મહિલાઓ અને કાયદો : ભારતમાં મહિલાઓના ન્યાયોચિત અધિકારોને ધારાકીય માન્યતા આપવા ઘડવામાં આવેલા કાયદાઓ.

સ્ત્રી અને પુરુષ વચ્ચે જીવવિજ્ઞાનની ર્દષ્ટિએ જે તફાવતો છે તેને કારણે તેઓ વચ્ચેના કાનૂની દરજ્જાઓમાં પણ ફેરફાર હોવાનો મત જૂના જમાનામાં ભારતમાં પ્રવર્તતો હતો.

આદિ સમાજમાં અમુક સમયે સ્ત્રીઓનો દરજ્જો પુરુષથી ચડિયાતો હતો અને અમુક સમયે તેથી વિપરીત પણ હતું એમ આ વિશેના અભ્યાસો દર્શાવે છે.

ઈ. પૂ. 300 વર્ષ પહેલાં ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ સારી હતી એમ ‘મનુસ્મૃતિ’ અને ‘નારદસ્મૃતિ’ જણાવે છે. નિ:સંતાન વિધવાને નિયોગથી પુત્ર મેળવવાની છૂટ હતી. ભગવાન મનુએ સમાજને આપેલા આદેશ મુજબ ઉપાધ્યાયથી આચાર્ય દસગણા, આચાર્યથી પિતા સોગણા અને પિતાથી માતા હજારગણી વધુ પૂજ્ય છે. આ આદર્શને મુઘલ શાસનકાળ અને ત્યારપછીના સમાજે અભરાઈએ ચડાવી દીધો. પરિણામે સ્ત્રીનો (સ્ત્રી)ધનનો અધિકાર મર્યાદિત બન્યો. કુટુંબની મિલકતમાં તેને કોઈ હક ન હતો, બાળક દત્તક લેવાનો હક ફક્ત પુરુષને જ હતો, પુનર્લગ્ન કરવાની છૂટ પણ સ્ત્રીને ન હતી, પતિના મૃત્યુથી કેશવપન કરાવી ફરજિયાત વૈધવ્ય પાળવું પડતું હતું અને અમુક સમાજમાં તો તેને પરાણે સતી બનાવવામાં આવતી હતી. ગૃહરાજ્ઞી કહી તેનું માન કરાતું, પરંતુ પતિની ખફા મરજી થતાં તે વાટે અને ઘાટે ભટકતી નિરાધાર થઈ જતી હતી અથવા તો કોઈ અજ્ઞાત ખૂણે જીવન વિતાવી શેષ જીવન પૂરું કરતી હતી. આમ હોવા છતાં અમુક મહિલાઓ અપવાદરૂપ ગણાય તેવી પણ થઈ છે; જેવી કે, રાણી અહલ્યાબાઈ, ચાંદબીબી, રઝિયા સુલતાના અને બ્રિટિશ શાસનને હંફાવનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વગેરે.

ભારતમાં અંગ્રેજી શાસન આવ્યા પછી અંગ્રેજી શિક્ષણ પામનારાઓમાં સ્ત્રીની આવી હાલત સુધારવાના વિચારો ઉદભવ્યા. બંગાળમાં રાજા રામમોહનરાય, પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફુલે, ગોપાલ ગણેશ આગરકર અને ગુજરાતમાં વીર નર્મદે આ દિશામાં જબરદસ્ત પ્રયાસો કર્યા. પરિણામે વિધવાવિવાહને માન્યતા મળી, ન્યાતજાત ગુમાવનાર સ્ત્રીને પણ વારસો મળી શકે એવો કાયદો થયો. વળી સતીપ્રથાના નિષેધ અંગે પણ કાયદાઓ ઘડાયા. આથી સમાજમાં જાગૃતિ પેદા થઈ.

બીજું વિશ્વયુદ્ધ (1939–45) પૂરું થતાં 1947માં ભારતને આઝાદી મળી. હિંદુ કોડ બિલ બનાવી મહિલાઓની સ્થિતિ સુધારવા પ્રયત્ન કરવામાં આવ્યો અને એને પરિણામે ‘હિંદુ માઇનૉરિટી ઍન્ડ ગાર્ડિયનશિપ ઍક્ટ’, ‘હિંદુ એડૉપ્શન ઍન્ડ મેન્ટેનન્સ ઍક્ટ’, ‘હિંદુ મૅરેજ ઍક્ટ’ અને ‘હિંદુ સક્સેશન ઍક્ટ’ પસાર કરવામાં આવ્યા. આને કારણે સ્ત્રીના ઉત્થાનમાં ક્રાંતિ સરજાઈ, સ્ત્રીની પ્રતિષ્ઠા વધી અને તેને પુરુષ સમાન દરજ્જો પ્રાપ્ત થયો.

