મહારાજગંજ : ઉત્તર પ્રદેશના પૂર્વ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27o 09´ ઉ. અ. અને 83o 34´ પૂ. રે.ની આજુબાજુનો 2,948 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાનો સમાવેશ ગોરખપુર વિભાગમાં કરવામાં આવેલો છે. તેની ઉત્તરે નેપાળની સરહદ, પૂર્વમાં તથા અગ્નિકોણમાં દેવરિયા જિલ્લો, દક્ષિણે ગોરખપુર જિલ્લો, નૈર્ઋત્યમાં બસ્તી જિલ્લો તથા પશ્ચિમે સિદ્ધાર્થનગર જિલ્લો આવેલાં છે. મહારાજગંજ અને નેપાળની સરહદે એક સાંકડી પટ્ટી તટસ્થ ભૂમિ બની રહેલી છે. જિલ્લામથક જિલ્લાની નૈર્ઋત્યમાં આવેલું છે.

મહારાજગંજ જિલ્લો

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : અહીં હિમાલય પર્વતમાળા તદ્દન નજીક આવેલી હોઈ જિલ્લાનાં ભૂપૃષ્ઠ-લક્ષણો ઔધ તેમજ પશ્ચિમના જિલ્લાઓથી જુદાં પડી આવે છે. હિમાલયની તળેટી-ટેકરીઓ જિલ્લાની ઉત્તર સરહદેથી થોડાક જ કિમી.ને અંતરે આવેલી હોવાથી સ્વચ્છ હવામાનના સંજોગોમાં ધવલગિરિનાં હિમશિખરોના વિશાળ જૂથવાળી હારમાળા સ્પષ્ટપણે નજરે પડે છે. આ કારણે અહીં પુષ્કળ વરસાદ પડે છે. ઘણી નદીઓ અહીંથી પસાર થાય છે. ભૂગર્ભજળ અહીં છીછરી ઊંડાઈએ મળી રહે છે. જમીનો અને આબોહવા ભેજવાળી રહે છે. જિલ્લાનો સમગ્ર વિસ્તાર વનસ્પતિથી સમૃદ્ધ રહે છે. બારે માસ અહીં લીલી હરિયાળી છવાયેલી દેખાય છે. અહીંનાં રમણીય સ્થળશ્યો પ્રવાસીઓનાં મન હરી લે છે. જિલ્લાના છેક છેડે ઈશાનકોણમાં ગંડક નદી પસાર થાય છે. આ ઉપરાંત નાની નાની નદીઓ અને ઝરણાં ઘણી દિશાઓમાંથી જિલ્લામાં પ્રવેશે છે. તેમાં બુરહીનાલા, રાપ્તીનાલા, ઘોંઘીનાલા, રોહીનાલા, નાની ગંડકનાલા વગેરેનો સમાવેશ થાય છે.

ખેતી-પશુપાલન : ઘઉં, ડાંગર, જુવાર, બાજરી, જવ, મકાઈ અહીંના મુખ્ય કૃષિપાકો છે. આ ઉપરાંત અહીં કઠોળ, મગફળી, બટાટા પણ થાય છે. ટ્યૂબવેલ અહીંનો મુખ્ય સિંચાઈસ્રોત છે; જોકે કૂવા અને નહેરો દ્વારા પણ સિંચાઈ થાય છે. આ જિલ્લાના અર્થતંત્રમાં ખેતી પછીના ક્રમે પશુપાલનનો ફાળો મહત્ત્વનો છે. ગાયો, ભેંસો, ઘેટાં અને બકરાં અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. મરઘાં પાલન પણ મહત્ત્વનો વ્યવસાય છે. નફાકારક વ્યવસાયમાં ડુક્કર-ઉછેરનો ક્રમ ત્રીજો આવે છે. પશુઓ માટે આ જિલ્લામાં પશુદવાખાનાં, પશુવિકાસ-મથકો, કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો, ઘેટાં-વિકાસ-કેન્દ્રો આવેલાં છે.

ઉદ્યોગ-વેપાર : ઓછું વ્યાપારી મહત્ત્વ ધરાવતાં રેતી, ઈંટો માટેની માટી, કંકર, ઉપલો અને ગોળાશ્મો જેવાં દ્રવ્યો આ જિલ્લામાંથી મળે છે. જિલ્લામાં ખાંડનાં થોડાંક કારખાનાં આવેલાં હોવા છતાં આ જિલ્લો ખાંડની નિકાસ કરે છે. ગામડાંઓમાં ચાદરો, ટુવાલ, ટેબલક્લૉથ તેમજ હાથસાળની અન્ય પેદાશોના નાના પાયા પરના ગૃહઉદ્યોગો ચાલે છે. નગરોમાં ખાંડ, ગોળ, લાકડાં, ખાંડસરી, બીડી અને ચામડાનાં પગરખાંનું ઉત્પાદન લેવાય છે, તેમની નિકાસ પણ થાય છે; જ્યારે કાપડ, લોખંડ, મીઠું, કોલસો અને સિમેન્ટની આયાત કરવામાં આવે છે.

પરિવહન-પ્રવાસન : જિલ્લામાં સડક-રેલમાર્ગોની સારી સેવા ઉપલબ્ધ છે. અહીં રાજ્યમાર્ગો, જિલ્લામાર્ગો તેમજ અન્ય નાના માર્ગો આવેલા છે. ઈશાન વિભાગીય રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. ગોરખપુર–બલરામપુર, ગોરખપુર–નૌતનવા/એકમા અને કૅપ્ટનગંજ–સિસવા બઝાર–નારકતિયાગંજ રેલમાર્ગ અહીંથી પસાર થાય છે.

વસ્તી : 1991 મુજબ જિલ્લાની વસ્તી 16,76,378 જેટલી છે, તે પૈકી પુરુષો 52 % અને સ્ત્રીઓ 48 % છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 90 % અને 10 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ અને મુસ્લિમોનું પ્રમાણ વિશૅરા છે; જ્યારે શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન લોકોનું વસ્તીપ્રમાણ ઓછું છે. અહીં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. શિક્ષણનું પ્રમાણ માત્ર 17 % જેટલું જ છે. જિલ્લાનાં 50 % ગામડાંઓમાં શિક્ષણની અને 12 % ગામડાંઓમાં તબીબી સેવાઓની સગવડો છે. નગરવિસ્તારોમાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓ છે. જિલ્લામાં 2 કૉલેજો આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 તાલુકાઓ અને 13 સમાજ-વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 6 નગરો અને 1,267 (60 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : 1981–91ના દાયકા દરમિયાન ગોરખપુર જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી છે.

ગિરીશભાઈ પંડ્યા