મહાનગર (ચલચિત્ર) (1963) : બંગાળી ભાષાનું ચલચિત્ર. ગરીબ મધ્યમ વર્ગના પરિવારની સમસ્યાઓ અને મજબૂરીઓ દ્વારા દિગ્દર્શક સત્યજિત રાયે મહાનગરની હાડમારીઓનું તેમાં ચિત્રણ રજૂ કર્યું છે. એક પરિવારે પોતાનાં મૂલ્યોને બાજુએ મૂકીને કેવાં સમાધાન કરવાં પડે છે અને પરિવારના સંબંધો પર તેની કેવી વિપરીત અસર પડે છે તેની તથા તેની સાથોસાથ મધ્યમવર્ગીય પરિવારોની જીવનશૈલીમાં શરૂ થયેલા પરિવર્તનના દોરનું દિગ્દર્શકે નિરૂપણ કર્યું છે. ભાષા બંગાળી, નિર્માણસંસ્થા : આર. ડી. બી. ઍન્ડ કંપની, નિર્માતા : આર. ડી. બંસલ, દિગ્દર્શક-પટકથા-સંગીત : સત્યજિત રાય, કથા : નરેન્દ્રનાથ મિત્રની વાર્તા ‘અવતરાનિકા’ પર આધારિત, છબિકલા : સુવ્રત મિત્ર. મુખ્ય કલાકારો : અનિલ ચૅટરજી, માધવી મુખરજી, જયા ભાદુડી, હરેન ચૅટરજી, શેફાલિકાદેવી, વિકી રેડવુડ.

સંયુક્ત પરિવારમાં રહેતા સુવ્રત મજુમદારનો પગાર ટૂંકો છે. તે બહેનની ફી ભરી શકતો નથી કે પિતાનાં ચશ્માંમાં નવા કાચ નંખાવી શકતો નથી. ઘરનું ગુજરાન ચાલી શકે તે માટે તે પત્ની આરતીને નોકરી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સ્ત્રીનું સ્થાન ઘરમાં જ હોય એવું માનતા તેના વૃદ્ધ પિતાને વહુ નોકરી કરવા જાય તે પસંદ નથી, પણ દીકરાના સહારે જીવતા હોવાથી મનની વાત પ્રગટ કરતા નથી. પણ આ બાબતે ઘરમાં બધાંનાં મન ઊંચાં થઈ જાય છે.

આરતીને સેલ્સગર્લની નોકરી મળી જાય છે. તેનો પગાર આવવા માંડતાં ઘરનું ગાડું પુરપાટ દોડવા માંડે છે, પણ તે સાથે ઘરમાં તેનો દરજ્જો બદલાઈ જાય છે. તેને કારણે નવા પ્રશ્નો ઊભા થાય છે. બીજી બાજુ ઘેર ઘેર ફરીને ગૂંથણ-યંત્ર વેચતી આરતી સામે એક નવી જ દુનિયાનાં દ્વાર ખૂલી જાય છે. કંપનીમાં કામ કરતી એક ઍંગ્લો-ઇન્ડિયન યુવતી એડિથ તેની સખી બની જાય છે. બીજી બાજુ કમાતી પત્નીને કારણે હીણપત અનુભવતા સુવ્રતને હવે પત્નીનું આ રીતે ઘર બહાર રહેવું ભારરૂપ લાગવા માંડે છે. એમાં સુવ્રત જ્યાં કામ કરે છે એ બૅન્ક બંધ થઈ જતાં સુવ્રત બેકાર બની જાય છે. આ સ્થિતિમાં એકલી આરતીના પગાર પર ઘર ચાલે છે, પરિણામે ઘરમાં વાતાવરણ વધુ અસહ્ય બની જાય છે. દરમિયાનમાં એડિથને કોઈ કારણસર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. એના વિરોધમાં આરતી નોકરીમાંથી રાજીનામું આપી દે છે. સુવ્રત આ જાણે છે ત્યારે તે પત્નીને સાંત્વન આપે છે અને આવડા મોટા શહેરમાં આપણને પણ કોઈ નોકરી મળી જ રહેશે એવા આશાવાદ સાથે ચિત્ર પૂરું થાય છે. બર્લિન ફિલ્મોત્સવમાં આ ચિત્રને શ્રેષ્ઠ દિગ્દર્શન માટે સિલ્વર બેર પારિતોષિક મળ્યું હતું.

હરસુખ થાનકી