમાં બે જિનરી શરૂ કરી. સમયાન્તરે તેમાંથી બાવીસ જિનરી વિકસાવી. 1920માં લુગાઝીમાં શેરડીનું સફળ વાવેતર શરૂ કરી 1925માં યુગાન્ડા શુગર ફૅક્ટરી અને ડિસ્ટિલરી શરૂ કરી. આ ઉપરાંત કેતકીનું વાવેતર; રબર, કૉફી, ચા, ખાંડ, ગોળ વગેરેનું ઉત્પાદન શરૂ કરી પૂર્વ આફ્રિકાની ખેતીને સમૃદ્ધ કરવામાં અને ઔદ્યોગિકીકરણ કરવામાં તેમણે અગત્યનો ફાળો આપ્યો. આ કાર્ય માટે બ્રિટિશ સરકારે તેમને એમ. બી. ઈ. નો ખિતાબ આપ્યો.

આ ઉપરાંત નાનજીભાઈએ કૅમેરૂનમાં ઇલેક્ટ્રિક કેબલ્સનો ઉદ્યોગ શરૂ કર્યો. તેમણે અમેરિકા અને કૅનેડામાં પૅકેજિંગનો ઉદ્યોગ સ્થાપ્યો. કેનિયામાં તેમણે સર્વિસ સ્ટોર લિ. અને કેનિયા ડેવલપમેન્ટ કંપનીની સ્થાપના કરી.

નાનજી કાળીદાસ મહેતા

સ્વદેશમાં રાણાવાવમાં સિમેન્ટ ફૅક્ટરી, પોરબંદરમાં મહારાણા મિલ્સની સ્થાપના કરી. તેમણે વ્યાપારાર્થે યુરોપ, ઇજિપ્ત, ઇથિયોપિયા, દક્ષિણ આફ્રિકા, ચીન, હૉંગકૉંગ, જાપાન વગેરે દેશોની મુલાકાતો લીધી હતી. ઉદ્યોગ અને વ્યાપારક્ષેત્રે તેમના યોગદાન માટે પોરબંદરના મહારાણાસાહેબે તેમને, ‘રાજરત્ન’ અને ‘રાજ્યમંત્રી’ના ઇલકાબ આપ્યા હતા. જામનગરના ના. રણજિતસિંહ તરફથી પણ તેમને ‘ઑર્ડર ઑવ્ મેરિટ’ એનાયત કરવામાં આવ્યો હતો.

તેમણે આફ્રિકાના એમના સાહસિક અનુભવોનું બયાન કરતી આત્મકથા ‘મારી અનુભવકથા’ (1955) તથા ‘યુરોપનો પ્રવાસ’ અને ‘તપોભૂમિ બદરી-કેદાર’ જેવાં પુસ્તકો આપ્યાં છે.

તેમણે કન્યાશિક્ષણને ઉત્તેજન આપવા માટે ઠેરઠેર કન્યાશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાં અને આર્યસમાજ જેવી સંસ્થાઓ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોરબંદરના આર્યકન્યા ગુરુકુળની સ્થાપના તથા કીર્તિમંદિરનું નિર્માણ તેમનાં યાદગાર કાર્યો છે.

જિગીશ દેરાસરી