મહારાજા તખ્તસિંહજી વેધશાળા, પુણે

January, 2002

મહારાજા તખ્તસિંહજી વેધશાળા, પુણે : સન 1888માં પુણેમાં સ્થાપવામાં આવેલી એક વેધશાળા. આ વેધશાળા 1888થી 1912 સુધી કાર્યરત રહી. મહારાજા તખ્તસિંહજી વેધશાળા તરીકે ઓળખાતી આ વેધશાળા તેના નામ સાથે સંકળાયેલા ભાવનગરના મહારાજાની માલિકીની નહિ, પરંતુ તે કાળના મુંબઈ પ્રાન્તની સરકારની માલિકીની હતી.

તખ્તસિંહજી વેધશાળાના સ્થાપક કાવસજી દાદાભાઈ નાયગામવાલા (1857–1938) એક બાહોશ ગુજરાતી વૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેમની ગણના ભારતના પહેલા ખગોળભૌતિકશાસ્ત્રી (astrophysicist) તરીકે થાય છે. સૌર વર્ણપટીય (solar spectroscopic) સંશોધનકાર્યમાં તેઓ કાબેલ હતા. તેઓ મુંબઈ યુનિવર્સિટી સાથે ઘણાં વર્ષો સુધી સંકળાયેલા રહ્યા હતા. કાવસજીની શૈક્ષણિક કારકિર્દી બહુ ઉજ્જ્વળ હતી. 1876માં બી.એ. પાસ કરીને, જાન્યુઆરી 1878માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના વિષયો સાથે પ્રથમ વર્ગમાં તેઓ એમ.એ. પાસ થયા. આ માટે તેમને ચાન્સેલરનો સુવર્ણચંદ્રક એનાયત થયો.

1884માં યુરોપ અને ઇંગ્લૅન્ડ જઈને તેમણે પહેલું કામ ત્યાંની કેટલીક વેધશાળાઓની મુલાકાત લેવાનું કર્યું. કોઈક વેધશાળામાં તો ઉપકરણો વાપરવાની તાલીમ પણ લીધી.

કાવસજી દાદાભાઈ નાયગામવાલા
(મહારાજા તખ્તસિંહજી વેધશાળા, પુણેના સ્થાપક)

ભારત આવીને નાયગામવાલાને પોતે લીધેલો નિર્ણય સમજાવવામાં ઠીક ઠીક મુશ્કેલી પડી. આખરે બધી પરિસ્થિતિનો વિચાર કરતાં ખગોલીય નિરીક્ષણ માટે મુંબઈ કરતાં પુણે વધુ યોગ્ય જણાતાં, નાયગામવાલાએ વેધશાળા ત્યાં જ સ્થાપવાનો નિર્ણય લીધો. આ માટે પુણેની સાયન્સ કૉલેજ (જે હવે એન્જિનિયરિંગ કૉલેજમાં ફેરવાઈ છે.) પસંદ કરવામાં આવી. આ રીતે પુણેની મહારાજા તખ્તસિંહજી વેધશાળા સન 1888ના અંતભાગમાં કામ કરતી થઈ. નાયગામવાલાની નિમણૂક પહેલાં તો કૉલેજમાં ખગોળશાસ્ત્ર અને પ્રકાશવિજ્ઞાન(optics)ના વ્યાખ્યાતા તથા વેધશાળાના ક્યુરેટર તરીકે થઈ અને પાછળથી ખગોળભૌતિકના પ્રોફેસર તરીકે અને 1900માં મહારાજા તખ્તસિંહજી વેધશાળાના નિયામક તરીકે થઈ. બંને હોદ્દા તેઓ એકસાથે સંભાળતા હતા.

વેધશાળામાં વિવિધ ટેલિસ્કોપ ઉપરાંત કેટલાંક સ્પેક્ટ્રોસ્કોપ, ક્રોનોગ્રાફ, સૂર્યદર્પણ (siderostat), સાંપાતિક ઘડી (sidereal clock), યામ્યોત્તર તંત્ર (transit  instrument) વગેરે જેવાં ઉચ્ચ કક્ષાનાં ઉપકરણો હતાં અને પછીનાં વર્ષોમાં તેમાં એકધારો વધારો થતો ગયો. અહીં એ નોંધવું જોઈએ કે ભારતમાં તે કાળે આટલાં આધુનિક સાધનો બીજે ક્યાંય ન હતાં. અહીંથી સૂર્ય સહિત અન્ય આકાશી પિંડોનો ર્દશ્ય (Visual) અને ફોટોગ્રાફિક અભ્યાસ થતો હતો.

