મહાન્તી, વીણાપાણિ (જ. 1936 ચંદોલ, જિ. કટક, ઓરિસા) : ઓરિસાના વાર્તાકાર, નવલકથાકાર અને અનુવાદક. તેમના વાર્તાસંગ્રહ ‘પાટદેઈ’ માટે તેમને 1990ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો છે.

અર્થશાસ્ત્ર સાથે એમ. એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેમણે કટક ખાતે એસ. બી. યુનિવર્સિટીમાં એ જ વિષયના રીડર તથા વાઇસ-પ્રિન્સિપાલ તરીકે કામગીરી સંભાળી. તેઓ ઊડિયા, બંગાળી અને અંગ્રેજી ભાષાઓના નિષ્ણાત હોવા ઉપરાંત રંગભૂમિપ્રવૃત્તિમાં સક્રિય રસ ધરાવે છે.

માત્ર 19 વર્ષની ઉંમરે તેમણે કાવ્યો લખવાનો પ્રારંભ કર્યો. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ 1963માં પ્રગટ થયો. તેમણે 18 વાર્તાસંગ્રહો, 1 નવલકથા તથા પ્રૌઢશિક્ષણ વિશે 1 પુસ્તક તથા 2 અનુવાદ પ્રગટ કર્યાં છે.

તેમને તેમની કૃતિ ‘કસ્તૂરીમૃગ ઓ સબુજ અરણ્ય’ (1970) માટે ઓરિસા સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા વાર્તાસંગ્રહો માટે 1974માં ઝંકાર પુરસ્કાર મળ્યા છે.

તેમના પુરસ્કૃત વાર્તાસંગ્રહ ‘પાટદેઈ’ની 12 વાર્તાઓમાં સમકાલીન સામાજિક સ્થિતિનું તાર્દશ ચિત્રણ છે. ઓરિસાનાં 9 નગરો અને ગામોના મધ્યમવર્ગના લોકજીવનનું આબેહૂબ આલેખન ઉપરાંત તેમણે તેમાં વંચિત વર્ગ પ્રત્યેની સહાનુભૂતિ અને અસ્મિતાની ઓળખ માટેના સંઘર્ષનું કથાવસ્તુ વણી લીધું છે અને તેમાં વૈશ્વિક અભિગમ દાખવ્યો છે. તેમાંની અત્યંત સહજ-સરળ અભિવ્યક્તિ, જીવંત ભાષા-પ્રયોગ અને ઉપેક્ષિત વર્ગો પ્રત્યેના પ્રેમભાવને લીધે આ કૃતિ ઊડિયા વાર્તા-સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

બળદેવભાઈ કનીજિયા