મહાપાત્ર, નીલમણિ સાહુ

January, 2002

મહાપાત્ર, નીલમણિ સાહુ (જ. 1926, કટક, ઓરિસા) : ઊડિયા ભાષાના લેખક. તેમના વાર્તાસંગ્રહ ‘અભિશપ્ત ગન્ધર્વ’ને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઊડિયા ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેઓ અનેક સાહિત્યિક, સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. ઓરિસા ખાતેના ન્યૂ લાઇફ એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ તરીકે પણ તેમણે કામગીરી બજાવી છે.

તેમણે વિપુલ લેખનકાર્ય કર્યું છે. તેમનાં 19 વાર્તાસંગ્રહો, 2 નવલકથાઓ અને 10 નિબંધસંગ્રહો પ્રગટ થયાં છે. તેમણે અનેક સામયિકોનું સંપાદન પણ કર્યું છે. તેમાં ‘ઝંકાર’, ‘ઉત્કલ પ્રસંગ’, ‘ઓરિસા રિવ્યૂ’ તથા ‘વિવેકાનંદ વાણી ઓ રચના’નો સમાવેશ થાય છે. તેઓ ઊડિયા સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા વી. સી. નાયક સાહિત્યિક પુરસ્કારનું સન્માન પામી ચૂક્યા છે.

પુરસ્કૃત કૃતિ તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. વેદનામિશ્રિત હાસ્ય તથા વ્યંગ્યનો રુચિકર સમન્વય, અનૌપચારિક તથા આત્મીયતા ભરેલી અને ઓજસ્વી ભાષા તેમજ સામાજિક વિષમતાનું નિરૂપણ જેવી વિશેષતાઓને કારણે તે ગ્રંથ ઊડિયામાં મહત્વની કૃતિ લેખાય છે.

મહેશ ચોકસી