મહાગુજરાતનું આંદોલન : ગુજરાતના અલગ રાજ્યની રચના કરાવવા માટે લોકોએ કરેલું આંદોલન. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે 1920માં પ્રથમ વાર ભાષાવાર પ્રાંતરચનાનો ઠરાવ કર્યો હતો. કૉંગ્રેસે નીમેલી મોતીલાલ નહેરુ સમિતિએ 1928માં આપેલા હેવાલમાં પ્રાદેશિક પુનર્રચના કરવાની ભલામણ કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે સૌરાષ્ટ્રના એકમની રચના વખતે, 1948માં ગુજરાતના અલગ રાજ્યની રચના કરવાનો ઉલ્લેખ કર્યો હતો. 1953માં ફઝલઅલીના અધ્યક્ષપદે રાજ્ય પુનર્રચના પંચ નીમવામાં આવ્યું. આ પંચે બૃહદ મુંબઈની અગત્યને લક્ષમાં રાખીને મરાઠાવાડ, સૌરાષ્ટ્ર, કચ્છ અને જૂના મુંબઈ રાજ્યના પ્રદેશોને સમાવી બૃહદ મુંબઈ રાજ્ય રચવાની ભલામણ કરી. પંચે મહાગુજરાતની માગણીને નકારી કાઢી. તે અગાઉ ગુજરાતની જનતાએ અલગ રાજ્યની તૈયારીઓ કરવા માંડી હતી. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિની મહેમદાબાદ મુકામે 25 ઑક્ટોબર 1955ના રોજ મળેલી બેઠકે મુંબઈના દ્વિભાષી રાજ્યની મહારાષ્ટ્ર કૉંગ્રેસની દરખાસ્તનો સખત વિરોધ કર્યો હતો; પરંતુ સંસદે 6 ઑગસ્ટ 1956ના રોજ મહારાષ્ટ્ર, મુંબઈ, કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિતના દ્વિભાષી મુંબઈ રાજ્યની રચનાની જાહેરાત કરી. ગુજરાત માટે આ નિર્ણય આઘાતજનક હતો. ગુજરાતની પ્રજાએ તેનો સખત વિરોધ કર્યો. વર્તમાનપત્રોએ પણ સરકારના આ પગલાની કડક શબ્દોમાં આલોચના કરી. તેમાંથી મહાગુજરાતના આંદોલનનો ઉદભવ થયો.
ગુજરાત અને મુંબઈનાં આર્થિક હિતો પરસ્પર અતૂટપણે વણાઈ ગયાં હતાં. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને નાના રાજ્યના નેતૃત્વ કરતાં, વિશાળ રાજ્યના નેતૃત્વમાં વધારે લાભ જણાતો હતો. મુંબઈના આકર્ષણને કારણે રાજ્ય પુનર્રચનાનો પ્રશ્ન વધુ વિવાદાસ્પદ બન્યો. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિએ મોવડીમંડળ(હાઈકમાન્ડ)ની શિસ્ત પાળવાની મજબૂરીને કારણે પતિવ્રતા નારીની જેમ સંસદના ચુકાદાને વધાવી લઈ ગુજરાતની જનતાનો રોષ વહોરી લીધો. તેથી ગુજરાત તેની 34 ટકા વસતી સહિત લઘુમતીમાં મુકાઈ ગયું.
