મહેતા, કૌશિકરામ વિઘ્નહરરામ (જ. 1874, સૂરત; અ. 1951) : જીવનચરિત્રકાર, નિબંધકાર. એમનાં માતા હરદયાગૌરી; પિતા વિઘ્નહરરામ બલરામ. એમનું શિક્ષણ સૂરતમાં. ઈ. સ. 1889માં તેમણે સૂરતની હાઇસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને ઉચ્ચ અભ્યાસ માટે વડોદરા કૉલેજમાં પ્રવેશ લીધો. ત્યાંથી ઈ. સ. 1892માં બી.એ.ની પરીક્ષા તેમણે ભાષા અને સાહિત્યને ઐચ્છિક વિષયો રાખીને બીજા વર્ગમાં પસાર કરી હતી; પરંતુ ભાષા અને સાહિત્ય ઉપરાંત તેમના પ્રિય વિષયો શિક્ષણશાસ્ત્ર, તત્વજ્ઞાન આદિ હતા. એ વિષયોમાં તેમણે સંખ્યાબંધ લેખો લખીને એ વિષયોમાં પોતાની રુચિ અને ઊંડા અભ્યાસની પ્રતીતિ કરાવી હતી.
એમણે મુખ્યત્વે શિક્ષક તરીકે વિવિધસ્થળે સેવાઓ આપી હતી અને સૌરાષ્ટ્રમાં તો શિક્ષક તરીકે તેમની બોલબાલા હતી. જૂનાગઢ હાઈસ્કૂલમાં તેમણે આચાર્ય તરીકે દીર્ઘ સમય સુધી સેવા આપી હતી. એ પછી રાજકોટમાં અને ત્યાંથી છેવટના ભાગમાં ભાવનગરમાં વિદ્યાધિકારી તરીકે તેમણે જવાબદારી સંભાળી હતી. ત્યાંથી અમદાવાદમાં આવીને અંબાલાલ સારાભાઈની આદર્શ કુટુંબશાળામાં તેઓ અધ્યાપક રહ્યા અને અમદાવાદમાં વનિતાવિશ્રામમાં અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી.
સંસ્કૃત ભાષા-સાહિત્ય પ્રત્યે તેમનો વિશેષ લગાવ હતો. તેમણે સંસ્કૃત પ્રશિષ્ટ ગ્રંથોનો પરિચય કરાવવા નિમિત્તે ‘રામાયણસાર’ (1896) આપેલું. એમના એ અનુરાગના ફળરૂપ ‘સરલ સંસ્કૃત’ ભાગ 1–2 પ્રગટ થયા છે.
વૈદિક ધર્મ અને તત્વજ્ઞાનમાં પણ તેમની સ્વાભાવિક રુચિ હતી. ‘મહાકાલ’, ‘સદુપદેશ શ્રેણી’ વગેરેમાં સને 1891થી લખાતા રહેલા તેમના લેખો તેમના તત્વચિંતનમાંના ઊંડા રસની ગવાહી પૂરે છે. તેમણે ‘ભક્તિપદ્યતરંગિણી’(1905)માં શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગની આઠ કવયિત્રીઓની ભક્તિરચનાઓ પ્રકાશિત કરી છે. તેમની પાસેથી ગૌરીશંકર ઓઝાનું જીવનચરિત્ર (1899) પણ મળ્યું છે, જેમાંનું પ્રથમ પ્રકરણ મણિલાલ ન. દ્વિવેદીકૃત છે. એ ઉપરાંત ‘પુરુષ અને સ્ત્રી’ ભાગ 1 ઈ. સ. 1901માં અને ભાગ-2 ઈ. સ. 1902માં તેમણે પ્રકાશિત કર્યા હતા.
એમનું એક વિશિષ્ટ કોટિનું પુસ્તક ‘સવૈયા’ 1904ની સાલમાં લખાયું હતું. એમાં એમની રસિકતા અને એમના મનનનો સહયોગ દેખાય છે. એમણે થોડાક સમય માટે ‘સ્વધર્મ-જાગૃતિ’ માસિક પણ પ્રકાશિત કર્યું હતું. તેમાં તેમના નીતિ-ધર્મ-સાહિત્ય વિશેના લેખો પ્રગટ થતા હતા. ઈ. સ. 1925માં તેમણે બાળકો માટે ખાસ ‘સો ટચની વાતો’નું પુસ્તક પ્રકાશિત કર્યું હતું.
સૂરતની ગુજરાતી સાહિત્ય પરિષદમાં એ જમાનામાં એક મંત્રી તરીકે પણ તેમણે કાર્ય સંભાળ્યું હતું. તદુપરાંત અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા સાથે પણ તેઓ સંકળાયેલા હતા. એ રીતે શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં તેમનું આગવું પ્રદાન ગણી શકાય.
મધુસૂદન પારેખ