મહાયાન : બૌદ્ધ ધર્મનો એક મુખ્ય સંપ્રદાય. જે લોકો કેવળ બુદ્ધે આપેલા ઉપદેશને અને કેવળ ત્રિપિટક(વિનયપિટક, સુખપિટક અને ધમ્મપિટક)ને જ માને છે, તેમનું ‘યાન’ સંકુચિત અથવા ‘હીન’ છે, માટે બૌદ્ધ ધર્મના એ સંપ્રદાયને ‘હીનયાન’ કહેવામાં આવે છે; પરંતુ જે લોકો ત્રિપિટક ઉપરાંત બીજા ગ્રંથોને પણ માને છે, તેમનું ‘યાન’ મોટું અથવા ‘મહા’ છે, માટે આ સંપ્રદાયને ‘મહાયાન’ કહેવામાં આવે છે. મહાયાન પંથ સામાન્ય લોકો માટે હીનયાન કરતાં વધુ આકર્ષક છે અને તેથી તેને માનનારાઓની સંખ્યા વધારે છે. ત્રિપિટકમાં જે ધર્મ બતાવાયો છે તે પાલિ ભાષામાં છે અને તેમાં કેટલોક ફેરફાર થઈને, બીજા સંસ્કૃત ગ્રંથો ઉમૅરાઈને જે સંપ્રદાય બન્યો છે તે મહાયાન કહેવાય છે. મહાયાન વિચારસરણીમાં મહાસાંઘિક સંપ્રદાય અને તેની શાખાઓનું પ્રદાન છે. મૂળ બૌદ્ધ દર્શનની પરંપરાને અનુસરનારા સ્થવિરવાદીઓ હીનયાનપંથી તરીકે ઓળખાય છે. ‘મહાયાન અભિધર્મ સંગીતિશાસ્ત્ર’માં આચાર્ય અસંગે મહાયાનની સાત વિશિષ્ટતાઓનો ઉલ્લેખ કર્યો છે : (1) મહાયાન મહાન અને વિશાળ છે, કારણ કે તેમાં જીવમાત્રની મુક્તિનો સંદેશ છે. (2) તેમાં પ્રાણીઓના ઉદ્ધારની ભાવના રહેલી છે. (3) તેનું લક્ષ્ય ‘બોધિ’(જ્ઞાન)ની પ્રાપ્તિનું છે. (4) જીવોના ઉદ્ધાર અર્થે સતત ઉદ્યમી એવા બૌધિસત્ત્વોનો તેમાં આદર્શ છે. (5) પારમાર્થિક સ્વરૂપે એક હોવા છતાં વ્યવહારમાં બુદ્ધે પોતાના ઉપાય-કૌશલ્યથી માનવીની કક્ષાઓમાં રહેલા ભેદને ધ્યાનમાં રાખીને ઉપદેશ આપ્યો છે. (6) તેમાં બોધિસત્ત્વની દસ ભૂમિકાઓનો નિર્દેશ થયો છે. (7) તે એવી માન્યતા ધરાવે છે કે બુદ્ધ માનવીની બધી આવશ્યકતાઓ પૂર્ણ કરવા સમર્થ છે.

મહાયાન સંપ્રદાયમાં અનેક દેવોને સ્વીકારવામાં આવ્યા હોવા છતાં એક દેવને તેમાં સર્વોપરી ગણવામાં આવેલ છે. આ અનુસાર બુદ્ધને ત્રણ કાયાઓ છે : (1) રૂપકાય, (2) ધર્મકાય અને (3) સંભોગકાય. ઐતિહાસિક બુદ્ધો અંગેનો મહાયાનનો ખ્યાલ અવતારો તરીકેનો છે. હીનયાનમાં એકલું તત્ત્વજ્ઞાન એટલે કે ચાર આર્ય સત્યો અને એને પ્રાપ્ત કરવાનાં સાધન બતાવેલ છે, જ્યારે મહાયાનમાં વિશાળ અર્થમાં આપણે જેને ધર્મ કહીએ છીએ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહાયાનમાં ભગવાન બુદ્ધને ઈશ્વર માની તેમની પૂજા કરવામાં આવે છે. હીનયાનમાં મનુષ્યે પોતે નિર્વાણ પામવું એ પરમ કર્તવ્ય છે, જ્યારે મહાયાનમાં પોતે નિર્વાણ પામવું તે કરતાં બીજાને પમાડવું, જાતે જાગી બીજાને જગાડવા એ પરમ કર્તવ્ય ગણાય છે. હીનયાનનો વિશૅરા પ્રચાર સિંહલદ્વીપ, બ્રહ્મદેશ અને સિયામમાં થયો છે; જ્યારે મહાયાનનો પ્રચાર નેપાળ, તિબેટ, ચીન, જાપાન અને કોરિયામાં થયો છે.