ભારતના બંધારણે સ્ત્રીને કેટલાક અધિકારો બક્ષ્યા છે; દા.ત., (1) લિંગભેદ વિનાની સમાનતા; (અનુ. 14); (2) તરફદારી નિષેધ [અનુ. 15 (1), 16 (1), 16 (2)]; (3) જીવન ટકાવવા માટેનાં સાધનોનો સમાન અધિકાર [અનુ. 39 (એ)]; (4) સ્ત્રીનું શોષણ થતું અટકાવવાનો અધિકાર [અનુ. 39 (સી)]; (5) સ્ત્રીના ગૌરવનું રક્ષણ [અનુ. 51 એ (ઈ)]; (6) જાહેર સેવામાં સ્ત્રીની સમાનતાનું રક્ષણ [અનુ. 15 (1), 16 (1), 16 (2)]; (7) અંગત કાયદામાં સમાનતાના રક્ષણનો અધિકાર; (8) સમાન વેતનનો અધિકાર (ઇક્વલ રેમ્યૂનરેશન ઍક્ટ) અને (9) અંગત સ્વાતંત્ર્યનો અધિકાર (અનુ. 21) ઉલ્લેખનીય છે.

બંધારણની ઉપર્યુક્ત જોગવાઈઓની ર્દષ્ટિએ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસીઓના અલગ કાયદાઓની મુલવણી કરીએ તો આ કાયદાઓ ધર્મનિરપેક્ષતાની વિભાવનાના વિકાસમાં બાધક છે અને એને કારણે બંધારણે સમાન સિવિલ કોડ ઘડવાનો જે આદેશ આપ્યો છે તેમાં આગળ વધી શકાય તેમ નથી એવો એક પ્રબળ મત છે.

બંધારણીય જોગવાઈઓને અમલમાં મૂકવા માટે યથાસમયે નીચેના પૂરક કાયદાઓ ઘડવામાં આવ્યા છે : (1) ધ ડાવરી પ્રોહિબિશન ઍક્ટ, 1961; (2) ધ ડાવરી પ્રોહિબિશન (મેન્ટેનન્સ ઑવ્ લિસ્ટ ઑવ્ પ્રેઝન્ટ્સ ટૂ ધી બ્રાઇડ ઍન્ડ બ્રાઇડગ્રૂમ) રુલ્સ, 1985; (3) ધ ઇન્ડિયન પીનલ કોડ, 1860 (ક. 304-બી, ક. 354, 509, 493, 494, 495, 496, 497, 498, 498-એ, 306, 375થી 377, 312થી 316, 363, 372, 373); (4) એવિડન્સ ઍક્ટ (કલમો : 114-એ, 51); (5) ‘ક્રિમિનલ પ્રોસીજર કોડ’ કલમો : 113-એ, 113-બી, 125, 127, 198, 160, 161, 174); (6) ધી ઇમ્મૉરલ ટ્રાફિક (પ્રિવેન્શન) ઍક્ટ, 1956; (7) ‘ઇન્ડિસન્ટ ઍક્સ્પોઝર ઑવ્ વિમેન (પ્રિવેન્શન) ઍક્ટ, 1986’; (8) ‘ધ યંગ પરસન્સ હાર્મફુલ પબ્લિકેશન ઍક્ટ, 1956’; (9) ‘ધ મુસ્લિમ વુમન (પ્રોટેક્શન ઑવ્ રાઇટ્સ ઑન ડિવૉર્સ’ ઍક્ટ, 1986’; (10) ‘ધ મુસ્લિમ વુમન (પ્રોટેક્શન ઑવ્ રાઇટ્સ ઍન્ડ ડિવૉર્સ) રુલ્સ, 1986’; (11) ધ હિંદુ મૅરેજ ઍક્ટ, 1956; (12) ‘ઇંડિયન ક્રિશ્ચિયન મૅરેજ ઍન્ડ ડિવૉર્સ ઍક્ટ, 1936’; (13) ‘સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ, 1954’; (14) ‘મેડિકલ ટર્મિનેશન ઑવ્ પ્રેગ્નન્સી ઍક્ટ’; (15) ‘ચાઇલ્ડ મૅરેજ રિસ્ટ્રેન્ટ ઍક્ટ, 1929; (16) ‘ધ મેટર્નિટી બેનિફિટ ઍક્ટ, 1961’; (17) ‘પારસી મૅરેજ ઍન્ડ ડિવૉર્સ ઍક્ટ, 1936’; (18) ‘ઇક્વલ રેમ્યૂનરેશન ઍક્ટ, 1976’.

