મહુવા : ભાવનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 00´ ઉ. અ. અને 71° 45´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 1,221 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકામાં મહુવા શહેર ઉપરાંત 130 જેટલાં ગામ આવેલાં છે. 1991 મુજબ આ તાલુકાની વસ્તી 2,39,645 જેટલી છે, તે પૈકી 54 % પુરુષો અને 46 % સ્ત્રીઓ છે.
ભૂપૃષ્ઠ–જમીનો–જળપરિવાહ–આબોહવા : તળાજાથી શરૂ થતી ડુંગરમાળાના ભાગરૂપ મોરધાર, રબારિકા, રાવણબેલા નામની ટેકરીઓ અહીં આવેલી છે. તાલુકાની જમીનો મોટેભાગે સપાટ અને ફળદ્રૂપ છે. કાંઠા સિવાયની જમીનો મધ્યમ કાળી છે. માલણ અને બગડ અહીંની મુખ્ય નદીઓ છે. માલણ મોરધારના ડુંગરમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે. મહુવા પાસેથી તેનો પટ વિશાળ બને છે. કાંઠા પરનાં ઘટાદાર વૃક્ષો તેની સુંદરતામાં વધારો કરે છે. રબારિકા, ઇગલવાડી, ખૂંટવડા, નાવડા, ગોરસ અને સાગણિયા ગામો તેના કાંઠા પર વસેલાં છે. ખૂંટવડા નજીક માલણ નદી પર સિંચાઈ માટેનો બંધ પણ છે. બગડાણા નજીક આવેલા 225 મીટર ઊંચા ગેબર ડુંગરમાંથી બગડ નદી નીકળે છે. તેના ઉપરવાસમાં મોણપર, ટિટોડિયા અને ધરાઈ નજીક અન્ય ઝરણાં આ નદીને મળે છે. હેઠવાસમાં વાહરગઢ, બોરડી, જગાધર અને લીલવણ તેના કાંઠા પર આવેલાં છે. તેના પટમાં કાળમીંઢ ખડકો આવેલા છે. નદીકાંઠે બગડેશ્વરનું શિવમંદિર પણ છે. સમઢિયાળા પાસે તેના પર બંધ બાંધેલો છે.
અહીં ઉનાળા અને શિયાળાનાં મે અને જાન્યુઆરી માસનાં મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 39.6° સે. અને 26° સે. તથા 27.6° સે અને 13° સે. જેટલાં રહે છે. તાલુકામાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ વરસાદ 595 મિમી.થી 640 મિમી. જેટલો પડે છે. તાલુકો દરિયાકાંઠે આવેલો હોવાથી તેની આબોહવા એકંદરે સમધાત રહે છે.
વનસ્પતિ–પ્રાણીઓ : તાલુકાની આશરે 2,095 હેક્ટર ભૂમિમાં જંગલો આવેલાં છે. દરિયાકાંઠે ચેર કે તમ્મરિયાનાં વૃક્ષો છે. નીલગિરિનાં વૃક્ષોનું વાવેતર પણ થયું છે. અહીં બાવળ, ગાંડો બાવળ, બોરડી, ખાખરો, કેતકી, સરુ, ગુલમહોર, ગોરડ, આવળ જેવાં વૃક્ષો જોવા મળે છે. સૂકાં મિશ્રિત પાનખર અને કાંટાવાળાં વૃક્ષોનું પ્રમાણ વિશેષ છે. ગરમાળો, અર્જુન, સાદડ, પુનર્નવા, લીમડો વગેરે જેવાં ઔષધોપયોગી વૃક્ષો પણ છે. સામાજિક વનીકરણ યોજના હેઠળ રસ્તા અને રેલમાર્ગોની નજીક વૃક્ષોનું મોટા પાયા પર વાવેતર થયું છે.
તાલુકાના દરિયાકાંઠે આવેલી સપાટ, રેતાળ અને કાંપવાળી જમીનોમાં નાળિયેરીનું વાવેતર ભાવનગર દેશી રાજ્યના સમયથી ચાલે છે. જમાદાર તરીકે ઓળખાતી આફૂસ કેરી, ચીકુ, પપૈયાં, રામફળ વગેરેની લીલીછમ વાડીઓ અહીં આવેલી છે. લીલી નાઘેરનો આ કંઠારપ્રદેશ તાલુકાના એક ભાગરૂપ છે.
આ તાલુકામાં વરુ, શિયાળ અને લોંકડી જેવાં સામાન્ય વન્ય પ્રાણીઓ જોવા મળે છે.
ખેતી અને ઉદ્યોગ : ઘઉં, જુવાર, બાજરી, મગફળી અને કપાસ અહીંના મુખ્ય કૃષિ-પાક છે. થોડા વિસ્તારમાં શાકભાજી અને ફળોનું વાવેતર પણ થાય છે.
આ તાલુકામાં બૉક્સાઇટ, ઇલ્મેનાઇટ રેતી, ઇમારતી પથ્થરો અને ચૂનાખડક, બેન્ટોનાઇટ, સુઘટ્ય (પ્લાસ્ટિક) માટી, રેતી, કપચી અને ચિરોડીનું મર્યાદિત પ્રમાણમાં ઉત્પાદન લેવાય છે. ખાણઉદ્યોગ અવિકસિત છે. ઉદ્યોગો મુખ્યત્વે મહુવા ખાતે આવેલા છે.
