મહેતા, કાશીરામ લલ્લુભાઈ (જ. 1895, વલભીપુર; અ. 17 મે 1959, અમદાવાદ) : ભારતના મુક્તિસંગ્રામના અદના સૈનિક, ગાંધીયુગના સત્યનિષ્ઠ આદર્શ ગ્રામસેવક, કેળવણીકાર.
પ્રાથમિક શિક્ષકો માટેની ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષણ લીધું. પત્ની નર્મદાબહેન શિક્ષક તરીકે શરૂઆત વલભીપુરમાં. દરબારી શાળામાં બે રૂપિયાના માસિક પગારથી શિક્ષક રહ્યા. સોનગઢ ગુરુકુળમાં પણ હતા; પરંતુ ખીરસરાની શાળામાં બાળકોને રાષ્ટ્રીયતાનો રંગ લગાડવાની વાતે નોકરી છોડવી પડી. ઝીંઝાવદરમાં વિનામૂલ્યે રાત્રીશાળા ચલાવતા. આ શાળાને દક્ષિણામૂર્તિના શિક્ષકોએ ‘શિક્ષણના તીર્થક્ષેત્ર’ તરીકે નવાજી. વઢવાણ રાષ્ટ્રીય શાળામાં જોડાઈને ફૂલચંદભાઈ સાથે કામ કર્યું. ગરાસની સો વીઘાં જમીનનું ટ્રસ્ટ કર્યું અને તેની આવક વિદ્યાર્થીઓ માટે વાપરી. ઘરવખરી અને બધો જ અંગત સામાન ગરીબોને વહેંચી દીધો. પગે ચાલીને દ્વારકા અને અન્ય યાત્રાધામોમાં ગયેલા. ગુલામીની જંજીર તૂટે ત્યાં સુધી બીજી કોઈ વાત અગત્યની નથી એવી ર્દઢ પ્રતીતિ થતાં શાળા બંધ કરી બળવંતરાય મહેતાની આગેવાની નીચે કાઠિયાવાડ રાજકીય પરિષદ, યુવકસંઘ અને કૉંગ્રેસમાં કાર્યરત રહ્યા. વળા સત્યાગ્રહના પ્રથમ પ્રમુખ અને ખેડૂતસંઘના સુકાની. રાજકોટમાં વીરાવાળાના દમન વખતે સક્રિય અને પોલીસના હાથે સખત મારપીટ સહન કરી. ‘ફૂલછાબ’માં પ્રજાની ફરિયાદો લિખિત સ્વરૂપે છપાવી. કાઠિયાવાડના ગામડે ગામડે પગપાળા જઈને સ્વતંત્રતા અંગે ભાષણો કરેલાં. સાબરમતી અને અન્ય જેલોમાં સજા ભોગવી. ઝીંઝાવદરમાં એમના મનની નીપજ જેવી બે ગામકોઠી કરેલી, જેમાં લોકો સ્વેચ્છાએ અનાજ નાખતા અને જરૂર પડ્યે વગર પૂછ્યે લઈ જતા. મંદિરમાં અન્નકૂટ કરતા તે પણ હરિજન સહિત ગામનાં તમામ ઘરે ભેદભાવ વગર સરખે ભાગે વહેંચતા. ‘દક્ષિણામૂર્તિ’ ત્રૈમાસિકમાં, ‘મારી સ્વપ્નસૃષ્ટિની એક શાળા’ લેખમાં આદર્શ શિક્ષણ વિશે તેમણે બેનમૂન વિચારો આપ્યા હતા.
આમાં પોતાના રસના વિષયમાં બાળક પોતાની ઇચ્છા મુજબ આગળ વધી શકે તે સિદ્ધાંત અને ઇતર પ્રવૃત્તિઓ વડે સહકારની ભાવના, નિર્ણયશક્તિનો વિકાસ અને આત્મવિશ્વાસ સાથેના સુયોગ્ય વ્યક્તિત્વનું ઘડતર થાય તેવી વિચારસરણી તેમણે દર્શાવેલી. છેલ્લે અમદાવાદમાં વજુભાઈની શારદામંદિર શાળામાં શિક્ષક તરીકે સેવા આપેલી.
વિ. પ્ર. ત્રિવેદી