સંસદમાં દ્વિભાષી રાજ્યનો ઠરાવ સ્વીકારાયો તે જ દિવસે એટલે કે 7 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદની લૉ કૉલેજમાં વિદ્યાર્થીઓની સભામાં પગલાં સમિતિની રચના કરવામાં આવી; વિદ્યાર્થીઓએ સ્વયંભૂ દેખાવો શરૂ કર્યા અને કૉંગ્રેસ ભવન પર મોરચો લઈ જવામાં આવ્યો. વિદ્યાર્થીઓના ટોળામાંથી પથ્થરમારો કરવામાં આવ્યો. તેના જવાબમાં પોલીસે ગોળીબાર કરતાં ચાર વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. તેથી જનતાનો રોષ ફાટી નીકળ્યો અને દેખાવોએ આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું. આમ ગોળીબારની ઘટનાએ આંદોલન માટે બળતામાં ઘી હોમ્યું. ગુજરાતમાં આંદોલન ક્રમશ: ઉગ્ર બન્યું. 8મી ઑગસ્ટના રોજ અમદાવાદમાં ચાર જણા મૃત્યુ પામ્યા અને એક સો જેટલા ઘવાયા. રતિલાલ ખુશાલદાસ પટેલના પ્રમુખપદે નાગરિક સભા મળી અને તે પછી થયેલા ગોળીબારમાં એક માણસ મૃત્યુ પામ્યો. રોષે ભરાયેલા લોકો દ્વારા આગ અને લૂંટફાટના બનાવો બન્યા. નડિયાદ, આણંદ, મહેસાણા, વડોદરા, રાજકોટ વગેરે નગરોમાં હડતાળો પડી. નવમી ઑગસ્ટના ગોળીબારમાં ચાર યુવકો માર્યા ગયા, તેમ છતાં લોકો પોલીસ સામે ગેરીલા લડાઈ લડતા રહ્યા. પથ્થરમારો અને ગોળીબારોમાં યુવકોનાં મૃત્યુ થવાના બનાવો ચાલુ રહ્યા.
આ સંજોગોમાં મોરારજી દેસાઈએ ગુજરાતમાં આવીને લોકોને સાંત્વના આપવાને બદલે મુંબઈ જઈને દ્વિભાષી રાજ્યનો વિરોધ કરનારાઓને સખત હાથે કચડી નાખવાની જાહેરાત કરી. તેથી લોકોનો ઉશ્કેરાટ એકદમ વધી ગયો. ગુજરાતની પ્રજાની લાગણી હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરવામાં કૉંગ્રેસી નેતાઓ નિષ્ફળ ગયા. તેમણે પોતાની ભૂલ સ્વીકારી લોકોને સાંત્વન આપવાને બદલે, દિલ્હીમાં રહીને દ્વિભાષી રાજ્યનાં વખાણ કરવા માંડ્યાં અને લોકોની સ્વયંભૂ ચળવળને ઓળખ્યા વગર, કેટલાક તોફાનીઓની ધમાલ કહીને તેની અવગણના કરવા લાગ્યા. લોકોની નાડ પારખવામાં અસમર્થ નીવડેલા નેતાઓ પણ લોકોના ઉશ્કેરાટને પ્રદીપ્ત કરવામાં કારણભૂત બન્યા. તેથી આંદોલનનો વિસ્તાર વધ્યો અને તે ગુજરાતનાં અન્ય નગરોમાં પણ ફેલાયું.
અમદાવાદમાં 19મી ઑગસ્ટની મોરારજી દેસાઈની સભા સામે લોકોએ જનતા કર્ફયુ પાળ્યો. ગુજરાતમાં 18મી ઑગસ્ટ સુધીના બનાવો તથા 19મીની સભાના રકાસ પરથી મોરારજી દેસાઈને લોકોના રોષનો સાચો ખ્યાલ આવ્યો. તેમને તેનાથી દુ:ખ થયું. લોકલાગણીના જવાબ રૂપે તેમણે 19મી ઑગસ્ટથી ઉપવાસ શરૂ કર્યા. તેમના ઉપવાસની લોકો પર અસર થઈ નહિ. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મંત્રી ઠાકોરભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓના આવેશને ગુંડાઓની હરોળમાં મૂક્યો.
ગુજરાતની આ ચળવળ ધીમે ધીમે હિંસક બની. તોફાનો તથા ગોળીબારોથી લોકમત વધુ ઉશ્કેરાતો હતો. તેમને ઇન્દુલાલ યાજ્ઞિક, જયંતિ દલાલ, બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે નેતાઓનું માર્ગદર્શન મળતાં તે લોકઆંદોલન બન્યું અને સમગ્ર ગુજરાતમાં પ્રસર્યું. 26મી ઑગસ્ટની જાહેર સભા બાદ મોરારજી દેસાઈ પારણાં કરવાના હતા; પરંતુ અમદાવાદના લોકોએ જનતા કર્ફયુ જાહેર કરી સભાનો સખત બહિષ્કાર કર્યો. કેટલાક યુવકોએ ત્યાં કરેલા પથ્થરમારાથી અનેક કૉંગ્રેસી કાર્યકરો ઘવાયા. સભા પૂરી થયા પછીના ગોળીબારમાં એક યુવાન મરણ પામ્યો. આ સમગ્ર ઘટના લોકશાહીવિરોધી ગણાઈ.
બીજી ઑક્ટોબરના રોજ અમદાવાદમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જાહેર સભા યોજવામાં આવી. તે જ દિવસે અને સમયે મહાગુજરાત જનતા પરિષદ તરફથી ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભા યોજવામાં આવી. લોકો ઇન્દુલાલ યાજ્ઞિકની સભામાં ઘણી મોટી સંખ્યામાં ઊમટી પડ્યા. તેનાથી નહેરુને ગુજરાતના લોકમાનસનો વાસ્તવિક ખ્યાલ આવ્યો. તેમણે નમ્રતાપૂર્વક કૉંગ્રેસની ભૂલનો એકરાર કર્યો. 1લી નવેમ્બર, 1956ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યની શરૂઆત થઈ.
દેશમાં સામાન્ય ચૂંટણીઓ 1957માં યોજવામાં આવી. ગુજરાત વિધાનસભાની 132 બેઠકોમાંથી 100 બેઠકો કૉંગ્રેસને મળી. જ્યારે મહાગુજરાત જનતા પરિષદે 83 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, તેમાંથી માત્ર 29 બેઠકો તેને મળી. તેને અમદાવાદમાંથી 9, મહેસાણા જિલ્લામાંથી 11, ખેડા જિલ્લામાંથી 5, પંચમહાલમાંથી 2 અને ભરૂચ તથા સાબરકાંઠા જિલ્લામાંથી એકએક બેઠક મળી. આમ, અમદાવાદ, મહેસાણા અને ખેડા જિલ્લા પૂરતો જ તેનો પ્રભાવ હોવાનું સાબિત થયું; જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તેનો પ્રભાવ જણાયો નહિ.
1958માં જનતા પરિષદે, આંદોલનમાં મૃત્યુ પામેલા યુવકોની યાદ માટે શહીદસ્મારક રચવાનો નિર્ણય કર્યો. તેના સ્થળ અંગે વિવાદ અને ફરીવાર તોફાનો થયાં. જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન થયું. દ્વિભાષીના સમર્થકોને જાહેરમાં આવવાનું કે પ્રવચન કરવાનું મુશ્કેલ બન્યું.
દ્વિભાષી રાજ્યની રચના થતાં મહારાષ્ટ્રમાં પણ તોફાનો થયાં. ત્યાંના લોકોમાં અલગતાની લાગણી વધારે તીવ્ર બની. મુંબઈ સહિત અલગ મહારાષ્ટ્રની રચના માટેની ઝુંબેશ વધુ જોરદાર હતી. આમ વિભાજન માટે બંને રાજ્યોમાં આંતરપ્રવાહો ચાલુ હતા. તે દરમિયાન 1959માં મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન યશવંતરાવ ચવાણે કૉંગ્રેસના મોવડીમંડળ સમક્ષ અભિપ્રાય જણાવ્યો કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સ્થપાઈ નથી. તેથી 3જી ડિસેમ્બરના રોજ કૉંગ્રેસની કારોબારી સમિતિએ મુંબઈ રાજ્યના વિભાજનને સંમતિ આપી. સંસદે તે અંગેનો ખરડો પસાર કર્યો. વિભાજનની વિગતો તૈયાર કરવા સમિતિ રચવામાં આવી. ડાંગ અને ઉંમરગામ ગુજરાતમાં મુકાયાં. ગુજરાતના પાટનગર અને ખાધ માટે વ્યવસ્થા કરવામાં આવી.
1લી મે, 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રનાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. ગુજરાતનું કામચલાઉ પાટનગર અમદાવાદમાં રાખવામાં આવ્યું. લોકસેવક રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરવામાં આવ્યું.
જયકુમાર ર. શુક્લ