મહેતાજી, દુર્ગારામ (જ. 1809; અ. 1876, સૂરત) : ગુજરાતમાં સમાજસુધારાના આદ્ય પ્રવર્તક, સુધારકોમાં અગ્રેસર. તેઓ વડનગરા નાગર જ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ સૂરતમાં લીધું અને તે પછી મુંબઈમાં નેટિવ એજ્યુકેશન સોસાયટીમાં તાલીમ લઈને ત્યાંથી પાછા ફરી 1826માં સૂરતમાં તેઓ શિક્ષક બન્યા. મુંબઈના વસવાટ દરમિયાન તેમના ઉપર પોતાના સમયના સુધારક વિચારોની અસર પડી હતી. પોતાના સમયના સફળ શિક્ષક અને સારા વિદ્વાન તરીકેની પ્રતિષ્ઠા તેમણે મેળવી હતી. સમાજસુધારાની પ્રેરણા રણછોડદાસ ગિરધરભાઈ ઝવેરી પાસેથી તેમને મળી હતી. તેઓ મેલી વિદ્યા તથા જંતરમંતરના કટ્ટર વિરોધી હતા. વિધવાવિવાહની તરફેણમાં તેમણે અનેક ભાષણો કર્યાં. તેમણે 22 જૂન, 1844ના રોજ સૂરતમાં ‘માનવધર્મસભા’ નામની સંસ્થા સ્થાપી અને સમાજમાં પ્રવર્તતી કુરૂઢિઓને તોડવા વાસ્તે ‘પુસ્તકપ્રચારક મંડળી’ સ્થાપીને સમાજમાં નૂતન વિચારોનો ફેલાવો કર્યો હતો.

તેમણે શાળાના શિક્ષક તરીકે ઘણાં વરસો પર્યન્ત સમાજની સેવા કરી હતી. સમગ્ર ગુજરાતમાં સુધારક તરીકેની પ્રતિષ્ઠા તેમણે પ્રાપ્ત કરી હતી. તેમણે ગુજરાતની પ્રજાને અંધશ્રદ્ધા તથા અજ્ઞાનની સ્થિતિમાંથી જાગ્રત કર્યું. તેમણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હોવાથી તેઓ ઉપનિષદો, ભગવદગીતા તથા પુરાણો વિશે સારી પેઠે જાણતા હતા. દુર્ગારામે અંગ્રેજી શિક્ષણ નહોતું લીધું, છતાં ધર્મ વિષેના તેમના ક્રાંતિકારી વિચારોથી સૂરતની અંગ્રેજી શાળાના હેડમાસ્તર દાદોબા પાંડુરંગ ઘણા પ્રભાવિત થયા હતા.

તેમણે સ્થાપેલ માનવધર્મ સભાના મુખ્ય હેતુઓમાં જણાવવામાં આવ્યું હતું કે; (1) સૃષ્ટિનો સર્જનહાર પરમેશ્વર એક જ છે; (2) બધા માણસોની જાતિ એક છે; (3) બધા મનુષ્યોનો એક જ ધર્મ છે. પરન્તુ પોતપોતાના અલગ ધર્મ માનવા તે એમનો અભિગમ છે; (4) માણસને ગુણોથી ઓળખી શકાય, તેના કુળ પરથી નહિ; (5) વિવેકને અનુસરીને દરેક માણસે પોતાનાં કર્મો કરવાં; (6) ઈશ્વરની કૃપા મેળવવા વાસ્તે ભક્તિ કરવી અને (7) સત્યનો જ બોધ આપવો. આ સભાનો ઉદ્દેશ નાતજાતના ભેદભાવ દૂર કરી વિધવાવિવાહને ઉત્તેજન આપવાનો હતો. દર શનિવારે રાત્રે નાણાવટમાં સભાની બેઠક રાખવામાં આવતી. તેમાં 20થી 25 જેટલી હાજરી રહેતી હતી. તેમની સભાઓમાં તેઓ ઈશ્વર, એકેશ્વરવાદ, મૂર્તિપૂજા, મૃત્યુ પછીનું જીવન, વિધવાવિવાહ, બાળવિવાહ, વહેમ, જાદુ, શુકન અને અપશુકન, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની અસરો, જ્યોતિષશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર વગેરે વિષયો પર ચર્ચા કરતા હતા. માનવધર્મ સભાનાં દુર્ગારામનાં પ્રવચનોએ લોકશિક્ષણનું કાર્ય કર્યું. આ સભાની બેઠકોમાં મોટેભાગે તેઓ જ બોલતા. તેમાં તેમણે ધર્મનું સાચું સ્વરૂપ જાણવા, મૂર્તિપૂજા નાબૂદ કરવા, જ્ઞાતિભેદ દૂર કરવા, મૃત્યુ પછીના જમણવાર બંધ કરવા, વિવેકશક્તિનો ઉપયોગ કરવા લોકોને જણાવ્યું. ધર્મના આચાર્યોના સ્વાંગમાં પાખંડ ચલાવનારા અને વેદો તથા ઉપનિષદોનું વિકૃત અર્થઘટન કરનારાઓની તેમણે ટીકા કરી. અસ્પૃશ્યતા તથા ઊંચનીચના ભેદભાવ દૂર કરીને વાડાબંધીનો ત્યાગ કરવાનો તેમણે આગ્રહ કર્યો. તેઓ પોતાનાં ભાષણોમાં કહેતા કે આપણાં ધર્મશાસ્ત્રો ઈશ્વરકૃત નથી, પરંતુ કેટલાક વિદ્વાનોએ લખેલાં છે. માનવધર્મ સભાએ હિંદુ ધર્મની જડ માન્યતાઓનો વિરોધ કર્યો. તેથી તેની એવી ટીકા કરવામાં આવતી હતી કે આ સભા લોકોને ખ્રિસ્તી બનાવવા માગે છે. આ સભાએ જાદુ, ભૂત, વહેમ, ચમત્કારો વગેરેની વિરુદ્ધ જોરદાર પ્રચાર કર્યો. કોઈ જાદુગર પોતાની વિદ્યાને સાચી પુરવાર કરે તો એને રૂપિયા 20 ઇનામ આપવાની તેમણે જાહેરાત કરી હતી. તેમની હાજરીમાં કોઈ જાદુગર પોતાની શક્તિ બતાવી શક્યો નહિ. તેનાથી લોકોમાં જાગૃતિ આવી અને ભૂત વગેરે વહેમોમાં લોકોના વિશ્વાસ ઘટવા લાગ્યો.

