મહેતા, કલ્યાણજીભાઈ (જ. 7 નવેમ્બર 1890, વાંઝ, તા. ચોર્યાસી, જિ. સૂરત; અ. 11 જુલાઈ 1973, સૂરત) : સ્વાતંત્ર્ય-સેનાની, સમાજસેવક, મુંબઈ અને ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ. કલ્યાણજી પટેલના પિતા વિઠ્ઠલભાઈ સમૃદ્ધ ખેડૂત અને વેપારી હતા. તેમના મોટા ભાઈ કુંવરજી નામાંકિત સમાજસુધારક અને રાષ્ટ્રવાદી કાર્યકર હતા. કલ્યાણજીએ વાંઝની પ્રાથમિક શાળામાં અને અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલજમાં અભ્યાસ કર્યો હતો. કલ્યાણજી પર તેમના પ્રાથમિક શાળાના શિક્ષક ઇચ્છાભાઈ રતનજી નાયકના રાષ્ટ્રવાદી અને સમાજસુધારાના વિચારોનો પ્રભાવ પડ્યો હતો. ત્યારબાદ તેમના ઉપર ગાંધીજી, સરદાર પટેલ, સ્વામી અખંડાનંદ અને મોતીભાઈ અમીનનો પ્રભાવ પડ્યો હતો. તેમણે ભગવદગીતા, ઉપનિષદો તથા સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થના ગ્રંથો વાંચ્યા હતા. 1907ની સૂરત કૉંગ્રેસમાં તેમણે હાજરી આપેલી. ત્યાંના વાતાવરણથી તેમની રાષ્ટ્રવાદી ભાવના જાગ્રત થઈ. તેમને લોકમાન્ય ટિળક અને જહાલવાદીઓ પ્રત્યે સદભાવ ઉદભવ્યો. કેટલાક ક્રાંતિકારી મિત્રો સાથે તેમણે બૉમ્બ બનાવ્યા, પરંતુ ગાંધીજીના સંપર્કથી તેમણે અહિંસાના માર્ગ અપનાવ્યો.

તેઓ વાંઝ ગામની શાળામાં શિક્ષક બન્યા ત્યારથી કલ્યાણજી પટેલને બદલે કલ્યાણજી મહેતા (શિક્ષક) તરીકે લોકો ઓળખવા લાગ્યા. 1911માં સૂરતની સાર્વજનિક સ્કૂલમાં તેઓ જોડાયા અને 1917માં શ્રીમતી ઍની બેસન્ટને અટકાયતમાં રાખ્યાં ત્યારે નોકરી છોડીને રાજકારણમાં ઝંપલાવ્યું. તેમણે સૂરત જિલ્લામાં હોમરૂલ લીગની શાખાઓ સ્થાપી અને ગામડાંઓમાં તેનો પ્રચાર કર્યો. એ જ વર્ષે ખેડા સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો અને સરદાર પટેલના નિકટના સંપર્કમાં આવ્યા. 1919માં રોલૅટ કાયદાનો વિરોધ કરવા તેમણે અનેક સભાઓ સંબોધી. અસહકારની ચળવળમાં જિલ્લાના આગેવાન તરીકે કૉંગ્રેસના કાર્યક્રમનો લોકોમાં પ્રચાર કરી જાગૃતિ ફેલાવી. 1921માં ટિળક સ્વરાજ ફાળામાં પોતાના ભાગમાં આવેલી બધી મિલકત અર્પણ કરી દીધી. સૂરત સુધરાઈનો કબજો લેવાના આંદોલનની તેમણે આગેવાની લીધી. 1922માં ગાંધીજી બારડોલી તાલુકામાં નાકરની લડત કરવાના હતા, તે માટે ગામેગામ ફરીને તેમણે ખેડૂતોને તૈયાર કર્યા; પરંતુ ગાંધીજીની ધરપકડ થયા બાદ, કલ્યાણજીએ ‘નવયુગ’ નામથી ગુજરાતી સાપ્તાહિક શરૂ કરીને તેનું તંત્રીપદ સંભાળ્યું. તેમાં રાજદ્રોહી લેખ માટે તેમણે બે વર્ષની કેદની સજા ભોગવી. 1920થી 1930 સુધી તેમણે સૂરત જિલ્લા કાગ્રેસ સમિતિના મંત્રી તરીકે સફળ કામગીરી બજાવી. જેલમાંથી છૂટ્યા બાદ, 1925માં સ્વરાજ આશ્રમ, બારડોલીની સ્થાપના તથા તેના સંચાલનમાં ફાળો આપ્યો. 1928માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે તેઓ બારડોલી તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અને સરદાર વલ્લભભાઈ પટેલના મંત્રી હતા. મીઠાના કાયદાના ભંગ માટે 1930માં ગાંધીજીએ કરેલી કૂચ બોરસદ તાલુકાના કંકાપુરાને બદલે દાંડી સુધી લંબાવવાનું સૂચન તેમણે કર્યું હતું. આ લડતમાં ભાગ લેવા બદલ તેમને એક વર્ષની કેદ થઈ હતી. ત્યારબાદ 1931માં તેમણે મરોલીમાં કસ્તૂરબા આશ્રમની સ્થાપના કરી. સવિનય કાનૂનભંગની ચળવળના બીજા તબક્કામાં (1932) કલ્યાણજીભાઈની ધરપકડ થઈ અને એમના બંને ભાઈઓ સહિતની મિલકતો સરકારે જપ્ત કરીને વેચી દીધી, તથા તેમને બે વર્ષની કેદની સજા ફરમાવી. જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે રચનાત્મક પ્રવૃત્તિ કરવા માંડી. 1942માં ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થતાં, તેમની ધરપકડ કરીને બે વર્ષની કેદની સજા કરવામાં આવી.

