મહાપાત્ર, કેલુચરણ (જ. 1 ઑગસ્ટ 1925; રઘુરાજપુર, ઓરિસા) : ઑડિસી નૃત્યશૈલીના વિખ્યાત કલાકાર તથા અગ્રણી કલાગુરુ. સંગીત, નૃત્ય અને ચિત્રકલાને વરેલા પરિવારમાં જન્મ. પિતા ઓરિસાના વિશિષ્ટ ચર્મવાદ્ય ખોલા(drum)ના નિષ્ણાત વાદક હતા અને પ્રવાસી નાટ્યમંડળીઓમાં વાદક તરીકે સેવાઓ આપી પોતાની આજીવિકા મેળવતા હતા. બાલ્યાવસ્થામાં જ કેલુચરણને આવી નાટ્યમંડળીઓ દ્વારા પ્રસ્તુત થતી લોકકલામાં રસ જાગ્યો. ખોલા વાદ્ય વગાડવાની તાલીમ કેલુચરણે બાલ્યાવસ્થામાં જ પિતા પાસેથી પ્રાપ્ત કરી; સાથોસાથ નૃત્ય અને ચિત્રકલા શીખવાનું પણ તેમણે ચાલુ કર્યું. કેલુચરણ નૃત્યકાર બને તે પિતાને ગમતું નહિ, પરંતુ તેમાંથી તેમને પરાવૃત્ત કરવામાં સફળતા ન મળતાં પિતાએ પોતે જ કેલુચરણને નૃત્યની વિધિસરની તાલીમ માટે ઓરિસાના જાણીતા નૃત્યકાર બલભદ્ર સાહુ પાસે મોકલ્યા. થોડાક સમય બાદ તેઓ ઓરિસાના બીજા વિખ્યાત નૃત્યકાર અને કલાગુરુ મોહનસુંદર ગોસ્વામીની નૃત્યમંડળીમાં જોડાયા અને છેવટે તેમને જ કેલુચરણે પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા, જેમની પાસેથી તેમણે અભિનય, નૃત્ય અને સંગીત ઉપરાંત રંગભૂમિ સાથે સંકળાયેલી અન્ય પૂરક કલાઓ(stage craft)ની તાલીમ પણ લીધી. આ મંડળી સાથે સતત બાર વર્ષ રહ્યા છતાં પરિવારના ભરણપોષણનો કોયડો તો વણઊકલ્યો જ રહ્યો હતો. છેવટે કેલુચરણને નાના-મોટા વ્યવસાયોમાંથી રોટલો રળવાનો વખત આવ્યો; જેમાં બીડી વાળવાનું કામ, રેતી ઉપાડવાનું કામ, ખાવાના પાનના બગીચાઓમાં છોડને પાણી પાવાનું કામ વગેરેનો સમાવેશ થયો હતો. આવાં કામોમાં પણ ભલીવાર ન આવતાં કેલુચરણ કવિચંદ્ર કાલિચંદ્ર પટનાયકની અન્નપૂર્ણા નાટ્યમંડળીમાં જોડાયા, જ્યાં તેમણે વારાફરતી ઘણાં કામ કરવાં પડતાં અને તે માટે તેમને માત્ર રૂપિયા સાત જેટલો માસિક પગાર ચૂકવવામાં આવતો. યુવા-અવસ્થામાં તેમણે અગાધુ મહારાણા પાસેથી ખોલા વગાડવાની શાસ્ત્રીય તાલીમ અને ક્ષેત્રમોહન કાર તથા હરિહર રાય પાસેથી તબલાવાદનની ઉચ્ચ કક્ષાની તાલીમ લીધી. આ ઉપરાંત, વિખ્યાત નૃત્યકાર ઉદયશંકરની નૃત્યશૈલી અને ગુરુદયાલશરણની નૃત્યાભિનયની તકનીકનો તેમણે ઊંડાણથી અભ્યાસ કર્યો.

ગુરુ પંકજશરણ દાસ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત નૃત્યનાટિકામાં કેલુચરણે કરેલી શિવની ભૂમિકાએ નૃત્યકાર તરીકેના તેમના જીવનને નવો વળાંક મળ્યો. આ ભૂમિકાએ તેમને અપાર લોકપ્રિયતા બક્ષી. થોડીક અન્ય નૃત્યનાટિકાઓમાં અભિનય કર્યા બાદ તેઓ જગન્નાથપુરી જતા રહ્યા, જ્યાં તેમણે વધારાની તાલીમ મેળવી અને સંશોધન પણ કર્યું. 1955માં તેઓ કટક ખાતેની સંસ્થા કલાવિકાસ કેન્દ્રમાં નૃત્યશિક્ષક તરીકે જોડાયા (1955–70). આ સંસ્થામાં તેમણે જે કાર્ય કર્યું તેને લીધે ભારતીય શાસ્ત્રીય નૃત્યની વિશિષ્ટ શાખા તરીકે ઑડિસી નૃત્યશૈલી પ્રતિષ્ઠિત થઈ. ત્યાં  સુધીમાં તેમને એક વિચક્ષણ નૃત્યદિગ્દર્શક અને સંયોજક તરીકે દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ ચૂકી હતી. આ અરસામાં તેમણે જે નૃત્યનાટિકાઓનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું, તેમાં તેમને નૃત્યગુરુ ભુવનેશ્વર મિશ્રનો સક્રિય સાથસહકાર મળ્યો હતો. ઑડિસી નૃત્યકલામાં તેમને મળેલ ખ્યાતિને કારણે તેમણે દિલ્હી, કૉલકાતા અને મુંબઈમાં ઑડિસી નૃત્ય તાલીમ કેન્દ્રોની સ્થાપના કરી છે અને એ રીતે તેના પ્રચાર-પ્રસારમાં કેલુચરણનો ફાળો નોંધપાત્ર રહ્યો છે.

અત્યાર સુધી તેમને મળેલાં માનસન્માનમાં 1966માં સંગીત નાટક અકાદમી એવૉર્ડ, 1972માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’નો ખિતાબ, 1982માં માનદ ડૉક્ટરેટની ઉપાધિ, 1989માં ‘પદ્મવિભૂષણ’ અને ‘કાલિદાસ સન્માન’નો સમાવેશ થાય છે.

તેમને બહોળો શિષ્યવર્ગ મળેલો છે. કેલુચરણ મહાપાત્રનું નામ હવે ઑડિસી નૃત્યશૈલીના ક્ષેત્રમાં  દંતકથારૂપ બની ગયું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

અમિતાભ મડિયા