મહાદેવ (તેરમી સદીમાં હયાત) : ઈ. સ. 1316માં થયેલા, ભારતીય જ્યોતિષશાસ્ત્રના ગુજરાતી લેખક. તેમણે લખેલ ‘મહાદેવીસારણી’ ગ્રંથના ઉલ્લેખ મુજબ તેઓ તેરમી સદીમાં હયાત હતા. તેમણે ‘વૃત્તાંત’ નામનો કરણગ્રંથ રચ્યો છે. આ ગ્રંથ ‘મહાદેવીસારણી’ તરીકે પ્રસિદ્ધ થયો. ખરેખર તો આ ગ્રંથ ચક્રેશ્વર નામના જ્યોતિષીએ લખ્યો છે, પણ તે અધૂરો રહેતાં મહાદેવે તે પૂર્ણ કર્યો એમ ધનરાજ પોતાની આ ગ્રંથની ટીકામાં નોંધે છે.

મહાદેવના કુળ અંગેનું તૂટક વૃત્તાંત પણ મળે છે. તેઓ ગૌતમ ગોત્રી બ્રાહ્મણ હતા. તેમણે પિતા પદ્મનાભ, દાદા માધવ વગેરેનો ઉલ્લેખ કર્યો છે. ‘જાતકસાર’ નામના ગ્રંથમાં ‘મહાદેવીસારણી’ પ્રમાણે ગ્રહસાધન કરવાનો આદેશ છે. આ પુસ્તકમાં સંસ્કૃત અને ગુજરાતી ભાષાનો ઉપયોગ કર્યો છે. વળી અમદાવાદમાં આ ગ્રંથ મળ્યા અંગેનો ઉલ્લેખ પણ મળે છે.

આ ગ્રંથના ટીકાકાર ધનરાજ પણ ગુજરાતી છે. ચર-સાધન-સંસ્કાર માટે આ ગ્રંથમાં 411 પલભાગનો ઉપયોગ કર્યો છે. તેથી ગ્રંથકાર સૂરત(ગુજરાત)ના આજુબાજુના પ્રદેશના હોવા જોઈએ. વળી મધ્યકાલીન ગુજરાતમાં આ ગ્રંથ ખૂબ જ પ્રચલિત થયો હોય તેમ જણાય છે. મહાદેવના ‘વૃત્તાંત’ ગ્રંથના ટીકાકાર નાગ ધનરાજ પોતે જૈન હોવાનો ઉલ્લેખ કરે છે. લેખકે ‘મહાદેવીદીપિકા’ ગ્રંથમાં દેશાંતર-સાધન રાજસ્થાનના શિરોહીનું કર્યું છે. તેઓ ઉજ્જૈનના રહેવાસી હતા. ‘મહાદેવીદીપિકા’ એવું ગ્રંથનું શીર્ષક મહાદેવકૃત ‘વૃત્તાંત’ની ટીકા છે, એવું સૂચવે છે. આ ટીકાગ્રંથમાં 1,500 શ્લોકો છે. તે ગ્રંથ 1557માં લખાયો હોવાનો ઉલ્લેખ મળે છે.

‘ગ્રહસિદ્ધિ’ નામના મહાદેવરચિત બીજા ગ્રંથમાં 43 શ્લોકો આપવામાં આવ્યા છે. આ ગ્રંથમાં મધ્યમ અને સ્પષ્ટ ગ્રહ-સાધન આપવામાં આવ્યું છે; પણ મધ્યમ મેષસંક્રાન્તિકાળમાન ક્ષેપક છે. આ ગ્રંથમાં સૂક્ષ્મ ગણિતકાર્ય માટે જરૂરી એવી વર્ષગણના ઉપરથી મધ્યમ ગ્રહસાધન કરવા માટેની ઉપયોગી સારણીઓ આપવામાં આવી છે.

બટુક દલીચા