મહાજન, પ્રમોદ (જ. 30 ઓક્ટોબર, 1949 ; અ. 3 મે, 2006, મહબૂબનગર, તેલંગાણા, દેશસ્ત બ્રાહ્મણ પરિવાર)  :  પ્રમોદ વેંકટેશ મહાજન, ભાજપની બીજી પેઢીના નેતાઓ પૈકીના એક હતા, ટૅકનૉક્રૅટિક નેતાઓ પૈકીના એક અને 21મી સદીમાં ભાજપના સંકટમોચક તરીકે પ્રસિદ્ધ રાજકારણી. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની ગઠબંધન સરકારમાં તમામ સાથીદારો પક્ષો સાથે સુમેળયુક્ત સંબંધ ધરાવવાની જવાબદારી ધરાવતા મહાજનને 21મી સદીની શરૂઆતમાં ભાજપનાં ભવિષ્યના આશાસ્પદ નેતાઓ પૈકીના એક ગણવામાં આવતા હતા.

પિતા વેંકટેશ દેવીદાસ મહાજન અને માતા પ્રભાવતી વેંકટેશ મહાજન. મહાજનનું બાળપણ અંબેજોગાઈમાં પસાર કર્યું. પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રનાં બીડ જિલ્લામાં યોગેશ્વરી વિદ્યાલય અને મહાવિદ્યાલયમાંથી મેળવ્યું.  પુણેમાં રાનાડે ઇન્સ્ટિટ્યૂટ ફોર જર્નલિઝમમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યો. ભૌતિકશાસ્ત્ર અને પત્રકારત્વમાં સ્નાતકની પદવી અને રાજ્યશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવી.

બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (સંઘ)ના સભ્ય હતા.1971થી 1974માં અંબેજોગાઈમાં ખોલેશ્વર કૉલેજમાં અંગ્રેજીના શિક્ષક તરીકે કામ કર્યું. કટોકટી દરમિયાન સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. 1970 અને 1971માં સંઘના મરાઠી અખબાર ‘તરુણ ભારત’ના સબ-એડિટર તરીકે કામ કર્યું. શાળાના શિક્ષક તરીકે નોકરી છોડી 1974માં સંઘના પૂર્ણકાલીન પ્રચારક બની ગયા.કટોકટીનો કાળ નાશિક સેન્ટ્રલ જેલમાં પસાર કર્યો. 1984માં લોકસભાની ચૂંટણી લડી, પણ પરાજય થયો. 1986માં ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ બન્યા. સંગઠનમાં કૌશલ્ય અને મહેનતના ગુણોથી મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશપ્રમુખ બન્યા અને પછી રાષ્ટ્રીય સ્તરે ભાજપના પ્રમુખ  બન્યા. 1990માં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાનું આયોજન કરવામાં તેમણે સારી ભૂમિકા ભજવી હતી અને પરિણામે રાષ્ટ્રીય સ્તરે તેમનું કદ વધ્યું હતું.વર્ષ 1995માં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન કરાવીને રાજ્ય સરકાર બનાવવામાં મહાજને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

1996માં 13 દિવસનાં વાજપેયી મંત્રીમંડળમાં મહાજન સંરક્ષણ મંત્રી બન્યાં. 1998માં સૌપ્રથમ પ્રધાનમંત્રી વાજપેયીના સલાહકાર તરીકે નિયુક્ત થયા. 1998માં તેમને માહિતી અને પ્રસારણ મંત્રી તથા ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી બનાવવામાં આવ્યા. ઑક્ટોબર, 1999માં સંસદીય મંત્રી અને જળ સંસાધન મંત્રી બન્યા. પછી એક મહિના બાદ તેમણે જળસંસાધન મંત્રી તરીકે રાજીનામું આપ્યું અને સંસદીય મંત્રીની સાથે ઇન્ફોર્મેશન ટૅકનૉલૉજી મંત્રીની જવાબદારી સંભાળી.વર્ષ 2001માં સંચાર મંત્રી બન્યા અને દેશમાં સેલ્યુલર ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી. વર્ષ 1999ની જૂની ટેલિકોમ નીતિ રદ કરીને નવી ટેલિકોમ નીતિનો અમલ કર્યો, જે અંતર્ગત ટેલિકોમ કંપનીઓ સાથે સરકારે આવક વહેંચણીની નવી ફોર્મ્યુલા બનાવી.

રાજકીય કારકિર્દીમાં મોટા ભાગે રાજ્યસભાના સાંસદ તરીકે કામગીરી કરી. લોકસભાની ચૂંટણી મુંબઈ – ઉત્તર પૂર્વ બેઠક પરથી ફક્ત બે વાર લડ્યા, જેમાં વર્ષ 1996માં વિજય થયો, પણ 1998માં પરાજય થયો. સૌપ્રથમ 1986માં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં પ્રવેશ કર્યો અને 1996 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા. ત્યારબાદ 1998થી 2004 સુધી અને વર્ષ 2004થી મૃત્યુ સુધી રાજ્યસભાના સાંસદ હતા.

ડિસેમ્બર, 2003માં દિલ્હી, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ભાજપનો વિજય. પછી વર્ષ 2004ની લોકસભાની ચૂંટણી વહેલી કરવાનો નિર્ણય લેવાયો અને મહાજનને ચૂંટણીના પ્રચારની જવાબદારી સુપરત કરવામાં આવી. જોકે ભાજપની અનપેક્ષિત રીતે હાર થઈ અને મહાજને પરાજયની વ્યક્તિગત રીતે જવાબદારી સ્વીકારી.

22 એપ્રિલ, 2006ના રોજ નાનાં ભાઈ પ્રવીણે 0.32 બ્રાઉનિંગ પિસ્તોલમાંથી પ્રમોદ મહાજનને ચાર ગોળીઓ મારી. 13 દિવસ હિંદુજા હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે સંઘર્ષ કર્યા પછી 3 મે, 2006ના રોજ મહાજનનું મૃત્યુ થયું.

કેયૂર કોટક