1896માં નૉર્વેમાં દેખાયેલા ખગ્રાસ (પૂર્ણ) સૂર્યગ્રહણના અભ્યાસ માટેની બ્રિટિશ ટુકડીના સભ્ય તરીકે નાયગામવાલા જોડાયા હતા. 22 જાન્યુઆરી, 1898ના રોજ આવું જ ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં પણ દેખાવાનું હતું. બ્રિટનના શાહી ખગોળશાસ્ત્રી ક્રિસ્ટીની સૂચનાથી નાયગામવાલાએ તેના અભ્યાસનું બીડું ઝડપ્યું. આ માટે તખ્તસિંહજી વેધશાળાને સરકારે પાંચ હજાર રૂપિયાની ગ્રાન્ટ આપી અને નાયગામવાલાએ વ્યક્તિગત દાનો મેળવી બીજા પાંચ હજાર રૂપિયા જોડ્યા. દાન માટેના ફાળાની રકમ-મર્યાદા સો રૂપિયાથી માંડીને પાંચ સો રૂપિયા સુધીની રાખી હતી. આવું દાન આપનારાઓમાંના એક જમશેદજી નસરવાનજી તાતા પણ હતા, જેમણે આ અભિયાનમાં 250 રૂપિયાનો ફાળો આપ્યો હતો. નાયગામવાલાએ આ બધા પૈસાનો બરાબર વહીવટ કરીને સૂર્યગ્રહણના અભ્યાસનું સરસ આયોજન કર્યું હતું.

સૂર્યગ્રહણનું વિવિધ સ્થળોએથી નિરીક્ષણ કરવા માટે જુદી જુદી ટુકડીઓ પાડવામાં આવી હતી. આ માટે વિદેશથી પણ વૈજ્ઞાનિકો આવ્યા હતા. પશ્ચિમ ભારતમાં પુણેથી આગ્નેય (અગ્નિ) દિશામાં આવેલા જેઅર (Jeur) નામના સ્થળે વેધશાળાના બધા રસાલા-સરંજામ સાથે નાયગામવાલા ત્યાં પહોંચ્યા હતા. આ સ્થળે અમેરિકા અને જાપાનથી આવેલા ખગોળવિદોની ટુકડીઓ પણ હતી. સાવ પછાત એવો આ પ્રદેશ નપાણિયો અને રડ્યાંખડ્યાં બાવળનાં ઝાડને બાદ કરતાં સાવ વેરાન હતો. વળી નજદીકમાં પ્લેગ જેવા મહારોગે પણ દેખા દીધી હતી. ભારે કાળજીપૂર્વક આયોજિત આ સમગ્ર સંશોધનયાત્રાનો વિગતવાર અહેવાલ તે કાળે પ્રસિદ્ધ થયો હતો. તે આજે પણ જળવાયેલો છે. તે વાંચતાં ખ્યાલ આવે છે કે જે સમયે આજના જેવી સગવડો ઉપલબ્ધ ન હતી ત્યારે આવો પ્રવાસ કેટલો કષ્ટદાયક અને જોખમી હતો. ભારતના જાણીતા ખગોળવિદ વેણુ બપ્પુ(1927–1982)ના મતે અગાઉ કોઈ ભારતીયે આવો પ્રયાસ કર્યાનું નોંધાયું નથી. આ અભિયાનમાં સૂર્યના વર્ણમંડળ (chromosphere) અને કિરીટાવરણ (corona) સંબંધી કરેલું નાયગામવાલાનું નિરીક્ષણ ઘણું ઉત્તમ સાબિત થયું હતું. આમ પણ, આ સૂર્યગ્રહણ વખતે સૂર્યનું કિરીટીય ફોટોચિત્રણ (coronal photography) કામ બહુ સરસ રીતે થયું હતું.

વળી સૂર્યગ્રહણનું આ અભિયાન બીજી રીતે પણ ફળદાયી નીવડ્યું હતું. ઇંગ્લૅન્ડથી શાહી ખગોળશાસ્ત્રી સર વિલિયમ ક્રિસ્ટી અને બ્રિટનના જાણીતા ખગોળશાસ્ત્રી સર જોસેફ નૉર્મન લૉકિયર (1836–1920) તેમની ટુકડી સાથે આ માટે ખાસ ભારત આવવાના હતા. આ તકનો લાભ લઈને તત્કાલીન ભારત સરકારે દેશમાંની વેધશાળાઓ સંબંધી અહેવાલ તૈયાર કરવાની અને નવી વેધશાળા સ્થાપવાની જવાબદારી પણ આ ખગોળવિદોને સોંપી હતી. લૉકિયર પોતે ખગોળભૌતિકશાસ્ત્રી અને સૂર્યના અભ્યાસી હતા અને બહુધા તેમના જ પ્રયાસોને કારણે સૌર-ભૌતિક વેધશાળા (Solar Physics Observatory) તરીકે કોડાઇકેનાલ વેધશાળા અસ્તિત્વમાં આવી અને પાછળથી ખગોળભૌતિક વેધશાળા (Astrophysical Observatory) તરીકે જાણીતી બની.