ગ્રામપ્રદેશની મહિલાઓની સ્થિતિ સુધારવા માટે સરકારે ‘અન્ટચેબિલિટી ઑફેન્સિસ ઍક્ટ, 1976’, ઉપરાંત ‘પ્રોટેક્શન ઑવ્ સિવિલ રાઇટ્સ ઍક્ટ’ અને 1989માં અત્યાચાર-વિરોધી ધારો ઘડ્યો છે. બંધારણના અનુચ્છેદો 15 (1), 15 (2), 16 (1), 17, 23, 25 (1), 25 (2), 29 (2), 32, 38 (1), 38 (2), 39-એ અને 46 આ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે.

કૌટુંબિક કાયદાની ર્દષ્ટિએ જોતાં લગ્નને ‘સામાજિક કરાર’ તરીકે સ્વીકારવામાં આવેલો જણાય છે. મુસ્લિમોમાં સુન્ની અને શિયા – એમ બે પંથો છે. આ બંને પંથોને લગતો લગ્નનો કાયદો અલગ હોવા છતાં તેમની વચ્ચેનો તફાવત માત્ર વિગતોમાં છે, મૂળમાં નહિ, શિયા અને સુન્ની મુસ્લિમ વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન બંને પંથોમાં માન્ય છે.

હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી કાયદા પ્રમાણે સગીરનું લગ્ન એનો વાલી કરી શકે છે. ખ્રિસ્તીઓના લગ્નનું સંચાલન ‘ઇંડિયન ક્રિશ્ચિયન મૅરેજ ઍક્ટ, 1872’થી થાય છે. ખ્રિસ્તી ધર્મ ત્યજી દઈ ઇસ્લામ ધર્મ સ્વીકારી બીજાં લગ્ન કરનાર પુરુષ દ્વિપત્નીત્વનો ગુનેગાર ઠરે છે. હિંદુ લગ્ન બાબતમાં પણ આ જ સિદ્ધાંત હવે લાગુ પડે છે. સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ 1954 હેઠળ કરેલાં લગ્નને ‘સિવિલ મૅરેજ’ અથવા ‘રજિસ્ટર્ડ મેરેજ’ કહે છે.

હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી લગ્નના કાયદાઓ હેઠળ પુરુષ અને સ્ત્રીને અમુક નિશ્ચિત કરેલાં કારણોને આધારે છૂટાછેડા મળી શકે છે. સ્ત્રીને આ કારણો ઉપરાંત બીજાં વધારાનાં કારણોસર પણ છૂટાછેડા મળી શકે તેવી જોગવાઈ છે. બધા જ કાયદાઓમાં સ્ત્રીના ભરણપોષણની જોગવાઈ, બાળકનો હવાલો, દત્તકવિધાન, વાલીપણું વગેરે માટે જોગવાઈઓ કરેલી છે. ભરણપોષણ માટે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 125 હેઠળ અરજી કરી શકાય છે. તેમ છતાં છૂટાછેડા અપાયેલી મુસલમાન સ્ત્રીઓને ભરણપોષણ નહિ આપવાના મુસલમાન પતિના અધિકારનું સમર્થન કરતું વિધેયક મે 1986માં ભારતની સંસદના બંને ગૃહોએ પસાર કર્યું છે.