અવલોકિતેશ્વર

હિંદુ ધર્મની ત્રિમૂર્તિ(બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)ની જેમ ભગવાન બુદ્ધનાં ત્રણ સ્વરૂપો પૂજાય છે : (1) મંજુશ્રી : ભગવાન બુદ્ધની જ્ઞાનની મૂર્તિરૂપે; (2) અવલોકિતેશ્વર : ભગવાન બુદ્ધના સર્વશક્તિમાન સ્વરૂપે અને (3) વજ્રપાણિ : વજ્રધારણ કરનાર રૂપે.

આ ઉપરાંત ભગવાન બુદ્ધનાં અસ્થિ ઉપર જે સ્તૂપો બાંધવામાં આવ્યા છે તેમની પણ બૌદ્ધ ધર્મમાં પૂજા થાય છે.

બોધિસત્ત્વનો આદર્શ : પૂર્ણ જ્ઞાનની (બોધિની) પ્રાપ્તિ કર્યા પછી શરીર પડે નહિ ત્યાં સુધી લોકોને દુ:ખમુક્તિના માર્ગનો જે ઉપદેશ આપે તે બુદ્ધ. પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી ઉપદેશ કર્યા વિના જે નિર્વાણ પામે તે અર્હત. અર્હત લોકકલ્યાણાર્થે ઉપદેશ આપતા નથી; પોતાની મુક્તિ જ એમનું અંતિમ ધ્યેય છે. બુદ્ધ તો બોધિના ફળરૂપ નિર્વાણનો સ્વીકાર કરે છે; પરંતુ બોધિપ્રાપ્તિ પછી તેના પોતાને મળેલા નિર્વાણફળનો સ્વીકાર કર્યા વિના જીવોના કલ્યાણાર્થે સંસારમાં રહેવાનું જે પસંદ કરે છે તે બોધિસત્ત્વ છે. બોધિસત્ત્વની લોકકલ્યાણમયી ભાવના ઉત્કૃષ્ટ છે, ‘મારું એવું કોઈ પુણ્ય ન હો જે બીજાં પ્રાણીઓને ઉપકારક ન બને.’ પોતાના સમગ્ર અસ્તિત્વને પરાર્થ સાધવામાં જ તે લગાવી દે છે : ‘જ્યાં સુધી વિશ્વનાં બધાં પ્રાણીઓ દુ:ખમુક્તિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી મારે મુક્તિ ન જોઈએ.’ – એવી તેની પ્રતિજ્ઞા હોય છે. આમ ભિક્ષુધર્મ સાથે સેવાકાર્યને જોડીને બૌદ્ધ ધર્મે ક્રાન્તિકારી વિચાર–આચારને જન્મ આપ્યો છે.

બુદ્ધના અનુયાયીઓ બુદ્ધે રજૂ કરેલા વિચારોના આધારે જ આગળ વધ્યા, પણ પોતપોતાની સમજ અને પ્રજ્ઞા અનુસાર; અને બૌદ્ધ-પ્રવાહમાં તત્ત્વચિંતનના ચાર મુખ્ય સંપ્રદાય વિકસ્યા : વૈભાષિક, સૌત્રાન્તિક, વિજ્ઞાનવાદ અને શૂન્યવાદ. આમાંના પહેલા બે હીનયાનના દાર્શનિક સંપ્રદાયો છે, જ્યારે પછીના બે મહાયાનના દાર્શનિક સંપ્રદાયો છે. વૈભાષિકો અને સૌત્રાન્તિકો વસ્તુઓનું બાહ્ય અસ્તિત્વ સ્વીકારે છે; પણ વૈભાષિકો વસ્તુઓને પ્રત્યક્ષ જ્ઞાનથી ગ્રાહ્ય માને છે, જ્યારે સૌત્રાન્તિકો માને છે કે વસ્તુઓ તેમના જ્ઞાન પરથી માત્ર અનુમેય છે. વિજ્ઞાનવાદ અનુસાર વસ્તુઓ સાથેનો મનુષ્યોનો સંબંધ તે વસ્તુઓના જ્ઞાન દ્વારા જ છે; તે સિવાય વસ્તુઓનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી; જ્યારે જ્ઞાન હોય, પણ બાહ્ય વસ્તુ ન હોય એવો અનુભવ પણ મનુષ્યોને થાય છે; જેમ કે, સ્વપ્નકાળની વસ્તુઓનો. શૂન્યવાદીઓ અનુસાર બધી વસ્તુઓ અને તેમના ખ્યાલ અને વ્યવહાર તેમની સૂક્ષ્મ વિચારણા ન કરીએ ત્યાં સુધી જ ટકી શકે છે. કોઈ પણ વસ્તુ માટે એ છે, નથી, છે અને નથી અને બેમાંથી એકેય નહિ – એ ષ્ટિએ જ ખ્યાલ કરી શકાય; પણ વ્યવહારની કોઈ વસ્તુ આ ચતુષ્કોટિ–પ્રસંગની કસોટીમાંથી પાર ઊતરી શકતી નથી. આમ વિજ્ઞાનવાદ અને શૂન્યવાદમાં માનનારાઓ મહાયાન સંપ્રદાયના અનુયાયીઓ છે.

ચીમનલાલ વલ્લભરામ રાવળ