મહેતા, ગગનવિહારી લલ્લુભાઈ

January, 2002

મહેતા, ગગનવિહારી લલ્લુભાઈ (જ. 15 એપ્રિલ 1900, અમદાવાદ; અ. 28 એપ્રિલ 1974, મુંબઈ) : પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા કુશળ વહીવટદાર તથા અમેરિકામાં ભારતના ભૂતપૂર્વ એલચી. પિતા લલ્લુભાઈ શામળદાસ ભાવનગર રિયાસતના દીવાન હતા. તેમની માતાનું નામ હતું સત્યવતી.

ગગનવિહારી લલ્લુભાઈ મહેતા

1917માં મુંબઈની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને 1921માં ત્યાંની જ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી. એ. ઑનર્સની ઉપાધિ મેળવી. ત્યારબાદ લંડન સ્કૂલ ઑવ્ ઈકોનૉમિક્સમાં વધુ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો; પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેમને સ્વદેશ પાછા ફરવું પડ્યું. 1928માં બર્ટ્રાન્ડ રસેલની સામાજિક વિચારસરણી પર પ્રબંધ લખીને મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી.

1923માં ‘બૉમ્બે ક્રૉનિકલ’ અખબારનું ઉપતંત્રીપદ સંભાળ્યું અને અંગ્રેજી રાજ્યના દંભ વિશે લેખો લખી તેમણે સૌનું ધ્યાન ખેંચ્યું. 1926માં સ્વદેશી સાહસ સિંધિયા સ્ટીમશિપ નૅવિગેટ કં. લિ.નું જનરલ મૅનેજરપદ સ્વીકાર્યું. ત્યાં તેમણે 22 વર્ષ સુધી સેવા આપી સ્વદેશી વહાણવટાને ઉત્તેજન મળે તે માટે અને દેશનું ધન પરદેશ ખેંચાઈ જતું રોકવા ઘનિષ્ઠ પ્રયત્નો કર્યા. ભારતીય જળસીમા ભારતીય વહાણો માટે જ અનામત રહે તે માટે ઘણી જહેમત ઉઠાવી.

1937માં ભારતીય મિલ-માલિક પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય મજૂર સંમેલનમાં ભાગ લીધો અને તે જ વર્ષે તેમની ઇન્ટરનૅશનલ ચેમ્બર ઑવ્ કૉમર્સના પ્રતિનિધિ તરીકે નિમણૂક થઈ. 1939–40માં ઇન્ડિયન ચેમ્બર ઑવ્ કૉમર્સ, કલકત્તાના પ્રમુખ નિમાયા. 1942–43માં ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ચેમ્બર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખનો હોદ્દો સંભાળ્યો. 1944માં ન્યૂયૉર્ક ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય વેપાર પરિષદમાં ભારતીય પ્રતિનિધમંડળના નાયબ નેતા તરીકે ભાગ લીધો. 1947માં જિનીવામાં મળેલી આંતરરાષ્ટ્રીય વેપારરોજગાર પરિષદમાં અને મૉન્ટ્રિયલમાં મળેલ આંતરરાષ્ટ્રીય વ્યાપારી મહામંડળ સભામાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

1947–50 દરમિયાન ભારતીય સીમાશુલ્ક બૉર્ડના નિયામક તરીકેનો હોદ્દો તેમણે સંભાળ્યો; સાથોસાથ 1947માં ભારતની બંધારણ સમિતિનું સભ્યપદ પણ સ્વીકાર્યું. 1950–52 દરમિયાન યોજના આયોગના સભ્ય તરીકે પણ તેમણે સેવાઓ આપી.

1952–58ના ગાળામાં તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં ભારતનું એલચીપદ શોભાવ્યું. ત્યાં બંને દેશો વચ્ચે સુમેળ અને સહકાર વધે તે માટે ઘણી જહેમત ઉઠાવી. આ સેવાઓની કદર રૂપે અમેરિકાના પ્રતિષ્ઠિત નાગરિકોએ તેમનું બહુમાન પણ કર્યું. ભારત સરકારે તેમને તેમની આ વિશિષ્ટ સેવાઓ બદલ 1959માં ‘પદ્મભૂષણ’નો ઇલકાબ એનાયત કર્યો હતો.

1958માં તેમની નિમણૂક હિન્દુસ્તાન શિપયાર્ડના ચેરમૅન તરીકે થઈ. 1959–63 દરમિયાન નૅશનલ શિપિંગ બૉર્ડના ચેરમૅન તરીકે સેવાઓ આપી. 1965માં ઍર ઇન્ડિયા અને ઇન્ડિયન ઍરલાઇન્સનું ચેરમૅનપદ શોભાવ્યું અને બંને સંસ્થાઓની કામગીરી સફળ બનાવવામાં તેમણે અમૂલ્ય ફાળો આપ્યો.

સ્વતંત્રતા મળ્યા પછી ભારત ઝડપી ઔદ્યોગિકીકરણ ઇચ્છતું હતું; પરંતુ તે માટે જરૂરી વિદેશી હૂંડિયામણની તીવ્ર તંગી હતી. આ સમસ્યાને હલ કરવા માટે 1958માં આઇ. સી. આઇ. સી. આઇ. લિ.ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાનું મહત્તમ ભંડોળ વિદેશી ચલણોમાં, ખાસ કરીને ડૉલર, પાઉન્ડ, ડુશમાર્ક, ફ્રૅન્ક, યેન વગેરેમાં હતું, જેથી ઉદ્યોગોને જે તે ચલણોમાં સહાય ઉપલબ્ધ કરાવી શકાય. આવી મહત્વની સંસ્થાનું ચેરમૅનપદ ગગનવિહારીભાઈને સોંપવામાં આવ્યું અને તેનું 1971 સુધી સફળ સંચાલન કરીને તેમણે દેશના ઔદ્યોગિકીકરણમાં વિશિષ્ટ યોગદાન કર્યું.

તેઓ પહેલા ભારતીય હતા, જેમનું 1958માં લંડન સ્કૂલ ઑવ્ ઈકોનૉમિક્સે માનાર્હ ફેલોશિપ આપીને અભિવાદન કર્યું. આ ઉપરાંત રોલિન્સ કૉલેજ, વિન્ટર પાર્ક, ફ્લૉરિડા; સિમ્પસન કૉલેજ, ઇન્ડિયાનોલા, આયોવા; અને કૉલેજ ઑવ્ એજ્યુકેશન, પ્રૉવિડન્સ, રહોડ્ઝ આઇલૅન્ડ, યુ.એસ.એ કાયદાશાસ્ત્રની માનાર્હ ઉપાધિઓ આપી તેમનું સન્માન કર્યું હતું.

તેમની પ્રવૃત્તિસભર જીવનશૈલીમાં પણ તેઓ વિદ્વત્ અને વિદ્યાકીય સંસ્થાઓ સાથે સંપર્કમાં રહ્યા હતા. કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, બૅંગાલુરુ અને નફીલ્ડ ફાઉન્ડેશન એડ્વાઇઝરી કમિટીના નિયામકમંડળના સભ્ય હતા. ઇન્ડો-અમેરિકન સોસાયટી, ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ વર્લ્ડ અફેર્સ, કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટી, સોશિયલ સર્વિસ લીગ વગેરે સંસ્થાઓનું પ્રમુખપદ પણ તેમણે સંભાળ્યું હતું.

ગુજરાતી અને અંગ્રેજીમાં લેખન એ તેમની મનગમતી પ્રવૃત્તિ હતી. તેઓ મહદ્અંશે વ્યંગ દ્વારા પોતાનું ર્દષ્ટિબિંદુ સચોટ રીતે રજૂ કરતા હતા. તેમનાં નોંધપાત્ર પ્રકાશનોમાં ગુજરાતીમાં ‘આકાશનાં પુષ્પો’ અને ‘અવળી ગંગા’ અને અંગ્રેજીમાં ‘ધ કૉન્શિયન્સ ઑવ્ ઍ નેશન’; ‘સ્ટડીઝ ઇન ગાંધીઝમ’; ‘ફ્રૉમ રાગ અગલ્સ’; ‘પરવર્સિટિઝ’ અને ‘અન્ડરસ્ટૅન્ડિંગ ઇન્ડિયા’ ગણી શકાય.

ભારતની સહકારી ચળવળના અગ્રણી વૈકુંઠલાલ મહેતા તેમના મોટા ભાઈ હતા.

જિગીશ દેરાસરી