મહેતા, જીવણલાલ અમરશી (જ. 1883, ચલાળા, જિ. અમરેલી; અ. 1940) : નિબંધકાર, ચરિત્રકાર, કોશકાર, અનુવાદક અને પ્રકાશક. માતા કસ્તૂરબાઈ, પિતા અમરશી સોમજી. તેઓ સંજોગવશાત્ ઊંચું શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા નહોતા. માત્ર છ ધોરણ સુધી પહોંચ્યા પછી એક વર્ષ તેમણે વડોદરાની ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો, પણ સોળ વર્ષની વયે તેમના પિતાનું અવસાન થતાં તેમને અભ્યાસ પડતો મૂકવો પડ્યો અને સ્કૂલમાં માસિક પાંચ રૂપિયાના પગારે નોકરીમાં જોડાવું પડ્યું. જીવણલાલ મહેતાનાં રસ અને રુચિ વિશેષે કરીને પત્રકારત્વ અને પ્રકાશનના ક્ષેત્રમાં હતાં. એમના સદભાગ્યે એમને રુચિ અનુસારનું કાર્યક્ષેત્ર મળી ગયું. વડોદરાથી પ્રકાશિત થતા ‘દેશભક્ત’ પત્રમાં સહતંત્રી તરીકે તેમને જગ્યા મળી ગઈ અને એ દરમિયાન તેમનો સાહિત્યરસ જાગ્રત થયો, પાંગર્યો. માત્ર સોળ વર્ષની વયે ઈ. સ. 1899માં એમની પહેલી કૃતિ ‘ધર્મનો જય’ નવલકથા રૂપે પ્રગટ થઈ. ‘દેશભક્ત’ના ગ્રાહકોને એ ભેટ તરીકે અપાઈ હતી.
ઈ. સ. 1900માં તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હાલની ગુજરાત વિદ્યાસભા)માં કારકુન તરીકે જોડાયા અને આપહોશિયારીથી ક્રમશ: આસિસ્ટન્ટ સેક્રેટરીના હોદ્દા સુધી પહોંચ્યા. ત્યાં પુસ્તક-પ્રકાશનનો તેમને સારો અનુભવ મળ્યો અને એ અનુભવ આગળ ઉપર તેમને તેમના મનપસંદ પ્રકાશનકાર્યમાં સારી પેઠે ખપ લાગ્યો.
ઈ. સ. 1911માં તેઓ ગુજરાત વર્નાક્લુયર સોસાયટીમાંથી છૂટા થયા અને પુસ્તકપ્રકાશનનો વ્યવસાય શરૂ કર્યો. પ્રકાશક તરીકે તેમણે અનેક નવોદિત લેખકોને ઉત્તેજન આપ્યું અને ‘જ્ઞાનવર્ધક ગ્રંથમાળા’-માં તેમજ સમકાલીન લેખકો, વિદ્વાનોનાં અનેક પુસ્તકો પ્રકાશિત કરીને તેમણે સારી નામના પ્રાપ્ત કરી. તેમણે એ જમાનામાં સ્ત્રીઓ માટેના પ્રતિષ્ઠિત ગણાતા ‘સ્ત્રીબોધ’ માસિકના પ્રકાશનમાં ખૂબ રસ લીધો હતો અને સારી એવી કરકસરથી અને કુશળતાથી એને લોકપ્રિય બનાવ્યું. તેમણે પોતાની તંત્રી તરીકેની સેવાનો લાભ ‘જ્ઞાનસુધા’ માસિકને પણ આપ્યો હતો. ‘જ્ઞાનસુધા’ એમના જમાનાનું એક સમર્થ વિદ્વદભોગ્ય માસિક હતું. તેમના સંખ્યાબંધ લેખો ‘બુદ્ધિપ્રકાશ’, ‘જ્ઞાનસુધા’, ‘સ્ત્રીબોધ’ જેવાં સામયિકોમાં પ્રગટ થતા હતા.
ઈ. સ. 1930થી તેમણે બાળકો માટે ‘બાળપુસ્તકમાળા’ની યોજના ઘડી. એમનાં પુસ્તકો નિબંધ, ચરિત્ર, અનુવાદ – એમ અનેક સ્વરૂપોમાં પ્રગટ થયાં છે. ‘ધર્મનો જય’ (1899), ‘વિકૃતબુદ્ધિનો વિવાહ’, ‘શ્રીકૃષ્ણજીવન’ (1911), ‘ગોપાળ કૃષ્ણ ગોખલે’ (1915) અને ‘સત્યભામા’ (નાટક, 1916) અનુવાદ છે. એ સિવાય મરાઠી રિયાસત (ભાગ 1-2 : 1924) ઇતિહાસ છે. એમનું એક નોંધપાત્ર પુસ્તક કોશરૂપે પ્રગટ થયું તે ‘ગુજરાતી શબ્દાર્થચિંતામણિ’ ભાગ : 1, 2 (1925, 1926).
મધુસૂદન પારેખ