મહાસેનગુપ્ત : મગધનો ગુપ્ત વંશનો રાજા. મગધમાં ગુપ્ત સમ્રાટોની સત્તા અસ્ત પામી તે અરસામાં ત્યાં ઉત્તરકાલીન ગુપ્તોની રાજસત્તા પ્રવર્તતી હતી. એ વંશના પાંચમા રાજા દામોદરગુપ્ત મૌખરિ સેના સામે ઝઝૂમતાં મૂર્છા પામ્યા હતા. તેમના પછી તેમનો પુત્ર મહાસેનગુપ્ત ગાદીએ આવ્યો. મહાસેનગુપ્તે કામરૂપ(આસામ)ના રાજા સુસ્થિત વર્માને હરાવી પોતાની કીર્તિ લૌહિત્ય (બ્રહ્મપુત્ર) સુધી પ્રસારી હતી. આથી શરૂઆતમાં એની સત્તા મગધ પર ચાલુ રહી હોવાનું સ્પષ્ટ થાય છે. ચાલુક્ય નરેશ કીર્તિવર્માએ અંગ, વંગ અને મગધના રાજાઓનો કરેલો પરાજય તેમજ તિબેટના રાજાએ મધ્યદેશ પર કરેલી વિજયકૂચ મહાસેનગુપ્તના રાજ્ય સાથે સંકળાયેલ હોય તો એની સત્તા વહેલીમોડી મગધમાં લુપ્ત થઈ હોવાનો સંભવ ‘હર્ષચરિત’માં બાણભટ્ટ મહેન્દ્રવર્માનો નિર્દેશ માલવરાજ તરીકે કરે છે તે આ સંદર્ભમાં સૂચક ગણાય.

આખરે એના કુળની સત્તા માલવદેશમાં પણ ભયમાં મુકાઈ. ઈ. સ. 596માં કલચુરિ રાજા શંકરગણે ઉજ્જયની(ઉજ્જન)માં વિજય છાવણી નાખી અને વલભીના મૈત્રક રાજા શિવાદિત્ય 1 લા (લગભગ ઈ. સ. 595 –613)એ પોતાની સત્તા માલવક દેશ પર પ્રસારી.

મહાસેનગુપ્તની બહેન મહાસેનગુપ્તા થાનેસરના રાજા આદિત્યવર્ધન વેરે પરણી હતી ને એનો પુત્ર પ્રભાકરવર્ધન ઘણો પ્રતાપી નીવડ્યો હતો. મહાસેનગુપ્તના પુત્ર કુમારગુપ્ત અને માધવગુપ્ત, જેમને માલવના રાજપુત્રો તરીકે ઓળખાવવામાં આવ્યા છે તે પ્રતાપશીલ પ્રભાકરવર્ધનને ત્યાં તેમના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધનના અનુચર તરીકે આશ્રય લે છે અને દેવગુપ્ત નામે માલવરાજ પ્રભાકરવર્ધનના જમાઈ મૌખરિ રાજા ગ્રહવર્મા પર ઓચિંતું આક્રમણ કરી એને મારી નાખે છે એ પછી મહાસેનગુપ્તનું મૃત્યુ થતાં તેમની ગાદી દેવગુપ્ત નામે કોઈ સંબંધીએ પચાવી પાડી હોવાનું સૂચિત થાય છે. પ્રભાકરવર્ધન એ અગાઉ મૃત્યુ પામ્યા હતા. મહાસેનગુપ્તનો ઉત્તરાધિકાર પુત્ર માધવગુપ્તે સંભાળ્યો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી