મહાતરંગ (storm surge) : ચક્રવાત (વાવાઝોડાં) જેવા સમુદ્રી તોફાન દરમિયાન પવનના જોર અને વાતાવરણના ઓછા દબાણને કારણે સમુદ્રની સામાન્ય સપાટીમાં પેદા થતો વધારો. જો આ ઘટના સમુદ્રની ભરતીના સમયે થાય તો મહાતરંગ વધારે ઊંચા અને વિનાશક થાય છે.
ખુલ્લા સમુદ્રમાં ઉત્પન્ન થતા મોટા ચક્રવાતી તોફાન દરમિયાન વાતાવરણના ઓછા દબાણને કારણે પાણીની ઊંચી દીવાલ બને છે, જે તોફાનની સાથે સાથે સમુદ્રમાં ખસે છે. જ્યારે ચક્રવાત કિનારાની નજીકના છીછરા સમુદ્ર તરફ પહોંચે છે ત્યારે પાણીની દીવાલ ઉપર ફૂંકાતા જોરદાર પવનને કારણે ઘણી વખત મહાતરંગ સર્જાય છે, જેમાં સમુદ્રની સપાટીમાં થતા અસાધારણ વધારાને લીધે કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં મોટો વિનાશ થાય છે. સમુદ્રની ભરતી દરમિયાન થતા મહાતરંગો ઘણા વધારે વિનાશક હોય છે. તેથી જાન-માલને ઘણું નુકસાન થાય છે. મહાતરંગનું કદ આ પરિબળો ઉપર આધાર રાખે છે : (1) ચક્રવાતનાં વ્યાપ, તીવ્રતા, વેગ અને દિશા; (2) સમુદ્રના તળિયાની ભૂ-આકૃતિ (bottom topography).
બંગાળના ઉપસાગરમાં સર્જાતા મહાતરંગો ઘણા વિનાશક હોય છે. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કિનારા નજીકના ભાગોમાં તેની વિનાશક અસર અવારનવાર અનુભવાય છે. અમુક પ્રકારના ચક્રવાતનો અને કેટલાંક ભૌગોલિક સ્થાનોના સંદર્ભમાં મહાતરંગનો અંદાજ મેળવવા માટે સંખ્યાકીય પદ્ધતિઓ (numerical models) વિકસાવવામાં આવી છે.
પરંતપ પાઠક