મહેતા, ગિરધારીલાલ (જ. 13 જાન્યુઆરી 1907, વારાણસી; અ. 4 જુલાઈ 1988, કૉલકાતા) : ભારતના અગ્રણી વ્યાપારી અને દાનવીર. તેમણે પ્રાથમિક શિક્ષણ વારાણસી અને કૉલકાતામાં લીધું હતું. 1922માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. તેમની બળદેવદાસ શાલિગ્રામની પેઢી કઠોળ, તેલીબિયાં અને કપાસની દલાલી કરી અંગ્રેજ કંપનીઓને તે નિકાસ માટે પૂરાં પાડવાનું કાર્ય કરતી હતી. તેમની દાળ અને ચોખાની મિલો ઉત્તરપ્રદેશમાં હતી અને તેની વિવિધ ઠેકાણે આવેલી શાખાઓની સંખ્યા 32 જેટલી હતી. તેઓ એવિંગ ઍન્ડ કું.એ આયાત કરેલા કાપડના કટકાઓ(cotton piecegoods)ના દલાલ હતા. 1928માં વિદેશી માલના બહિષ્કારને કારણે કાપડના વ્યાપારનો અંત આવ્યો. પરંતુ જાર્ડિન સ્કિનર ઍન્ડ કું.એ ગિરધારીલાલભાઈની પ્રામાણિકતાની કદર રૂપે શણના દલાલ તરીકે તેમની નિમણૂક કરી. તે જ સમય દરમિયાન તેમણે ગિરધારીલાલ ઍન્ડ કું.ની શરૂઆત કરી. કુટુંબે શરૂ કરેલ ધર્માદા ટ્રસ્ટ મુજબ કંપનીની 75 % આવક ધર્માદા ટ્રસ્ટને અને 25 % કુટુંબને ફાળવવામાં આવતી હતી.

તે સમયે અંગ્રેજો સામાન્ય રીતે ભારતીયને દલાલ તરીકે પસંદ કરવાનું ટાળતા; પરંતુ જાર્ડિન સ્કિનર ઍન્ડ કું.ના આગ્રહને પરિણામે 1935માં તેમની નિમણૂક એ. એસ. હેન્રી ઍન્ડ કું.ના એકમાત્ર દલાલ તરીકે થઈ. તેમના દ્વારા તેઓ હૅરી ગ્રેશામ સ્મિથના સંપર્કમાં આવ્યા, જે બીજા વિશ્વયુદ્ધ (1939–45) સમયે ઇંગ્લૅન્ડ વતી શણના માલના મુખ્ય ખરીદાર હતા. તેમની જરૂરિયાતોનો 50 % હિસ્સો તેઓ ગિરધારીલાલ ઍન્ડ કું. પાસેથી ખરીદતા હતા. ત્યારપછી તો તેમની કંપનીની નિમણૂક ઍન્ડ્રૂ પૂલ, બેગ ડનલૉપ, ડંકન્સ, ટૉમસ ડફ, કૅટલવેલ બુલન અને બીજી કંપનીઓના દલાલ તરીકે થઈ. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિના સમયે તેમની પેઢી કોલકાતાના સૌથી મોટા દલાલ તરીકે પ્રખ્યાત હતી.