મહિલાઓ અંગે થતા મુખ્ય ગુનાઓ આ પ્રમાણે છે : (1) હુમલો, (2) તાડન, (3) ગેરકાયદે કેદ, (4) ઈજા કરવી, (5) કામના સ્થળે નોકરી કરતી મહિલાઓની છેડતી કરવી, (6) રૅગિંગ, (7) અપહરણ અથવા અપનયન કરવું, (8) વેશ્યાવૃત્તિ માટે તેનું વેચાણ કરવું, (9) દેવદાસી બનાવવી, (10) બળજબરીથી ગર્ભપાત કરાવવો, (11) તેની અનિચ્છા છતાં ગર્ભપરીક્ષણ કરાવવું, (12) દહેજ ન લાવવાને પરિણામે તેને કનડવી, તેના પ્રત્યે ક્રૂરતા આચરવી અને તેને આપઘાત કરવાને પ્રેરવી, (13) તેની લાજ લેવી, (14) ખૂન કરવું, (15) તેના પર બળાત્કાર કરવો, (16) પરાણે સતી બનાવવી. સતી બનાવવા પર પ્રતિબંધ છે અને તે માટે સતી પ્રિવેન્શન ઍક્ટ ઘડવામાં આવ્યો છે. ઉપર્યુક્ત અપરાધો રોકવા માટે ‘ધી ઇમ્મૉરલ ટ્રાફિક (પ્રિવેન્શન) ઍક્ટ, 1956’, ‘ઇન્ડિયન પીનલ કોડ, 1860’, ‘ધ ઇન્ડિસન્ટ રેપ્રિઝેન્ટેશન ઑવ્ વિમેન (પ્રોહિબિશન) ઍક્ટ, 1986’; ‘યંગ પર્સન્સ હાર્મફુલ પબ્લિકેશન્સ ઍક્ટ, 1956’ અને ‘ધ મેડિકલ ટર્મિનેશન ઑવ્ પ્રેગ્નન્સી ઍક્ટ, 1971’ ઘડવામાં આવ્યા છે.

ધંધા, ઉદ્યોગ અને કારખાનાંઓમાં કામ કરતી મહિલાઓના કામના કલાકો અને વેતન બાબતમાં, તેમનાં સ્વાસ્થ્ય અને સગવડ બાબતમાં વિવિધ કાયદાઓ બનાવવામાં આવ્યા છે; જેથી કરીને તેઓનું શોષણ ન થાય. આ કાયદાઓમાં (1) ‘માઇન્સ મેટર્નિટી બેનેફિટ ઍક્ટ, 1941’; (2) ‘ફૅક્ટરીઝ ઍક્ટ, 1948’; (3) ‘એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ, 1948’; (4) ‘એમ્પ્લૉઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ ઍક્ટ, 1948’; (5) ‘પ્લાન્ટેશન લેબર ઍૅક્ટ, 1951’; (6) ‘માઇન્સ ઍક્ટ, 1952’; (7) ‘મેટર્નિટી બેનિફિટ ઍક્ટ, 1961’; (8) ‘ઇક્વલ રેમ્યૂનરેશન ઍક્ટ, 1976’ અને (9) ‘બૉન્ડેડ લેબર સિસ્ટીમ (ઍબૉલિશન) ઍક્ટ, 1976’ મુખ્ય છે. આ સંદર્ભમાં ભારતના બંધારણના અનુચ્છેદો 15 (3) અને (4) તથા 39 સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ જોગવાઈ કરવાની વિશિષ્ટ સત્તા રાજ્યને આપે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (અનુચ્છેદ 39 (1), (4), (5) પ્રમાણે આજીવિકાનાં સાધનો પ્રાપ્ત કરવાનો સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર છે. સમાન કામ માટે સમાન વેતનની જોગવાઈ કરવાનું અને કામદાર સ્ત્રી, પુરુષો અને કુમળી વયનાં બાળકોનાં સ્વાસ્થ્યની જાળવણી કરવાનું પણ આ અનુચ્છેદો ફરમાવે છે.