દુર્ગારામ મહેતાજી

દાદોબા પાંડુરંગ તેમની સુધારક-પ્રવૃત્તિના મુખ્ય ટેકેદાર, તેમના મિત્ર અને સભાના પ્રમુખ હતા. દુર્ગારામ આ સભાના દફતરદાર હતા. તેઓ બેઠકોની નિયમિત નોંધ રાખતા. આ સભાને લેખિત બંધારણ ન હતું. સભાના દફતર મુજબ દાદાભાઈ પારસી, કૃષ્ણાજી પંત, રામનાથ શુક્લ, વેણીશંકર ત્રિવેદી, વિઠ્ઠલદાસ મુલતાણી વગેરે તેમની સભાઓમાં ઉપસ્થિત રહીને ચર્ચાઓમાં ભાગ લેતા હતા. સભાના સભ્યો હિંદુ, મુસ્લિમ તથા ખ્રિસ્તીઓનાં નૈતિક અને સામાજિક દૂષણો જાહેર કરતા હતા. તેઓ પશ્ચિમના લોકોના સંપર્કની પ્રશંસા કરતા હતા. તે સમયે સરકારી અધિકારીઓ લોકો પાસે વેઠ કરાવતા હતા. તેથી દુર્ગારામે વેઠની પ્રથા નાબૂદ કરાવવા પ્રયાસો કર્યા હતા. તેઓ પરદેશ જઈને જ્ઞાન પ્રાપ્ત કરવાનો લોકોને બોધ આપતા હતા. મહીપતરામ નીલકંઠ પરદેશ જઈને આવ્યા ત્યારે, દુર્ગારામે તેમની સાથે બેસીને ભોજન કર્યું હતું. તેથી તેમને નાત બહાર મૂકવામાં આવ્યા હતા.

ઈ. સ. 1846માં દાદોબા પાંડુરગની બદલી મુંબઈ ખાતે થઈ અને ત્યારબાદ 1850માં દુર્ગારામની બદલી રાજકોટ થઈ. તેથી માનવધર્મ સભાની પ્રવૃત્તિ વધુ ચાલી શકી નહિ. 1860માં નિવૃત્ત થઈને તેઓ સૂરત પાછા ફર્યા. તેઓ દર અઠવાડિયે ‘ગુજરાતમિત્ર’ અખબારમાં વિવિધ વિષયો પર લેખો લખતા હતા. તેમણે પોતે વિધુર થયા બાદ કોઈ વિધવા સાથે નહિ, પરંતુ એક કુમારિકા સાથે લગ્ન કર્યાં હતાં. તે પછી વિધવાવિવાહનો પ્રચાર તેમણે બંધ કર્યો હતો. આ કાર્યની તેમના સમર્થક પ્રશંસક અને ચરિત્રલેખક મહીપતરામે પણ ટીકા કરી હતી.

તેમણે બંધિયાર હિંદુ સમાજમાં સમાજસુધારાના નૂતન વિચારો ફેલાવ્યા.

જયકુમાર ર. શુક્લ