સૂર્યગ્રહણ નિમિત્તે નાયગામવાલા અને લૉકિયરની મુલાકાત થતાં, લૉકિયર તેમનાથી ઘણા પ્રભાવિત થયા. નાયગામવાલાની કોઠાસૂઝ અને આવડત ઉપર વારી જતાં લૉકિયરે લખ્યું કે મારી જાણ મુજબ સૂર્યના વૈજ્ઞાનિક અભ્યાસમાં નાયગામવાલાની તોલે આવે તેવો કોઈ વૈજ્ઞાનિક ભારતમાં નથી. લૉકિયરની ભલામણથી મુંબઈ સરકારે નાયગામવાલાને પૂર્ણ સમય માટે વેધશાળાના નિયામક નીમ્યા અને કૉલેજના શિક્ષણકાર્યની ફરજમાંથી મુક્ત કર્યા, જેથી તે વધુ સમય સંશોધનમાં આપી શકે. એવી વ્યવસ્થા કરવામાં આવી કે પુણેની આ વેધશાળામાં સૂર્યકલંકોનો નિયમિત અભ્યાસ થાય અને તેનાં પરિણામ ઇંગ્લૅન્ડમાં લૉકિયરને મોકલવામાં આવે. આ સિલસિલો બરાબર જળવાયો. લૉકિયરે તો ભારત સરકારને એવી ભલામણ પણ કરી હતી કે નવી રચાનારી સૂર્યખગોળ માટેની કોડાઈકેનાલ વેધશાળાના નિયામક તરીકે નાયગામવાલાની નિમણૂક કરવી, પણ તેવું થયું નહિ અને તે જગ્યાએ મદ્રાસના ખગોળશાસ્ત્રી ચાર્લ્સ મિશી સ્મિથ(Charles Michie Smith)ની નિમણૂક કરવામાં આવી.

સૂર્યગ્રહણના સફળ અભિયાન ઉપરાંત, નાયગામવાલાએ 1891માં બુધનું અધિક્રમણ અવલોક્યું હતું, તો યયાતિ તારામંડળમાં 25 ફેબ્રુઆરી, 1901ના રોજ એક અને NGC 6595 નામની નિહારિકામાં બીજો – એમ કુલ બે સ્ફોટક તારક (Nova) નિહાળ્યા હતા. આવાં આકાશી અવલોકનો ઉપરાંત, તેમણે ખગોળભૌતિક સંબંધિત એટલે કે વર્ણક્રમદર્શી (Spectroscopic) અવલોકનો પણ કર્યાં હતાં. તેમણે ફેબ્રુઆરી 1892માં સૂર્યકલંકોનો તથા મૃગ નિહારિકા ઉપરાંત અન્ય કેટલીક નિહારિકાઓના વર્ણક્રમ(Spectrum)નો પણ અભ્યાસ કર્યો હતો.

અહીં એ નોંધવું જોઈએ કે એક તબક્કે લૉકિયરે પુણેમાં થતી કામગીરી અને નિરીક્ષણોની ચોકસાઈ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો; એટલું જ નહિ, એક નોંધ મુજબ તો, 1899માં ડિરેક્ટર ઑવ્ પબ્લિક ઇન્સ્ટ્રક્શનને આ બાબતે લેખિત ફરિયાદ પણ કરી હતી. આની સામે નાયગામવાલાએ, પોતાનાં નિરીક્ષણોને વળગી રહીને, એવું તારણ કાઢ્યું કે લૉકિયરે રજૂ કરેલી મૃગ નિહારિકાને લગતી પરિકલ્પના ખોટી છે. આમ બંને વચ્ચે થોડો મતભેદ થયો હતો. કારણ આ હોય કે પછી બીજું, પરંતુ, નાયગામવાલા નિવૃત્ત થાય ત્યારે, આ બધાં વર્ષો દરમિયાન વેધશાળાએ હાંસલ કરેલી નામના છતાં, તેને બંધ કરી દેવાનો સરકારે નિર્ણય લીધો અને તે મુજબ 1912માં નાયગામવાલા નિવૃત્ત થતાં જ, તેનાં બધાં જ સાધનો કોડાઈકેનાલ વેધશાળામાં મોકલી દેવામાં આવ્યાં અને પુણે ખાતેની નાયગામવાલાના એકપાત્રી ખેલ – વન મૅન શો – જેવી બની ગયેલી તખ્તસિંહજી વેધશાળાને કાયમ માટે બંધ કરી દેવાઈ.

સુશ્રુત પટેલ