ગિરધારીલાલ મહેતા

1947માં ભારત સ્વતંત્ર થતાં આર્થિક પરિસ્થિતિમાં ગણનાપાત્ર ફેરફારો થયા હતા. બદલાતા વાતાવરણમાં ભારતીયોને સાથે લીધા વિના વ્યાપાર કરવો મુશ્કેલ પડશે તેવી મન:સ્થિતિમાં અંગ્રેજો હતા. તે સમયે મૅનેજિંગ એજન્સી પ્રથા પ્રચલિત હતી. ગિરધારીલાલભાઈએ આ તકનો પૂરો લાભ લઈને અંગ્રેજ પેઢીઓના વહીવટમાં પ્રવેશવાની તૈયારી કરી. તે સમયે જાર્ડિન, સ્કિનર ઍન્ડ કું. અને જ્યૉર્જ હૅન્ડરસન લિ.નું વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. તેમાંથી એક કંપનીના ગણનાપાત્ર શૅર ગિરધારીલાલભાઈ પાસે હતા. તેને કારણે તેમજ અંગ્રેજ ભાગીદારોના તેમના પરના વિશ્વાસને લીધે તેમની નિમણૂક જાર્ડિન હૅન્ડરસન લિ.ના માનાર્હ વહીવટી નિયામક તરીકે કરવામાં આવી. 1971માં તેમની નિમણૂક ચેરમૅન તરીકે થઈ હતી. તે જ અરસામાં તેમણે કેટલીક શણની મિલોની એજન્સી ધરાવનાર અને અમેરિકન શિપિંગ એજન્સીના દલાલ ટૉમસ ડફ ઍન્ડ કું. ખરીદ કરી હતી. તેઓ ઇન્ફાર ઇન્ડિયા લિ. અને બેલિસ ઇન્ડિયા લિ.નું ચેરમૅનપદ પણ સંભાળતા હતા. તેમની નિમણૂક બૅંક ઑવ્ ઇન્ડિયા અને સિંધિયા સ્ટીમશિપ નૅવિગેશન કું.ના નિયામકપદે થઈ હતી.

1952માં દિલ્હી ખાતેના ભારતીય વિદ્યા ભવનના મકાનનું ઉદઘાટન પં. જવાહરલાલ નહેરુએ કર્યું હતું. તેના બાંધકામનો સઘળો ખર્ચ તેમણે દાનમાં આપ્યો હતો. 1957માં તેમની નિમણૂક ભારતીય વિદ્યા ભવનના ટ્રસ્ટી તરીકે કરવામાં આવી હતી. 1969માં તેમને સંસ્થાના ઉપપ્રમુખ અને 1983માં પ્રમુખપદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. 1990માં નિવૃત્ત થવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમને માનાર્હ પ્રમુખ તરીકે સન્માનવામાં આવ્યા હતા. વડોદરામાં ભારતીય વિદ્યા ભવને બાંધેલ વિદ્યાશ્રમ માટે તેમણે ગણનાપાત્ર દાન આપ્યું હતું. તેમની રાહબરી નીચે ભવને દેશભરમાં કૉલેજો, શિક્ષાકેન્દ્રો અને વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી હતી. તે ઉપરાંત લંડન, લિસ્બન, ન્યૂયૉર્ક અને ટોરૉન્ટોમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણકેન્દ્રોની શરૂઆત પણ કરી.

ગિરધારીલાલભાઈએ અલ્લાહાબાદ નજદીક ભરવારીમાં એક વિનયન કૉલેજ, વિજ્ઞાન કૉલેજ, છાત્રાલય સાથે એક નિશાળ અને હૉસ્પિટલ, અલ્લાહાબાદમાં મહેતા ગણિત સંશોધન સંસ્થા, વારાણસી અને અલ્લાહાબાદમાં મહેતા સભાગૃહો, વારાણસીમાં વેદ અને સંસ્કૃતના અભ્યાસ માટે સંગવેદ વિદ્યાલય અને કોલકાતામાં બી. સી. રૉય પોલિયો ક્લિનિક સ્થાપવા માટે દાન કર્યાં છે. સંગીતના લગાવને કારણે તેમણે અખિલ ભારતીય સંગીત સભાની શરૂઆત કરી હતી અને સંગીત કલામંદિરનું પ્રમુખપદ પણ સંભાળ્યું હતું. તેઓ મોહન બાગાન કલબના સભ્ય અને બેંગૉલ ટેબલટેનિસ ઍસોસિયેશનના પ્રમુખ હતા. રામકૃષ્ણ મિશન, મારવાડી રિલીફ સોસાયટી, હિંદી હાઇસ્કૂલ વગેરે સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા હતા.

જિગીશ દેરાસરી