મહિમ ભટ્ટ (આશરે 1020થી 1100) : ભારતીય અલંકારશાસ્ત્રના ગ્રંથ ‘વ્યક્તિવિવેક’ના લેખક. તેમને ‘રાજાનક’ એવું ઉપનામ આપવામાં આવ્યું હોવાથી તેઓ કાશ્મીરી લેખક હોવાનું મનાય છે. તેમને ‘મહિમન્’ અને ‘મહિમક’ એવાં નામોથી પણ ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ શ્રીધૈર્ય હતું. તેમના પુત્ર કે જમાઈનું નામ ભીમ હતું. ક્ષેમ, યોગ અને ભાજ એ ત્રણ તેમના નપ્તા એટલે પૌત્રો કે દૌહિત્રોનાં નામો જણાય છે. તેમના ગુરુનું નામ શ્યામલ હતું. શ્યામલ મહાકવિ હતા. કેટલાક વિદ્વાનો ‘પાદતાડિતક’ નામના ભાણના લેખક તે જ આ શ્યામિલક એવું માને છે. મહિમ ભટ્ટે ‘વ્યક્તિવિવેક’ નામનો ગ્રંથ લખ્યો છે અને તેમાં પોતે લખેલા ‘તત્વોક્તિકોશ’ નામના ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ અલંકારશાસ્ત્ર પર જ લખાયેલો તે ગ્રંથ આજે ઉપલબ્ધ નથી. તેથી લેખક તરીકેની તેમની કીર્તિ ફક્ત ‘વ્યક્તિવિવેક’ એ એક જ ગ્રંથ પર રહેલી છે. ત્રણ વિમર્શના બનેલા આ ગ્રંથ પર રુય્યક નામના આલંકારિકે ટીકા લખી છે, જે અધૂરી છે. ‘વ્યક્તિવિવેક’માં પોતાની સૂક્ષ્મ અને તાર્કિક ર્દષ્ટિ વડે જોરદાર દલીલો કરીને મહિમ ભટ્ટે આનંદવર્ધનના ‘ધ્વન્યાલોક’નું ખંડન કર્યું છે કે જેમાં મહિમ ભટ્ટની આત્મશ્રદ્ધા અને ગર્વ ડોકાય છે. તેમાં મહિમ ભટ્ટે પોતાની જાતને ઉત્તમ વિવેચક તરીકે સ્થાપી છે, પરંતુ તેમણે સ્થાપેલા કાવ્યાનુમિતિના સિદ્ધાન્તને કોઈ અનુયાયી મળ્યો નથી. આનંદવર્ધનના અનુયાયીઓમાંથી રુય્યકે ‘વ્યક્તિવિવેક’ પરની પોતે લખેલી ટીકામાં અને પોતાના ગ્રંથ ‘અલંકારસર્વસ્વ’માં તથા વિશ્વનાથે ‘સાહિત્યદર્પણ’ નામના ગ્રંથમાં મહિમ ભટ્ટનું ખંડન કર્યું છે. આચાર્ય મમ્મટ તેમના સમસામયિક કે સમકાલિક હોવાથી મહિમ ભટ્ટનું ખંડન મમ્મટે કર્યું નથી. મહિમ ભટ્ટે આચાર્ય આનંદવર્ધનની સાથે કુંતકનું ખંડન પણ કર્યું છે. આનંદવર્ધનના ધ્વનિસિદ્ધાન્તના પ્રબળ વિરોધક તરીકે કુંતક અને ભોજ જેવા આલંકારિકોની સાથે મહિમ ભટ્ટનું નામ અવશ્ય મૂકવું પડે.
પ્ર. ઉ. શાસ્ત્રી