ગ્રામીણ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. દરિયાકાંઠાના કેટલાક લોકો માછીમારીના વ્યવસાયમાં રોકાયેલા છે. અમુક લોકો દરિયો ખેડે છે. દરિયાકાંઠે મીઠાના અગર પણ જોવા મળે છે.
મહુવા (શહેર) : પ્રાચીન નામ મધુમાવતી. તે ભાવનગરથી નૈર્ઋત્યમાં આશરે 89 કિમી. અંતરે માલણ નદીના કાંઠે વસેલું છે. તે 21° 03´ ઉ. અ. અને 71° 49´ પૂ. રે. પર આવેલું છે. 1991 મુજબ આ શહેરની વસ્તી 59,675 જેટલી છે. પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ લગભગ સરખું છે. દર હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા 958 જેટલી છે. શહેરમાં સાક્ષરતાનું પ્રમાણ 66 % જેટલું છે. શહેરમાં 16 પ્રાથમિક શાળાઓ, 5 માધ્યમિક શાળાઓ, વિનયન-વાણિજ્ય અને વિજ્ઞાનની કૉલેજ, બાલમંદિરો, બાલવાડીઓ અને 2 પુસ્તકાલયો છે. મહુવામાં અગાઉ ચાલતી કાપડની મિલ હાલ બંધ છે. મૅંગલોરી નળિયાં, ટાઇલ્સ, ખેતીનાં ઓજારો, ગરગડીઓ, લોખંડનો સામાન, લાટીઓ, નાનો સિમેન્ટ-પ્લાન્ટ, મૉનોફિલામેન્ટ, દોરડાં, કાથી, ઑઇલ-એંજિન, જિન-પ્રેસ, તેલમિલો વગેરે જેવાં ઘણાં કારખાનાં અહીં આવેલાં છે. લઘુ ઉદ્યોગના કુલ 141 જેટલા એકમો છે. 1972થી અહીં એક ઔદ્યોગિક વસાહત સ્થપાયેલી છે. તેમાં 22 જેટલાં કારખાનાં છે. લાખ, લાકડાં અને હાથીદાંતનાં વિવિધ રમકડાં ઉપરાંત ઘોડિયાં, પલંગ જેવી ચીજવસ્તુઓ બનાવવાના ગૃહઉદ્યોગો પણ ચાલે છે.
મહુવા તેની આજુબાજુનાં ગામો માટેનું ખરીદ-વેચાણ માટેનું વેપારી મથક બની રહ્યું છે. અહીંના માર્કેટ-યાર્ડમાં અનાજ, મગફળી, ડુંગળી, કપાસ, કઠોળનાં ખરીદ-વેચાણની સગવડ છે. તાલુકા ખરીદ-વેચાણ સંઘ ખેડૂતોને ધિરાણ, ખાતર, બિયારણ વગેરે પૂરું પાડે છે. અહીં રાષ્ટ્રીયકૃત તથા સહકારી બૅંકોની શાખાઓની સુવિધા છે.
મહુવા કુંડલા–ઢસાને જોડતી તથા બોટાદ–અમદાવાદને જોડતી મીટરગેજ રેલ મારફતે સંકળાયેલું છે. તે આ રેલમાર્ગો દ્વારા ધોળા અને ઢસા તથા ભાવનગર અને સૌરાષ્ટ્રનાં અન્ય વેપારી કેન્દ્રો સાથે જોડાયેલું છે. અહીં કંઠાર ધોરીમાર્ગ (coastal highway) તેમજ મહુવા-તળાજા અને કુંડલાને જોડતા માર્ગો આવેલા છે. મહુવા બંદર હાલ કાર્યરત નથી.
શહેરનાં જોવાલાયક સ્થળોમાં બાલવાટિકા, સંગ્રહસ્થાન, ભવાની માતાનું મંદિર, ચક્રેશ્વરી, મહાલક્ષ્મી અને વાઘેશ્વરી માતાનાં મંદિરો, ભૂતનાથ અને ખીમનાથનાં શિવમંદિરો, સ્વામિનારાયણનું મંદિર, વૈષ્ણવ હવેલી, જૈન મંદિર (1444), મસ્જિદ વગેરેનો સમાવેશ થાય છે.
જૈન પરંપરા પ્રમાણે વિક્રમ રાજાએ ભાવડ શાહને મહુવા ઇનામમાં આપ્યું હતું. ભાવડના પુત્ર જાવડનો બહોળો વેપાર હતો. અહીંના જૈન વિદ્વાન વીરચંદભાઈએ શિકાગોમાં ભરાયેલ પ્રથમ વિશ્વ ધર્મસભામાં ભાગ લીધેલો અને જૈન ધર્મ ઉપર વ્યાખ્યાન આપેલું. મૈત્રક વંશનો અસ્ત થયા પછી વાજા રજપૂતો, ગુજરાતના સુલતાનો અને મુઘલોની અહીં સત્તા હતી. ઔરંગઝેબના મૃત્યુ પછી ખસિયા કોળીઓએ આ સ્થળ કબજે કરેલું. ત્યારબાદ ભાવનગર રાજ્યના વખતસિંહજીએ ખસિયાઓને હરાવી 1784માં મહુવા કબજે કર્યું હતું.
શિવપ્રસાદ રાજગોર