કરારના ક્ષેત્રમાં પુરુષની જેમ સ્ત્રી પણ કરાર કરવાને સમર્થ છે. સગીર સ્ત્રી સાથેના કરારો વ્યર્થ (void) છે કારણ કે સગીર મુક્ત સંમતિ આપવાને માટે સક્ષમ ગણાય નહિ. એની સગીરાવસ્થા દરમિયાન સ્ત્રીએ કરેલા કરારો જો એના શિક્ષણ માટેના હોય અથવા તો એના લાભાર્થે હોય તો તેવા કરારોને કાયદાએ માન્ય ગણ્યા છે. પુખ્ત વય પ્રાપ્ત કર્યા પછી જો તેની સાથે બળજબરી કરી અથવા અયોગ્ય પ્રભાવ પાડી અથવા કપટ કરી કરાર કરવામાં આવે તો તેવા કરારો તેણીના વિકલ્પે વ્યર્થ જવા લાયક કરારો ગણાશે. ભૂલ, ગેરરજૂઆત, કપટ, અયોગ્ય લાગવગ કે બળજબરીથી મેળવેલી સંમતિને કાયદો મુક્ત સંમતિ ગણતો નથી. પરદાનશીન સ્ત્રી સાથેના કરારો પણ આ પ્રકારના ગણાય છે, સિવાય કે સામી વ્યક્તિ એમ પુરવાર કરે કે તેની સાથે અયોગ્ય લાગવગ વાપરવામાં આવી ન હતી.

બાલિકા (female child) તેનાં કાર્યો માટે અને કાર્યલોપ માટે જવાબદાર ઠરે છે. જ્યાં ઇરાદો, જ્ઞાન, પૂર્વગ્રહ જેવી માનસિક પરિસ્થિતિ એ અપકૃત્ય(tort)નું ઘટક-તત્વ હોય ત્યાં બચપણ એ સંગીન બચાવ છે; પરંતુ આ બચાવ અપકૃત્ય આચરવા માટેનો પરવાનો નથી. સ્ત્રી બાલિકા કરાર હેઠળ જવાબદાર ન હોવાથી કરારને અપકૃત્યમાં બદલીને તેને જવાબદાર ઠરાવી શકાતી નથી.

વર્તમાન સમયમાં ‘કૌટુંબિક મારઝૂડ’ (domestic violence) સામે સ્ત્રીઓના અમુક અધિકારોને કાયદામાન્ય ગણવામાં આવ્યા છે. જેને માનવ-અધિકારો (human rights) તરીકે ઓળખવામાં આવે છે. આવા અધિકારોમાં : (1) મહિલાઓની એકાંતતા અંગેનો અધિકાર (રાઇટ ટૂ પ્રાઇવસી), (2) આર્થિક સ્વતંત્રતાનો અધિકાર (રાઇટ ટૂ ઈકોનૉમિક એમ્પાવરમેન્ટ), (3) જાતીય સતામણી સામેનો અધિકાર (રાઇટ અગેન્સ્ટ સેક્સ્યુઅલ હૅરેસમેન્ટ); (4) સ્ત્રી હોવાને કારણે તેની સાથે ભેદભાવ આચરવામાં આવે તે સામેનો અધિકાર (રાઇટ અગેન્સ્ટ જેન્ડર ડિસ્ક્રિમિનેશન), (5) ગર્ભપાત કરાવવાનો અધિકાર (રાઇટ ટૂ ટર્મિનેશન ઑવ્ પ્રેગ્નન્સી), (6) જાતીય સ્વાસ્થ્ય અંગેનો અધિકાર (રાઇટ ટૂ સેક્સ્યુઅલ હેલ્થ), (7) રાઇટ અગેન્સ્ટ ફિમેલ જેનિટલ મ્યૂટિલેશન અને (8) રાઇટ અગેન્સ્ટ સ્ટૉકિંગ (stalking) નોંધપાત્ર છે.

માનવ-અધિકારોનો ભંગ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. આ વિષયમાં ભારતની ઉચ્ચતમ અદાલતના અનેક ફેંસલાઓ છે.

સ્ત્રીઓના અધિકારોને આગળ વધારવા અને તેઓના પર થતાં અત્યાચારો અને અન્યાયના નિવારણ માટે ભારતમાં અનેક મહિલા-સેવા સંસ્થાઓ કાર્ય કરી રહી છે. આ ક્ષેત્રમાં અમદાવાદમાં જૂનામાં જૂની સંસ્થા છે જ્યોતિ સંઘ. આ ઉપરાંત સેલ્ફ ઍમ્પ્લૉઇડ વિમેન્સ ઍસોસિયેશન (SEWA), સેતુ (SETU), આવાજ (AWAG), નારીનિકેતન, સહિયર, સમાજવાદી મહિલા સભા (મહારાષ્ટ્ર) અને શરદ જોષીનું ધ શેતકરી મહિલા અઘાડી (મહારાષ્ટ્ર) કાર્યરત છે.

ભાનુપ્રસાદ મ. ગાંધી