મહેતા, ગિરધરલાલ દયારામ

January, 2002

મહેતા, ગિરધરલાલ દયારામ (જ. 5 સપ્ટેમ્બર 1879, માળવા; અ. 18 જાન્યુઆરી 1966, વિસનગર) : ઉત્તર ગુજરાતના જાણીતા સમાજસેવક. વિસનગરના નાગર પરિવારમાં જન્મેલા ગિરધરલાલ પિતાના દ્વિતીય પુત્ર હતા. પ્રાથમિક શિક્ષણ આબુ અને વિસનગરમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવીને 1896માં તેમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરી. ત્યારપછી સરકારી કૉલેજમાં દાખલ થયા, પરંતુ કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી અભ્યાસ છોડી દઈ પ્રથમ ટપાલખાતામાં અને ત્યારપછી રેલવેમાં નોકરી શરૂ કરી. બુદ્ધિમત્તા, કાર્યદક્ષતા અને પરિશ્રમથી તે સમયની બી. બી. ઍન્ડ સી. આઇ. રેલવેની નોકરીમાં આગળ વધતાં વધતાં 1934માં નિવૃત્તિ સમયે તેઓ ડેપ્યુટી ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટના હોદ્દા સુધી પહોંચ્યા હતા અને ત્યારપછી જામનગર–દ્વારકા રેલવેના મૅનેજરપદે જોડાયા. સમાજસેવાનું બીજ તેમના હૃદયમાં યુવાવસ્થાથી જ રોપાયું હતું તેથી નોકરીમાં બંધનોની મર્યાદામાં રહીને તેમણે રેલવેના મધ્યમ અને નિમ્ન વર્ગના કર્મચારીઓ માટે રેલવે કન્ઝ્યુમર્સ કો-ઑપરેટિવ સ્ટોર્સ, રેલવે મ્યૂચ્યુઅલ કો-ઑપરેટિવ બેનિફિટ ફંડ અને રેલવે સ્ટાફ વેલ્ફેર ઇન્સ્ટિટ્યૂટ તથા જનસમાજ માટે પુષ્કર તીર્થમાં યાત્રાળુ-ધર્મશાળા અને મુંબઈમાં ક્રેડિટ કન્ઝ્યુમર્સ સ્ટોર્સ, કો-ઑપરેટિવ બૅંક, હરિજન સહકારી મંડળી, અંધેરી મ્યુનિસિપલ સર્વિસ સહકારી મંડળી તથા સાન્ટાક્રૂઝમાં લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના કરી.

1948માં નિવૃત્ત થયા પછી 1966માં મૃત્યુ પર્યન્તનાં 18 વર્ષનું જીવન તો તેમણે સંપૂર્ણપણે સમાજસેવામાં અર્પ્યું હતું. વિસનગરમાં વિધવા સહાયક મંડળ, માધ્યમિક કન્યાશાળા અને મહિલા આર્ટ્સ કૉલેજ જેવી નારીહિતવર્ધક સંસ્થાઓ સ્થાપી હતી. ભારતનાં વિવિધ શહેરોમાંથી દાન મેળવીને તેમણે આ સંસ્થાઓને પગભર બનાવી. તેમની સેવાઓની કદર રૂપે બ્રિટિશ સરકારે 1931–32માં રાયસાહેબનો ખિતાબ આપ્યો હતો. ઉત્તર ગુજરાતમાં ઇજનેરી કૉલેજ સ્થપાય તેવી તેમની ભાવના હતી. પરંતુ તે માટે કાર્યશીલ થાય તે પહેલાં તેમનું અવસાન થયું.

હસમુખ ભાનુપ્રસાદ આચાર્ય