મહાધમની-કમાનકુંચિતતા

January, 2002

મહાધમની-કમાનકુંચિતતા (coarctation of Aorta) : મહાધમનીની કમાનમાંથી ડાબા હાથ તરફ જતી અવ-અરીય ધમની (subclavian artery) નીકળ્યા પછીના મહાધમની કમાનના ભાગનું સ્થાનિક સાંકડાપણું. આશરે 25 % દર્દીઓમાં મહાધમનીના દ્વારનો હૃદયમાંનો વાલ્વ (કપાટ) પણ કુરચનાવાળો હોય છે અને તેને ત્રણના બદલે 2 પાંખડીઓ (દલ, cusp) હોય છે. મહાધમનીમાં તથા તેની કુંચિતતા પહેલાં નીકળતી ધમનીઓમાં લોહીનું દબાણ વધુ હોય છે; જ્યારે તેની કુંચિતતા પછી નીકળતી શાખાઓમાં લોહીનું દબાણ ઓછું રહે છે. તેથી બંને હાથમાં લોહીનું દબાણ વધુ હોય છે,

મહાધમની-કુંચિતતા : (1) ડાબું ક્ષેપક, (2) જમણું કર્ણક, (3) ફુપ્ફુસ ધમની, (4) આરોહી મહાધમની,
(5) મહાધમનીકમાન, (6) મહાધમની-શાખાઓ,  (7) કુંચિતતા, (8) અવરોહી મહાધમની

