મહી (નદી) : ગુજરાત રાજ્યમાં આવેલી એક મહત્વની નદી. ગુજરાતમાં તે લંબાઈની ર્દષ્ટિએ નર્મદા અને તાપી પછીના ત્રીજા ક્રમે આવે છે. તેનું મૂળ મધ્યપ્રદેશમાં આવેલું છે. સમુદ્રસપાટીથી આશરે 564 મીટર ઊંચાઈ ધરાવતા માળવાના ઉચ્ચપ્રદેશીય વિસ્તારના વિંધ્યાચળના પશ્ચિમ છેડે આવેલાં અમઝેરા શહેર અને ભોયાવર ગામ વચ્ચેનું મેહાડ સરોવર મહીનું ઉદગમસ્થાન છે. તેની કુલ લંબાઈ 583 કિમી. જેટલી છે. માળવાના પ્રદેશમાંથી પસાર થયા પછી તે વાંસવાડા–ડુંગરપુરના વાગડ પ્રદેશમાંથી વહે છે. ત્યાંથી પાલ અને માળ પ્રદેશમાં થઈને દાહોદ, ગોધરા, આણંદ અને વડોદરા નજીકથી પસાર થયા પછી તે ખેડા જિલ્લામાં પ્રવેશે છે અને છેવટે ખંભાતના અખાતને મળે છે. પૂર્વ તરફથી તેને ભાદર, અનાસ, પાનમ, મેસરી વગેરે નદીઓ મળે છે. ખેડા જિલ્લાના વાડાસિનોર તાલુકાના જનોડથી સહેજ વળાંક લઈ મહી નૈર્ઋત્ય તરફ વાંકીચૂકી વહે છે. વનોડાથી તેનો પટ વિશાળ બને છે. ઠાસરા નજીક તેને ગળતી નદી મળે છે. બામણગામ–ગંભીરા આગળ તે પશ્ચિમ તરફનો વળાંક લે છે. ધુવારણ નજીકથી આ નદી મહીસાગર નામથી ઓળખાય છે. વહેરા ખાડીથી ખંભાતના અખાત સુધીનો 80 કિમી.નો પટ પણ મહીસાગર કહેવાય છે. તેનો સ્રાવવિસ્તાર 30,665·ર48 ચોકિમી. જેટલો છે. તેનો વાર્ષિક પ્રવાહ 999.04 કરોડ ઘનમીટર જેટલો છે. ચોમાસામાં પૂર આવે ત્યારે તે બે કાંઠે વહે છે. તે સિવાયની બાકીની કોરી ઋતુમાં તેનો પ્રવાહ 12થી 19 મીટર પહોળાઈનો રહે છે. 1968, 1971 અને 1973માં તેમાં આવેલાં ઘોડાપૂરે ખૂબ નુકસાન કરેલું. પૂર વખતે એક સેકંડના 2.1 × 105 ઘનમીટર તેની જળવહન-ઝડપ હોય છે. ભરતી વખતે સમુદ્રનાં પાણી વહેરા ખાડી સુધી આવી પહોંચે છે. દહેવાણ આગળ નદીની ખાડી 8 કિમી. પહોળી છે. પૂર વખતે ઘણો કાંપ ઘસડાઈ આવે છે. આ કાંપથી ખંભાતના બારાનું પુરાણ થઈ ગયું છે, આથી ખંભાતથી સમુદ્ર બેથી ત્રણ કિમી. દૂર ગયો છે. જૂની જેટી પણ નકામી બની ગઈ છે.
મહીના કાંઠા પર વાડાસિનોર તાલુકાનાં જનોડ સહિત ત્રણ ગામો, ઠાસરા તાલુકાનાં અગિયાર ગામો, આણંદ તાલુકાનાં સુંદરપુરથી વાસદ સુધીનાં દસ ગામો, બોરસદ તાલુકાનાં ભેટાસીથી કનકપુરા સુધીનાં તેર ગામો અને ખંભાત તાલુકાનાં ધુવારણ અને ખંભાત વચ્ચેનાં પાંચ ગામો આવેલાં છે.
બારૈયા, પાટણવાડિયા, કોળી અને ઠાકરડા કોમોનાં મીનગ્રાડ, ફઝિલપુર, અનગડ અને યસપુર જેવાં પવિત્ર યાત્રાધામો તેના કાંઠે આવેલાં છે. વાસણા કોલના ખાતે દશેરા વખતે મેળો ભરાય છે. તેના કાંઠા ઊંચાં અને ઊંડાં કોતરોવાળા છે. ભૂતકાળમાં આ કોતરો બહારવટિયાઓનું છુપાવાનું સ્થાન બનેલાં. આ બહારવટિયાઓ અને ધાડપાડુઓ માટે મહીનું જળ અતિ પવિત્ર ગણાય છે. ગમે તેવો ભારાડી ધાડપાડુ પણ મહીના સોગંદ ખાઈને સાચી વાત કરે છે. આના સંકેતો ઝવેરચંદ મેઘાણી રચિત ‘માણસાઈના દીવા’ કૃતિમાં જોવા મળે છે. આજે ‘મહી’ નામે ઓળખાતી આ નદીનો ટૉલેમીએ ‘મોફીસ’ અને અલબેરૂનીએ ‘મહીન્દ્રી’ તરીકે ઉલ્લેખ કરેલો છે. ત્યાંની લોકભાષામાં ‘મહીસાગર’ નામે તે ઉલ્લેખાય છે.
મહી નદી પર ત્રણ અગત્યના બંધ બંધાયેલા છે. એક બંધ રાજસ્થાનમાં છે, તે માહી ડૅમ નામથી ઓળખાય છે અને વાંસવાડાથી થોડેક અંતરે આવેલો છે. 1981માં પૂર્ણ થયેલો, આશરે રૂપિયા 70 કરોડના ખર્ચે બંધાયેલો કડાણા બંધ પંચમહાલમાં આવેલો છે. તે 86,049 હેક્ટર જમીનને સિંચાઈ આપવાની ક્ષમતા ધરાવે છે. 780 મીટરની લંબાઈનો વિયર પ્રકારનો ત્રીજો બંધ વણાકબોરી ખાતે આવેલો છે. તે 1977માં આશરે 36.45 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલો છે. તેની સિંચાઈ-ક્ષમતા 1.86 હેક્ટર જેટલી છે.
શિવપ્રસાદ રાજગોર