મહાન્તી, સુરેન્દ્ર (જ. 1922, પુરષોત્તમપુર, કટક; અ. 21 ડિસેમ્બર 1990) : ઊડિયા વાર્તાકાર અને નવલકથાકાર. તેઓ સમાલોચક, નિબંધકાર અને નાટ્યલેખક પણ હતા. તેમનાં લખાણોની જેમ તેમનું જીવન પણ વિવિધતાભર્યું હતું. ‘ભારત છોડો આંદોલન’માં જોડાવા માટે તેમણે અભ્યાસ પડતો મૂક્યો હતો. તેઓ સ્વાતંત્ર્ય-સેનાની, પત્રકાર અને ભારતની લોકસભાના સભ્ય હતા.
વતનનાં નદી, પર્વત, આંબાવાડિયાં વગેરે તેમની રચનાઓમાં જોવા મળે છે. વળી તે વખતની સામાજિક અને આર્થિક સ્થિતિ, સ્વતંત્રતા પહેલાંનું અને પછીનું સમાજજીવન અને જાતે અનુભવેલું, જોયેલું પરિવર્તન તેમાં અભિવ્યક્ત થયું છે. 1922થી 1952 સુધી ભારતની સર્વક્ષેત્રીય દિશા-ગતિનું તેમણે એક સત્યનિષ્ઠ સાહિત્યકાર તરીકે ચિત્રણ કર્યું છે.
લેખનની શરૂઆત તેમણે 1938માં ‘બૅદી’ વાર્તાથી કરી હતી. તે પછી 12 ગ્રંથોમાં તેમની લગભગ 150થી પણ વધારે વાર્તાઓ પ્રકાશિત થઈ. તેમના મુખ્ય વાર્તાસંગ્રહોમાં ‘રુટી ઓ ચન્દ્ર’, ‘સબૂજ પત્ર ઓ ધૂસર ગોળાપ’, ‘મહાનગરીર રાત્રિ’, ‘કૃષ્ણચૂડા’, ‘મરાળર મૃત્યુ’, ‘મહાનિર્વાણ’, ‘દૂઈ સીમાંત’, ‘ઓ કાલકટા’, ‘માંસર કોણાર્ક’, ‘જકબંશ ઓ અન્યાન્ય ગલ્પ’, ‘રાજધાની ઓ અન્યાન્ય ગલ્પ’ છે.
જેટલા વાર્તાકાર તરીકે તેટલા જ તેઓ નવલકથાકાર તરીકે પ્રખ્યાત હતા. તેમની પહેલી 2 નવલકથાઓ ‘કૉલેજબૉય’ અને ‘વધૂ પ્રિયા’ યથાક્રમે 1947 અને 1948ની સાલમાં પ્રગટ થઈ હતી. તેમની સૌથી પહેલી સફળ નવલકથા હતી ‘અંધ દિગંત’. આ નવલમાં સ્વાતંત્ર્ય-આંદોલન તથા તે પછીની ઘટનાઓ આલેખાઈ છે. ઓરિસાનાં નાનાંનાનાં દૂરદૂરનાં ગામોના અસંખ્ય લોકોની નિ:સ્વાર્થ લડતની ગૌરવગાથા તેમાં ગૂંથાઈ છે. તે પછીની નવલકથાઓ ‘નીળ શૈળ’, ‘નિળાદ્રી વિજય’, ‘કૃષ્ણાવેણીર સંધ્યા’, ‘કાળાંતર’, ‘અચળાયતન’, ‘નેતિ, નેતિ’ ‘આજીબકર અટ્ટહાસ્ય’, ‘હંસગીતિ’, ‘શતાબ્દીર સૂર્ય’, ‘કુળવૃદ્ધ’ વગેરે ઉલ્લેખપાત્ર છે. આમાંથી ‘નીળ શૈળ’ (1969) મુઘલ શાસનકાળ દરમિયાન ઓરિસાવાસીઓએ વેઠેલી અપાર યાતનાને લગતી ઐતિહાસિક નવલકથા છે. ‘શતાબ્દીર સૂર્ય’ (1970) મધુસૂદન દાસે ઓરિસામાં રાષ્ટ્રવાદ પ્રગટાવવા કરેલા અથાક પુરુષાર્થની મહત્વપૂર્ણ આત્મકથાત્મક નવલ છે.
તેઓ નાટ્યલેખક પણ હતા. તેમનાં નાટકો ‘બાપુ’, ‘બક્સી જગબંધુ’, ‘સેનાપતિ’, ‘પ્રદીપ’, ‘રાણી ચન્દ્રિકા’, અને રૂપક ‘શ્રી જગન્નાથ’ અને ‘છ માણ આઠ ગુંઠ’ વગેરે છે.
તેમણે ઊડિયા સાહિત્યનો ઇતિહાસ તથા ધર્મ, તત્વજ્ઞાન, સાહિત્ય અને અન્ય અનેક વિષયો વિશે નિબંધો લખ્યા છે. તેમના નિબંધોમાં ‘શેષ સ્તંભ’ અને પ્રવાસવર્ણન ‘પૅકિંગ ડાયરી’ અને આત્મજીવની ‘પથ ઓ પૃથ્વી’ મહત્વપૂર્ણ છે.
રેણુકા શ્રીરામ સોની