મહાપાત્ર, ગોદાવરીપ્રસાદ

January, 2002

મહાપાત્ર, ગોદાવરીપ્રસાદ (જ. 1898; અ. 1965) : ઊડિયા ભાષાના કવિ, ટૂંકી વાર્તાના લેખક અને નવલકથાકાર. ઓરિસામાં તેમની કૃતિઓ સૌથી વધુ વંચાય છે. તેમણે કાવ્યલેખનથી પ્રારંભ કર્યો. ‘બનપુર’ (1918), ‘પ્રભાતકુસુમ’ (1920) અને ‘જે ફૂલ ફુટી થિલા’ તેમના પ્રારંભિક કાવ્યસંગ્રહો છે. પછી તેમણે વ્યંગ્યકળા અને કટાક્ષલેખનમાં સારું પ્રભુત્વ દાખવ્યું અને કટાક્ષલક્ષી સામયિકનું સંપાદન કરી પોતાની હાસ્યરસિકતાથી વાચકોમાં આકર્ષણ જન્માવ્યું. તેમના ઉત્તરકાલીન કાવ્યસંગ્રહોમાં ‘હે મોરા કલમ’ (1951), ‘હાંડીસલારે વિપ્લવ’ (1952), ‘કાંટા ઓ ફૂલ’ (1958), ‘ઊઠ કંકાલ’ (1961) તથા ‘બાંકા ઓ સિધા’ (1964) વગેરેનો સમાવેશ થાય છે. ‘બાંકા ઓ સિધા’ને 1966માં ભારતીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમનાં કટાક્ષલક્ષી કાવ્યો સાંપ્રત જીવનનાં સામાજિક-આર્થિક પાસાંને લગતાં છે. તેમની સાહિત્યવિષયક કટાક્ષિકાઓ કેટલીક વાર ખૂબ અંગત અભિગમવાળી બની હોવાથી નિંદાત્મક કોટિની લાગે છે.

ઊડિયા ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમનું પ્રદાન ગણનાપાત્ર છે. ‘મુ દિને મંત્રી થિલી’ (‘હું પણ એક વખત મંત્રી હતો’), ‘મગુનિરા સગડા’ (મગુનિરાનું બળદગાડું) અને ‘નીલા માસ્તરાની’ની ઊડિયા ભાષાની ઉત્તમ ટૂંકી વાર્તાઓમાં ગણના થાય છે. તેમની ‘રાજદ્રોહી’ તથા ‘પ્રેમપથ’ નામની નવલકથાઓ પણ નોંધપાત્ર છે.

મહેશ ચોકસી