મહાન્તી, નલિની રંજન

September, 2025

મહાન્તી, નલિની રંજન (જ. 8 નવેમ્બર 1944, ઓડિશા, ભારત) : હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ- (એચ.એ.એલ.)ના અધ્યક્ષ, એક સક્ષમ તકનીકવિદ તેમજ પ્રેરક વ્યક્તિત્વ ધરાવનાર. જેમના નેતૃત્વ તેમજ પ્રબંધનના અનુકરણીય ગુણોને કારણે એચ.એ.એલ.ને ઉડ્ડયનના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે.

નલિની રંજન મહાન્તી

મહાન્તિની શૈક્ષણિક તેમજ વ્યાવસાયિક કારકિર્દી પ્રતિભાશાળી રહી છે. તેમણે 1965માં ક્ષેત્રીય એન્જિનિયરિંગ કૉલેજ, રૂરકેલામાં એન્જિનિયરિંગની પરીક્ષામાં વિશ્વવિદ્યાલયમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું તથા અહીં જ મિકૅનિકલ એન્જિનિયરિંગના વ્યાખ્યાતાના રૂપમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ તેઓ ભારતીય આયુધ કારખાના સેવામાં આવ્યાં તથા 1971માં હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડમાં કાર્યભાર ગ્રહણ કર્યો. ધીમે ધીમે આગળ વધતાં તેઓએ 2001માં એચ.એ.એલ.નું અધ્યક્ષપદ પ્રાપ્ત કર્યું. તેમના વિશેષ યોગદાન તેમજ ઉપલબ્ધિઓમાં એડવાન્સ્ડ લાઇટ હેલિકૉપ્ટર (ધ્રુવ), ઇન્ટરમીડિયેટ જેટ ટ્રેનર (આઈ.જે.ટી.) તથા લાઇટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ(તેજસ)નો વિકાસ સામેલ છે. તેમણે એચ.એ.એલ.ના નિકાસ બજારનો વિસ્તાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી તથા એચ.એ.એલ.ને 103 કરોડ રૂપિયાની નિકાસનો કારોબાર કરવા માટેનો વિક્રમ સ્થાપિત કર્યો. તેઓએ લોકોને રોજગારની વધુ તકો પ્રદાન કરવા માટે નવીન પ્રૌદ્યોગિકીમાં મોટે પાયે વિદેશી રોકાણ કરનાર વિભિન્ન સંયુક્ત ઉદ્યમ કંપનીઓની સ્થાપના કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે.

વિભિન્ન ક્ષેત્રોમાં તેમની વિશિષ્ટ સેવાઓ બદલ સન્માન રૂપે મહાન્તિને ઘણા પુરસ્કારો અર્પણ થયા છે જેમાં ગુણવત્તા તેમજ દક્ષતા માટે G.R.L. (યુ.કે.) તરફથી આંતરરાષ્ટ્રીય સ્વર્ણપદક પુરસ્કાર, પ્રબંધનમાં ઉત્કૃષ્ટતા માટે ભારત ગૌરવ સન્માન તથા ગુણવત્તા, નેતૃત્વ, પ્રૌદ્યોગિકી તેમજ નવ-પ્રવર્તન માટે સ્વર્ણ શ્રેણી(ગોલ્ડ કૅટેગરી)માં ઇન્ટરનેશનલ આર્ક ઑવ્ યુરોપ ઍવૉર્ડ સામેલ છે. 2004માં પદ્મશ્રીથી સન્માનિત થયાં છે.

પૂરવી ઝવેરી