પણ પગમાં તે ઓછું રહે છે. કમાનકુંચિતતા (coarctation) પછીની ધમનીઓમાં વધારાનું જરૂરી લોહી પાંસળીઓ વચ્ચેની ધમનીઓ તથા હાથ અને માથામાં લોહી પહોંચાડતી અવ-અરીય ધમની(subclavian artery)ની સહગામી શાખાઓ (collaterals) દ્વારા પહોંચે છે. જો આ રોગ શિશુ-અવસ્થામાં તીવ્ર સ્વરૂપ લે તો હૃદયની કાર્યનિષ્ફળતા અથવા હૃદયાનુપાત (heart failure) થાય છે; પરંતુ જો દર્દી બાળવય કે પુખ્ત વયનો હોય તો તેને ખાસ કોઈ તકલીફ હોતી નથી. તેને લોહીનું ઊંચું દબાણ થઈ આવે છે. ક્યારેક મગજમાં લોહી ઝમે છે. બંને હાથની અગ્રભુજાધમની(radial artery)ની નાડી સામાન્ય હોય છે, પરંતુ જંઘાધમની(femoral artery) કે પગની અન્ય ધમનીઓની નાડી મંદ થઈ ગયેલી હોય છે. લોહીના દબાણને રુધિરદાબ (blood pressure) કહે છે. હૃદયના ક્ષેપકના સંકોચન-સમયે જે રુધિરદાબ હોય તેને હૃદ્-સંકોચનીય રુધિરદાબ (systolic blood pressure) કહે છે. હૃદયના ક્ષેપકના વિકોચન-સમયે જે રુધિરદાબ હોય તેને હૃદ્-વિકોચનીય રુધિરદાબ (diastolic blood pressure) કહે છે. હાથમાં અને પગમાં હૃદ્-વિકોચનીય રુધિરદાબ સરખા રહે છે, પરંતુ હાથમાંનો હૃદ્-સંકોચનીય રુધિરદાબ પગના હૃદ્-સંકોચનીય રુધિરદાબ કરતાં વધુ રહે છે. કસરત કરવાથી આ તફાવત વધે છે. પીઠમાં સંશ્રવણનલિકા (stethoscope) વડે તપાસ કરતાં ત્યાં કર્કશ મર્મરધ્વનિ (harsh murmur) સંભળાય છે. મહાધમનીનો દ્વિદલીય વાલ્વ (કપાટ) ઘણી વખત હૃદ્-સંકોચનના છેલ્લા ભાગમાં બહિ:દક્ષેપી મર્મરધ્વનિ (ejection murmur) ઉત્પન્ન કરે છે, જે પાછળ પીઠના કરોડસ્તંભના મણકા પર સહેલાઈથી સાંભળી શકાય છે. હૃદયનો વીજાલેખ (electrocardiogram, ECG) લેવામાં આવે તો તેમાં હૃદયનું ડાબું ક્ષેપક અતિવૃદ્ધિ પામેલું જોવા મળે છે. તેને વામક્ષેપકીય અતિવૃદ્ધિ (left ventricular hypertrophy) કહે છે. તેવી રીતે જો એક્સ-રે-ચિત્રણ લેવામાં આવે તો પાંસળીઓ વચ્ચેની મોટી થયેલી ધમનીઓને કારણે પાંસળીઓમાં ખાંચ જોવા મળે છે. હૃદયનો પ્રતિઘોષાલેખ (echocardiogram) અને વહનલક્ષી પ્રતિઘોષાલેખ(Doppler study)ની તપાસ કરવાથી નિદાન સરળતાથી થાય છે. ધમનીચિત્રણ (arteriography) વડે ધમનીનાં ચિત્રો મેળવી શકાય છે. તેમાં દર્શાવી શકાય છે કે ડાબી અવ-અરીય ધમની પહોળી થયેલી હોય છે અને તેવી જ રીતે કમાનકુંચિતતા પછીનો મહાધમનીનો ભાગ પણ પહોળો થયેલો હોય છે. નસમાં પોલી નળી નાંખી કરાતાં પરીક્ષણોને વાહિનીનિવેશિકાકરણ-(catheterisation)ની તપાસ કહે છે. વાહિની-નલિકા(catheler)નો મહાધમનીમાં પ્રવેશ કરાવીને પણ સચોટ નિદાન કરી શકાય છે. ચુંબકીય અનુનાદી ચિત્રણ (magnetic resonance imaging, MRI) નામના ચિત્રણપરીક્ષણ (imaging) વડે ઉપયોગી માહિતી મળે છે. વહનલક્ષી પ્રતિઘોષાલેખ વડે કમાનકુંચિતતાની તીવ્રતા જાણી શકાય છે. જો સારવાર ન કરવામાં આવે તો 50 વર્ષથી વધુ આયુષ્યની સંભાવના ઓછી રહે છે. તેનું કારણ હૃદયની કાર્યનિષ્ફળતા થવી અથવા હૃદયાનુપાત થવો, મહાધમનીનું ફાટી જવું, હૃદયના વાલ્વમાં ચેપ લાગવો (અંત:હૃદ્શોથ, endocarditis), મગજમાં લોહી વહી જવું (રુધિરસ્રાવ, haemorrhage) વગેરે હોઈ શકે છે. ઘણી વખત મહાધમનીની દીવાલ ઊભી ચિરાઈ જાય છે. તેને મહાધમની-દ્વિછેદન (aortic dissection) કહે છે. શસ્ત્રક્રિયા કરીને કમાનકુંચિતતાને દૂર કરી શકાય છે. શસ્ત્રક્રિયાને કારણે 1 %થી 4 % દર્દીઓનું મૃત્યુ થાય છે. 20 વર્ષની ઉંમર પહેલાં શસ્ત્રક્રિયા કરવી હિતાવહ છે. રુધિરદાબ ઘટાડી ન શકાય અથવા ડાબા ક્ષેપકની અતિવૃદ્ધિ (hypertrophy) થયેલી હોય તો 40 વર્ષની ઉંમરે પણ શસ્ત્રક્રિયા કરવી સલાહભરેલી ગણાય છે. 50 વર્ષની વય પછી મૃત્યુદર વધુ હોવાથી શસ્ત્રક્રિયાનો લાભ શંકાસ્પદ ગણાય છે. હાલ ફુગ્ગા વડે ધમની-પુનર્રચના (balloon angioplasty) કરવાની રીત વપરાશમાં આવી છે. તેમાં મહાધમનીના સાંકડા ભાગમાં ફુગ્ગો ફુલાવીને તેને પહોળો કરાય છે. તેની સફળતા જોતાં તે મુખ્ય સારવારપદ્ધતિ બનવાની સંભાવના રહેલી છે. જોકે તેમાં મહાધમની ફાટી જવાના કિસ્સા બનેલા છે. આશરે ચોથા ભાગના શસ્ત્રક્રિયા કરેલા દર્દીઓમાં લોહીનું ઊંચું દબાણ રહી જાય છે. તેમને તેની આનુષંગિક તકલીફો થવાની સંભાવના રહેલી છે.

દિલીપ પુ. શાહ

શિલીન નં. શુક્લ