મહેતા, કપિલરાય (જ. 9 માર્ચ 1911, ભાવનગર; અ. 1970, અમદાવાદ) : ગુજરાતી પત્રકાર. કપિલરાય મહેતાનો જન્મ નાગર જ્ઞાતિમાં મનવંતરાય મહેતાને ત્યાં થયો હતો.

1923માં વિલેપારલેની રાષ્ટ્રીય શાળામાં દાખલ થઈ માધ્યમિક શિક્ષણ લીધું. અહીંના વાતાવરણથી તેઓ ચુસ્ત ગાંધીવાદી બન્યા. તેમણે અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણમાં સમાજવિદ્યા વિશારદની પદવી પ્રાપ્ત કરી હતી.

1930ની ઐતિહાસિક દાંડીકૂચમાં કપિલભાઈ ‘અરુણ ટુકડી’માં સત્યાગ્રહી તરીકે જોડાયા. અહીં તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા. સત્યાગ્રહી તરીકે તેમણે ધરપકડ વહોરી અને યરવડા કારાગૃહમાં પાંચ માસની સજા પણ ભોગવી.

‘ગુજરાત સમાચાર’માં તેઓ 1934માં જોડાયા. પત્રકાર તરીકેની તેમની દીર્ઘ અને યશસ્વી કારકિર્દી અહીંથી શરૂ થઈ. 1951થી ’62 સુધી કપિલભાઈએ ‘ગુજરાત સમાચાર’માં તંત્રી તરીકે સેવા આપી. તે પછી ત્યાંથી રાજીનામું આપી તેઓ ‘સંદેશ’માં તંત્રી થયા અને ત્યાં 7 વર્ષ સુધી રહ્યા.

સાડા ત્રણ દાયકા સુધી પત્રકારત્વ ખેડતાં ખેડતાં પત્રકારજીવનના અનેક આરોહ-અવરોહ એમણે જોયા. સમાજમાં જાગૃતિ લાવવામાં, આદર્શોનું ઘડતર કરવામાં અને લોકશાહી મજબૂત બનાવવામાં ગુજરાતી અખબારોએ જે ફાળો આપ્યો તેમાં કપિલભાઈનું પ્રદાન પણ ઉલ્લેખનીય છે.

તેઓ ‘સંદેશ’માં હતા તે દરમિયાન બ્રિટિશ સરકારના નિમંત્રણથી ઇંગ્લૅન્ડ ગયા હતા અને ત્યાંનાં અખબારોનો અભ્યાસ કર્યો હતો. 1965માં એક માસ માટે અમેરિકાનો પણ એવો જ અભ્યાસપ્રવાસ તેમણે કર્યો હતો.

તેઓ પીઢ, રચનાલક્ષી, નિષ્ઠાવાન અને અજાતશત્રુ પત્રકાર હતા. તેઓ સનસનાટીયુક્ત કે તીખા તમતમતા સમાચારોવાળા પત્રકારત્વમાં માનતા નહોતા. વળી જાતીય વૃત્તિને બહેકાવે તેવા સમાચારો પ્રગટ કરી, પત્રનો ફેલાવો વધારવામાં તેઓ માનતા નહોતા. કપિલભાઈ તો અખબારને લોકશિક્ષણનું માધ્યમ માનતા હતા. ભાષાશુદ્ધિના તેઓ આગ્રહી હતા. જીવનનાં ઉચ્ચ મૂલ્યોને પ્રકાશમાં લાવવા પર તેઓ ભાર મૂકતા હતા. પોતાના અખબારમાં સાચા સમાચારો જ પ્રગટ થાય તે માટેની તેમની ચીવટ અને સમતોલ ર્દષ્ટિ પત્રકારો માટે અનુકરણીય હતી. ગાંધીજીનું સૂત્ર ‘કાર્ય એ મારો ધ્યાનમંત્ર છે. પરિણામની હું ચિંતા કરતો નથી’ – કપિલભાઈ હમેશાં પોતાની નજર સમક્ષ રાખતા હતા અને તેને અનુસરતા હતા.

મુકુન્દ પ્રા. શાહ