મહાપાત્ર, નિત્યાનંદ

January, 2002

મહાપાત્ર, નિત્યાનંદ (જ. 1912) : ઊડિયા ભાષાના લેખક. તેમને વિધિસર શિક્ષણ મળ્યું ન હતું; પરંતુ વૈષ્ણવ તત્વજ્ઞાન તથા હિંદી, બંગાળી અને ઊડિયા સાહિત્યના તેઓ સારા જાણકાર હતા. 1930માં તેઓ સ્વાતંત્ર્ય-આંદોલનમાં જોડાયા અને ઘણી વાર જેલવાસ વેઠ્યો. 1936માં તેઓ ‘ડાગરો’ના અને 1945માં દૈનિક ‘આશા’ના તંત્રી બન્યા. રાજકારણી વિષયવસ્તુને પરંપરાગત સાહિત્યિક સ્વરૂપમાં આલેખતી તેમની રચનાઓ ‘સ્વરાજપલ’(1930) અને ‘સ્વરાજ-સંહિતા’(1948)એ લોકસમુદાયમાં રાષ્ટ્રભાવના જગાડવામાં મહત્વનો ફાળો આપ્યો. આ કૃતિઓ તથા ‘મૌસી’ (1934) નામની તેમની વાર્તા પર બ્રિટિશ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. તેમના 2 કાવ્યસંગ્રહો ‘પાંચજન્ય’ (1947) તથા ‘કાલરાદી’(1954)માં પણ રાજકારણ તથા રાષ્ટ્રભાવનાના રંગો છે. તેમનાં પ્રણયગીતોના એકમાત્ર સંગ્રહ ‘મર્મ’(1945)માં પ્રણય-વિરહના માર્મિક અને હૃદયસ્પર્શી ભાવો છે. તેમનું એકમાત્ર નાટક તે ‘હરિજન-મંદિરપ્રવેશ’ (1955), તેમજ સંક્ષિપ્ત જીવનકથાઓ તે ‘ભારતભાગ્યવિધાતા’ (1957). પ્રેમપત્રો લખવાની તેમની સૂઝ અને આવડતના ફળસ્વરૂપે ‘પત્ર ઓ પ્રતિમા’ (1956) તથા ‘કવિ પ્રિયસુ’ (1964) જેવી કૃતિઓ રચાઈ. પરંતુ તેમનો ઉત્તમ સર્જન-ઉન્મેશ કથા-સાહિત્યમાં વ્યક્ત થયો છે. ‘ભૂલ’ (1935), ‘જિંદા માનિષ’ (1947) તથા ‘પ્રીતિ પથ ખસદા’ (1949) જેવી નવલકથામાં પુષ્કળ વિષય-વૈવિધ્ય અને શૈલી-નાવીન્ય છે. તેમની નવલત્રયી ‘હિમતી’ (1948), ‘ભંગ હારા’ (1955) તથા ‘ઘરડિયા’(1975)માં સ્વાતંત્ર્ય પૂર્વેના અને પછીના સામાજિક પરિવર્તનનું વાસ્તવ-ચિત્ર છે અને તે બદલ તેમને સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમની છેલ્લી નવલકથા ‘નાહં તિષ્ઠામિ વૈકુંઠે’ (1977) સંત-ચરિત્રો છે. તેમના 4 જેટલા વાર્તાસંગ્રહો પણ જાણીતા છે.

મહેશ ચોકસી