મહાનુભાવ સંપ્રદાય : ચક્રધરસ્વામીએ મહારાષ્ટ્રમાં પ્રવર્તાવેલો સંપ્રદાય. વિદર્ભ-મહારાષ્ટ્રના મધ્યકાલીન ધાર્મિક ઇતિહાસમાં આ સંપ્રદાયનું વિશિષ્ટ મહત્વ છે. (1) મહાનુભાવ, (2) મહાત્મા, (3) અચ્યુત, (4) જયકૃષ્ણી, (5) ભટમાર્ગ, (6) પરમાર્ગ – એવાં વિવિધ નામોથી આ સંપ્રદાયને ઓળખવામાં આવે છે. આ પંથના ઉપાસ્ય દેવ વિષ્ણુ કે કૃષ્ણ છે. એના સ્થાપક ચક્રધરસ્વામી ઈસવી સનના તેરમા શતકમાં ગુજરાતના સોલંકી રાજા ભીમદેવ બીજાના સમયમાં થઈ ગયા. તેઓ ભરૂચના સામવેદી બ્રાહ્મણ હતા અને એ સમયના ભરૂચના રાજા મલ્લદેવના પ્રધાન વિશાલદેવના પુત્ર હતા. એમનું ગૃહસ્થાશ્રમનું નામ હરિપાલદેવ હતું. રામટેકની યાત્રા નિમિત્તે તેઓ ગૃહત્યાગ કરી વિદર્ભ ગયા હતા અને ત્યાં ગોવિંદપ્રભુ અથવા ગુંડ રાઉળ નામે સંતપુરુષ પાસે દીક્ષા લઈ ‘ચક્રધર’ નામ ધારણ કર્યું હતું. તે પછી ‘સાલબર્ડી’ નામના ડુંગર પર 12 વર્ષ રહ્યા અને એ પછી ભારતભ્રમણ કર્યું. એ પરિભ્રમણ દરમિયાન અનેક શિષ્ય-શિષ્યાઓ તેમને મળ્યાં અને ત્યાંથી મહાનુભાવ સંપ્રદાયની શરૂઆત થઈ. એમનું ચરિત ‘લીલાચરિત્ર’ નામે એક જૂના મરાઠી ગ્રંથમાં મળે છે, જેને કેટલાક વિદ્વાનો મરાઠી સાહિત્યિક ગદ્યની પ્રથમ રચના ગણે છે. આ સંપ્રદાયના ગ્રંથોમાં ‘સિદ્ધાન્તસૂત્રપાઠ’, ‘પૂજાવસર’, ‘મૂર્તિપ્રકાશ’ વગેરે ખૂબ જાણીતા છે.

અહિંસા, ઊંચનીચના ભેદનો વિરોધ અને કૃષ્ણભક્તિ – એ ચક્રધરસ્વામીના ઉપદેશનું સારતત્વ છે. ચક્રધર ગુજરાતમાં જન્મ્યા, પણ ગુજરાતમાં તેમણે ધર્મપ્રચાર કર્યો હોવાનું જણાતું નથી. એમણે પરિવ્રાજન અને ધર્મપ્રચાર મુખ્યત્વે ગુજરાત બહાર મહારાષ્ટ્રમાં કર્યાં હતાં. તેરમીથી સોળમી સદીના ગાળામાં આ સંપ્રદાયનો ખૂબ પ્રચાર થયો. એ પછી તેનો વ્યાપ ઓછો થઈ ગયો.

મહાનુભાવ સંપ્રદાયમાં ઉપાસ્ય દેવ શ્રીકૃષ્ણ અને દત્તાત્રેય મનાય છે. તેઓ મૂર્તિપૂજાનો વિરોધ કરે છે. તેમના મતે પરમેશ્વર નિર્ગુણ અને નિરાકાર હોવા છતાં ભક્તો પર કૃપા કરવા માટે સગુણ રૂપ પણ ધારણ કરે છે. પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવા ભક્તિ અને યોગ જેવાં સાધનોનો આશ્રય કરવો જોઈએ. મહાનુભાવો માટે શ્રીમદ્ ભગવદગીતા માન્ય ગ્રંથ છે અને મહાનુભાવ આચાર્યોએ તેના પર સ્વસિદ્ધાંતપ્રતિપાદક ટીકાઓ પણ લખી છે. આ સંપ્રદાયનો જ્ઞાનેશ્વર પર કેટલોક પ્રભાવ હોવાનું જણાય છે. યોગની બંનેમાં ચર્ચા છે અને જ્ઞાનેશ્વરે ગીતા પર ‘ભાવાર્થદીપિકા’ નામે ટીકા લખી છે. તે આ બાબતમાં સૂચક છે. મહાનુભાવ સંપ્રદાયના તત્વજ્ઞાનમાં જીવ, પ્રપંચ, દેવતા અને ઈશ્વર પૂર્ણ રીતે અનાદિ, અનંત અને સ્વતંત્ર મનાય છે અને શંકરાચાર્યના કેવલાદ્વૈતવાદ અને રામાનુજના વિશિષ્ટાદ્વૈતવાદને ન સ્વીકારતાં તેમાં દ્વૈતવાદનો જ સ્વીકાર છે. વેદાંતીઓ બ્રહ્મને મુખ્ય અને ઈશ્વરને ગૌણ માને છે, જ્યારે આ સંપ્રદાયમાં ઈશ્વરને મુખ્ય અને બ્રહ્મને ગૌણ માને છે.

મહાનુભાવ સંપ્રદાયમાં સાધારણ રીતે વેદ, વર્ણ અને આશ્રમનો વિરોધ હતો. તેઓ બ્રાહ્મણ-પરંપરાના પણ વિરોધી હતા અને હિંદુઓમાંથી વર્ણભેદ મટાડી દઈ બધાં વચ્ચે સમાનતા અને મૈત્રી સ્થપાય એવો ઉદ્દેશ ધરાવતા હતા. એમનામાં ઉપદેશી (ગૃહસ્થો) અને સંન્યાસી – એવા બે વર્ગો હતા. સ્ત્રીઓ અને શૂદ્રોને માટે પણ સમાન અધિકાર ગણી સંન્યાસની વ્યવસ્થા હતી. સંન્યાસીઓ કાળાં વસ્ત્રો પહેરતા. આ સંપ્રદાય ‘અવૈદિક’ હોવાથી, ‘વૈદિક’ આધારો લેવા છતાં દીર્ઘકાળ સુધી ટક્યો નહિ.

પ્રવીણચંદ્ર પરીખ