કલ્યાણજીભાઈ મહેતા

સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ કલ્યાણજીભાઈ 1957 સુધી મુંબઈની વિધાનસભાના અને 1960થી 1962 સુધી ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ હતા. તેમને 1967માં ભારત સરકાર તરફથી ‘પદ્મભૂષણ’ના ખિતાબથી નવાજવામાં આવ્યા. ગુજરાતી માસિક ‘પટેલબંધુ’ના તંત્રી તરીકે તેમણે બાળલગ્ન, દહેજ તથા અન્ય કુરિવાજો નાબૂદ કરી પાટીદારોને પ્રગતિના પંથે પ્રયાણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

તેમણે 1918માં ફાટી નીકળેલા ઇન્ફ્લુએન્ઝાના વાવરમાં, 1927 અને 1942નાં પૂર (રેલ) વખતે, 1959–60ના અને 1968ના તાપી નદીના પૂર તથા 1966ના દુષ્કાળ દરમિયાન ગુજરાતમાં રાહતની કામગીરીમાં મહત્વની સેવા આપી. દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકો માટેની શાળાઓ, દવાખાનાં, સહકારી મંડળીઓ, કાંતણ-વણાટનાં કેન્દ્રો જેવાં વિવિધ રચનાત્મક કાર્યો શરૂ કરી તેમણે તેમનું સંચાલન કર્યું તથા માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષણક્ષેત્રમાં પણ તેમણે મહત્વનું પ્રદાન કર્યું હતું. તેમણે 1911માં સૂરતમાં પાટીદાર આશ્રમ નામનું છાત્રાલય શરૂ કર્યું હતું. ત્યાંના રાષ્ટ્રવાદી વાતાવરણને કારણે આઝાદીની લડતો માટે તેમાંથી ઘણા સ્વયંસેવકો મળ્યા હતા. 1925માં બારડોલીમાં રાષ્ટ્રીય શાળાઓ સ્થાપવામાં તેઓ અગ્રેસર હતા. વળી તેમણે માંડવી તાલુકામાં રાનીપરજ કન્યા વિદ્યાલય તથા સૂરત જિલ્લામાં આશ્રમ-શાળાઓ શરૂ કર્યાં હતાં. તેમણે ગુજરાત સમાજશિક્ષણ સમિતિના મંત્રી, ગુજરાત રાજ્ય બુનિયાદી શિક્ષણ સમિતિ અને રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ, સૂરત જિલ્લા શાળા સમિતિના અધ્યક્ષ તથા રાજ્ય શિક્ષણ સલાહકાર સમિતિના સભ્ય તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. તેમણે જીવનચરિત્રો, લોકગીતો, રાષ્ટ્રગીતો, બાળકાવ્યો તથા અનુવાદો સહિત સોળ પુસ્તકો આપ્યાં છે. તેમણે ‘દાંડીકૂચ’ (સહલેખક) પુસ્તકમાં ગાંધીજીએ કરેલી સ્વરાજ-યાત્રાનું વિગતવાર રસપ્રદ વર્ણન કર્યું છે. સરદાર પટેલ તેમના રાજકીય ગુરુ હતા અને તેમના જેવી વ્યવસ્થાશક્તિ કલ્યાણજીભાઈ પણ ધરાવતા હતા.

જયકુમાર ર. શુક્લ