મહમૂદશાહ સુલતાન પહેલો (બેગડો) (જ. 1446, અમદાવાદ; અ. 23 નવેમ્બર 1511, અમદાવાદ) : ગુજરાતનો બહાદુર અને મહત્વાકાંક્ષી સુલતાન. તે સુલતાન મુહમ્મદશાહ બીજાનો નાનો પુત્ર ફતેહખાન હતો. તે 13 વર્ષની ઉંમરે ગાદીએ બેઠો અને તેણે ‘અબુલફત્હ મહમૂદશાહ’ ઇલકાબ ધારણ કર્યો. તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હોવાથી ઇતિહાસમાં ‘બેગડો’ નામથી ઓળખાય છે. તેને ઉથલાવી નાખવાના વિરોધી અમીરોના કાવતરાને તેણે કાર્યદક્ષતાથી નિષ્ફળ બનાવી દીધું. બહમની રાજ્યના બાળ સુલતાન નિઝામશાહના રાજ્ય ઉપર ચડાઈ કરનાર માળવાના સુલતાનના લશ્કરને તેણે બે વાર (1461 અને 1463માં) રોકી પીછેહઠ કરવાની ફરજ પાડી. ચાંચિયાગીરી કરતા કિલ્લા પારડીના હિંદુ રાજા પર ચડાઈ કરી, ખંડણી આપવાની અને વર્તન સુધારવાની શરત કબૂલ કરાવડાવી. તેણે જૂનાગઢના ચૂડાસમા રાજા માંડલિકના રાજ્ય ઉપર 1467માં ચડાઈ કરી, લૂંટ કરી, તાબેદારી સ્વીકારાવીને ખંડણી લીધી. બીજે વરસે ફરી ચડાઈ કરી શરણાગતિ સ્વીકારાવી. 1469માં ત્રીજી વાર જૂનાગઢ પર આક્રમણ કરીને લૂંટ કરી. રાજાએ ભારે ટક્કર ઝીલી. ખોરાકની તંગી પડવાથી એણે તાબે થવું પડ્યું. સુલતાને નજીકમાં પહાડની તળેટીમાં નવું શહેર વસાવીને એનું નામ મુસ્તફાબાદ રાખ્યું. મુસ્લિમ તવારીખ મુજબ રાજાએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. મુસલમાનો ઉપર જુલમ ગુજાર્યાની ફરિયાદ મળવાથી થર અને પારકર જિલ્લાના (દક્ષિણ સિંધ) સુમરા અને સોઢા સરદારોને સુલતાને હરાવ્યા (1472). જેમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો તેમને સોરઠમાં લાવીને વસાવ્યા. મુલ્લા મહમૂદ સમરકંદીની લૂંટાઈ ગયાની ફરિયાદ સાંભળીને તેણે દ્વારકા પર ચડાઈ કરી ત્યાંના વિખ્યાત દ્વારકાધીશના મંદિરનો નાશ કર્યો, મૂર્તિ ભાંગી નાખી અને નગરમાં લૂંટ કરી. એ પછી મંદિરો તોડી ત્યાં મસ્જિદો બંધાવી. તેણે બેટનો કિલ્લો કબજે કરી ત્યાંના રાજા ભીમને કેદ કરી, ઘાતકી રીતે તેની હત્યા કરી. તેણે ઘોઘા જઈને એ વિસ્તારનાં બંદરો પર ચાંચિયાગીરી કરતા મલબારીઓને સજા કરી. ત્યારબાદ હાલના ખેડા જિલ્લામાં વાત્રક નદીના પૂર્વ કાંઠે પોતાના પ્રમોદસ્થળ તરીકે તેણે મહમૂદાબાદ (મહેમદાવાદ) નગર વસાવ્યું. તેણે 1483માં ચાંપાનેરના ચૌહાણ રાજા જયસિંહ(પતાઈ રાવળ)ના રાજ્ય પર ચડાઈ કરી. રાજાએ પાવાગઢના પહાડી કિલ્લામાં રક્ષણ લઈને સુલેહની માગણી કરી. સુલતાને સુલેહનો ઇનકાર કર્યા બાદ રાજપૂતોએ કેસરિયાં કર્યાં અને તેમની સ્ત્રીઓએ જૌહર કર્યું. વીસ મહિના સુધી ભારે ટક્કર ઝીલ્યા બાદ પતાઈ રાવળનો પરાજય થયો. સુલતાને ચાંપાનેરમાં પાયતખ્ત રાખી તેને ‘મુહમ્મદાબાદ’ નામ આપ્યું. એ પછીનાં પચાસ વરસ પર્યંત તે પાટનગર રહ્યું. ગુજરાતના દરિયાઈ વેપાર પર પૉર્ટુગીઝો (ફિરંગીઓ) દ્વારા વિપરીત અસર પડવાથી મિસર અને ગુજરાતના સુલતાનના સંયુક્ત નૌકાકાફલાએ ફિરંગીઓને મુંબઈ નજીકના ચેવલ બંદરે હરાવ્યા. ત્યારબાદ ફિરંગીઓ સાથે શાંતિમય સંબંધો સ્થાપવામાં આવ્યા. તેણે મુત્સદ્દીગીરીથી ખાનદેશ પર પોતાનું વર્ચસ્ સ્થાપ્યું હતું.
મહમૂદ બેગડો ચતુર સુલતાન હતો. તે અસાધારણ હિંમત અને હોશિયારી ધરાવતો હતો. તે ઉત્સાહી અને મહત્વાકાંક્ષી સુલતાન તથા બહાદુર યોદ્ધો હતો. તેના દરબારમાં બંગાળ, કાશ્મીર, દિલ્હી ઉપરાંત ઈરાન, રોમ, મિસર અને યુરોપના દેશોના એલચીઓ આવતા હતા. એની ભૂખ અસીમ હતી. એના દૈનિક ભોજનનું વજન 20 કિલોગ્રામ જેટલું થતું હતું. તે પોતાની શારીરિક શક્તિથી મસ્ત હાથીને નસાડી દેતો હતો. તે ઉદાર અને ન્યાયપ્રિય હતો તથા વિવેકબુદ્ધિ ધરાવતો હતો. તે સૂફીઓ અને મુસ્લિમ લેખકોનો આશ્રયદાતા હતો. મજહબના પ્રચાર માટે આવેલા અનેક ઉલેમાઓને તેણે પ્રોત્સાહન આપ્યું. તેના ફલસ્વરૂપે સૌરાષ્ટ્રમાં ઇસ્લામ ધર્મને કાયમી સ્થાન મળ્યું. તેણે નગરો વસાવ્યાં, ઇમારતો બંધાવી અને અણહિલપાટણથી વડોદરા સુધીના રસ્તાની બંને બાજુએ વૃક્ષો રોપાવ્યાં હતાં.
જયકુમાર ર. શુક્લ