મહિદાસ ઐતરેય : એ નામના એક પૌરાણિક મહર્ષિ. એમના પિતા એક ઋષિ હતા. એ ઋષિને પોતાના વર્ણની પત્ની ઉપરાંત ઇતર વર્ણની પત્નીઓ પણ હતી. એમાંની એકનું નામ ‘ઇતરા’ હતું. ઋષિ જેટલો ભાવ સમાન વર્ણની પત્નીઓના પુત્રો પર રાખતા, તેટલો ભાવ ઇતરાના પુત્ર પર રાખતા નહિ. કહે છે કે એક યજ્ઞમંડળીમાં ઋષિ પોતાના પુત્રો સાથે ગયા, ત્યાં તેમણે મહિદાસ સિવાયના સર્વ પુત્રોને વહાલથી બોલાવી ખોળામાં બેસાડ્યા, પણ મહિદાસ તરફ તેવો ભાવ દર્શાવ્યો નહિ. આથી મહિદાસને ઘણું ખોટું લાગ્યું. તે પોતાની માતા પાસે રડતા રડતા ગયા ને તેમને સઘળી હકીકત જણાવી. માતા ઇતરાએ પોતાની કુલદેવતા મહિ(પૃથ્વી)ને પ્રાર્થના કરી. યજ્ઞવેદી આગળ મહિદેવીની વાણી સંભળાઈ, ‘મહિદાસ સર્વ કુમારોમાં શ્રેષ્ઠ છે.’ વળી દેવીએ તેને આશીર્વાદ આપ્યો, ‘તું બ્રાહ્મણ વાઙમયનો દ્રષ્ટા થશે.’ તે પછી મહિદાસ ‘મહિદાસ ઐતરેય’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. નામની ઉત્પત્તિ સમજાવતી આ પૌરાણિક કથામાં ઐતિહાસિક તથ્ય હોય કે ન હોય, ‘ઐતરેય’ ઉપનામ ‘ઇતરા’ શબ્દ પરથી સિદ્ધ થયું છે એ નિશ્ચિત છે.
મહિદાસ ઐતરેય ઋગ્વેદના એક શાખાપ્રવર્તક થયા. એમણે પહેલાં ‘ઐતરેય બ્રાહ્મણ’ની રચના કરી. બ્રહ્મ શુદ્ધ જ્ઞાનબદ્ધ તત્વ છે એ મહાવાક્યના સમર્થક મહિદાસ હવે બ્રહ્મર્ષિ તરીકે ખ્યાતિ પામ્યા.
પછી મહિદાસે ‘ઐતરેય આરણ્યક’ રચ્યું, જેના 18 અધ્યાય છે. એ પછી ‘ઐતરેય ઉપનિષદ’ની એમણે રચના કરી. એમાં ત્રણ અધ્યાય છે.
ઋષિ મહિદાસ ઐતરેય કુલ 116 વર્ષ જીવ્યા હતા એવી અનુશ્રુતિ છે. પહેલાં 24 વર્ષ દરમિયાન એમણે બ્રહ્મચર્ય-પાલન કરી વેદાધ્યયન કર્યું; પછી 44 વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહી કર્માનુષ્ઠાન કર્યું અને છેવટનાં 48 વર્ષ વાનપ્રસ્થ રહી તપમાં વ્યતીત કર્યાં.
મહિદાસ સૃષ્ટિવિજ્ઞાન સંબંધમાં પદાર્થોમાં જાતિભેદ રહેલો હોવાનું પ્રતિપાદન કરે છે. એમના મત મુજબ સકળ ર્દશ્ય જગત એ જીવનું રૂપ છે ને ત્રિલોકીમય છે. જ્યાં સુધી પૃથ્વી અને અગ્નિ, સ્વર્લોક અને સૂર્ય, દિશાઓ અને ચંદ્રમા, જલ અને સમુદ્ર વિદ્યમાન રહે છે ત્યાં સુધી વિશ્વની મૂર્તિ લગભગ કાયમ જેવી રહે છે એવું એમનું મંતવ્ય છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી