મહાપાત્ર, જયંત (જ. 1928) : ઊડિયા ભાષાના કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘રિલેશનશિપ’ (1980) માટે 1981ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
કટકની રેવન્શૉ કૉલેજમાં તથા પટણાની વિજ્ઞાન કૉલેજમાં અભ્યાસ. તેમણે કટક(ઓરિસા)માં શાઈબાબલા વિમેન્સ કૉલેજ ખાતે પદાર્થવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી હતી.
કાવ્યસર્જન તેમણે મોડું શરૂ કર્યું. તેઓ કવિ તરીકે ખ્યાતિ પામ્યા. 1970માં ‘ધ રિપૉર્ટ કાર્ડ’ કાવ્ય માટે, લંડનમાં ‘ઇન્ટરનૅશનલ હૂઝ હૂ’ દ્વારા યોજાયેલ સ્પર્ધામાં તેમણે બીજું ઇનામ પ્રાપ્ત કર્યું. 1975માં ‘પોએટ્રી’માં પ્રગટ થયેલ તેમનાં કાવ્યો માટે તેમને જેકબ ગ્લૅડસ્ટન મેમૉરિયલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. 1976માં તેમણે ભારતમાં આયોવા (યુ.એસ.) યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય લેખન કાર્યક્રમમાં મુલાકાતી લેખક તરીકે ભાગ લીધો હતો. 1978થી 1985 દરમિયાન તેમણે ઑસ્ટ્રેલિયા, જાપાન અને રશિયાનો પ્રવાસ ખેડ્યો અને વિવિધ સાંસ્કૃતિક ઍવૉર્ડો મેળવ્યા. 1986માં રૉકફેલર ફાઉન્ડેશન ઍવૉર્ડ નિમિત્તે તેઓ ઇટાલીમાં નિવાસી કવિ બન્યા.
તેમના પ્રથમ બે કાવ્યસંગ્રહો ‘ક્લોઝ ધ સ્કાય, ટેન બાય ટેન’ (1971) અને ‘સ્વયંવર ઍન્ડ અધર પોએમ્સ’માં માત્ર શબ્દો અને રૂપકોની કરામતથી તેમણે અસંગતતા પ્રગટાવી છે. જ્યારે ‘એ ફાધર્સ અવર્સ’ (1976); ‘એ રેઇન ઑવ્ રાઇટ્સ’ (1976) અને ‘વેઇટિંગ’ (1979) તેમની બૌદ્ધિકતા અને સૂઝની પરિપક્વતા દર્શાવે છે. ‘ધ ફૉલ્સ સ્ટાર્ટ’(1980)માં કવિ ભારત તેમજ વિદેશમાંના જીવનને લગતાં ઊર્મિકાવ્યો આપે છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘રિલેશનશિપ’ 12 વિભાગમાં લખાયેલ મહાકાવ્ય છે. તે કેટલાંક નોંધપાત્ર પ્રતીકો અને અલંકારોથી ભરપૂર છે. આ કાવ્યમાં ભારતીય વારસા પ્રત્યેની સજાગતા, પ્રેરણાત્મક વર્ણનો, વિલક્ષણ ચિંતન અને વ્યક્તિગત સંસ્મરણો આલેખાયાં છે. આ કૃતિ તેના ચિંતનશીલ મિજાજ અને વાક્પ્રભાવ માટે નોંધપાત્ર છે.
તેમના અન્ય કાવ્યસંગ્રહોમાં ‘લાઇફ સાઇન્સ’ (1983); ‘ડિસ્પોઝ્ડ નેસ્ટ્સ’ (1986) અને ‘બર્ડન ઑવ્ વેવ્ઝ ઍન્ડ ફ્રૂટ’(1987)નો સમાવેશ થાય છે.
ઊડિયામાંથી સંખ્યાબંધ કાવ્યોના તેમણે કરેલ અનુવાદ ‘કાઉન્ટર મેઝર્સ’ (1973); ‘વિંગ્ઝ ઑવ્ ધ પાસ્ટ’ (1976) અને ‘સૉંગ ઑવ્ કુબ્જા ઍન્ડ અધર પોએમ્સ’ (1981) ગ્રંથોમાં પ્રગટ થયા છે. બંગાળી, ઊડિયા કાવ્યોના અંગ્રેજી અનુવાદ માટે તેમને પ્રજાતંત્ર દ્વારા કાવ્ય માટેનો વિશ્વમિલન ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.
બળદેવભાઈ કનીજિયા