મહાજન શક્તિદળ : ગુજરાતની યુવતીઓ અને સ્ત્રીઓના ઉત્કર્ષ માટે પૂજ્ય મોટા તરફથી મળેલી સહાયથી 1965માં સ્થપાયેલી સંસ્થા. મહાજન શક્તિદળની પ્રવૃત્તિઓ હાથ ધરવાની જવાબદારી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપળાને સોંપવામાં આવી છે. એટલે જ એનું મુખ્ય કાર્યાલય રાજપીપળા મુકામે રાખવામાં આવ્યું છે. ગુજરાતની બહેનો શારીરિક ઘડતરનું મહત્વ સમજે અને ઘરની ચાર દીવાલોમાંથી બહાર નીકળી શરીર સુર્દઢ અને શક્તિશાળી બનાવવાનું વલણ કેળવે તથા તેમનામાં આત્મશ્રદ્ધા, નીડરતા અને સ્વાવલંબન જેવા ઉત્તમ ગુણો કેળવાય તેવા હેતુથી પૂજ્ય મોટાએ દીર્ઘષ્ટિ રાખી આ સંસ્થાને આર્થિક સહાય તથા પ્રેરણા આપ્યાં છે. ઘણાં વર્ષો સુધી આ મંડળના પ્રમુખ તરીકેની સેવા ગુજરાતનાં સંનિષ્ઠ સ્ત્રી-કાર્યકર અને તત્કાલીન કેળવણીપ્રધાન ઇન્દુમતીબહેન શેઠે આપી હતી તથા તેમના માર્ગદર્શન હેઠળ મહાજન શક્તિદળે ઘણી પ્રગતિ પણ કરી હતી.

ગુજરાતની બહેનોમાં વ્યાયામના સંસ્કાર રેડી શકાય તેમજ તેમનામાં સાહસિક પ્રવૃત્તિઓ માટે અભિગમ કેળવી શકાય તેટલા સારુ સંરક્ષણશિબિરો; ગ્રીષ્મ તાલીમ-શિબિરો; લાંબી દોડ, કબડ્ડી તથા વૉલીબૉલની તેમજ સાઇકલની સ્પર્ધાઓ વગેરે ઘણી પ્રવૃત્તિઓ સમગ્ર વર્ષ દરમિયાન યોજવામાં આવે છે. આ રીતે મહાજન શક્તિદળે બહેનોમાં શિસ્ત, હિંમત, આત્મશ્રદ્ધા, નીડરતા અને સ્વાવલંબન વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. સ્ત્રીઓમાં સંઘભાવના ખીલે, જીવન પ્રત્યે વિશાળ અને ઉન્નત ર્દષ્ટિ વિકસે તથા રાષ્ટ્રના સાચા નાગરિક તરીકેની ભાવના જાગ્રત થાય તે માટે મહાજન શક્તિદળ ઘણા પ્રયાસો કરી રહ્યું છે. 1999થી બહેનો માટે હૅન્ડબૉલની સ્પર્ધા પણ શરૂ કરી છે. આમ આજેય આ મહાજન શક્તિદળ કાર્યરત છે.

પ્રભુદયાલ શર્મા