મહમૂદશાહ સુલતાન ત્રીજો

January, 2002

મહમૂદશાહ સુલતાન ત્રીજો (જ. 1525; અ. 15 ફેબ્રુઆરી, 1554, મહેમદાવાદ, જિ. ખેડા) : ગુજરાતનો સુલતાન. તે સુલતાન બહાદુરશાહના ભાઈ લતીફખાનનો પુત્ર હતો. ખાનદેશના સુલતાન મુહમ્મદશાહ ત્રીજાની દેખરેખ હેઠળ રાજકેદી તરીકે તેનો ઉછેર થયો હતો. તેને અમદાવાદ લાવીને 8 ઑગસ્ટ, 1537ના રોજ તખ્તનશીન કરવામાં આવ્યો. સુલતાન સગીર વયનો હોવાથી અમીર દરિયાખાનહુસેન સર્વસત્તાધીશ બની ગયો અને પાંચ વર્ષ સુધી સુલતાન તેની સલાહ મુજબ વર્તતો હતો. સુલતાનને ધંધૂકાના અમીર-આલમખાનની મદદ મળવાથી દરિયાખાન 1543માં બુરહાનપુર નાસી ગયો. સુલતાને પાટનગર મુહમ્મદાબાદ (ચાંપાનેર) જઈને આલમખાનને અમીરુલ્ઉમરાનો ખિતાબ અને સિપહસાલારનો હોદ્દો આપ્યો. તેણે ગુજરાતમાંથી નાસી ગયેલા અમીર ઇમાદુલ્મુલ્ક મલેકજીને માંડુથી બોલાવી એને ભરૂચનો પ્રદેશ તથા સૂરત બંદર જાગીર પેટે આપ્યાં. તેના વિશ્વાસુ નોકર પારધી ચરજીને વીરમગામની જાગીર તથા ‘મુહાફિઝખાન’નો ઇલકાબ આપ્યાં. અમીરો આલમખાન, મુજાહિદખાન અને બીજા ભદ્રમાં સુલતાન ઉપર ચોકી રાખતા હતા. કેટલાક અમીરો કાવતરું કરી સુલતાનને ઉથલાવવા માગતા હતા; પરંતુ મુજાહિદખાનની મદદથી તેણે એ યોજના નિષ્ફળ બનાવી. આલમખાન તથા અન્ય વિરોધી અમીરો 1545માં નાસી ગયા. આમ ગાદી પર બેઠા પછી (1537) આઠ વરસે સુલતાન સ્વતંત્ર રીતે શાસન કરવા લાગ્યો. અમીર મુજાહિદખાન તેનો રાજ્યરક્ષક બન્યો. સુલતાને ખ્વાજાસફર ખુદાવંદખાનની સલાહથી પૉર્ટુગીઝ સત્તા હેઠળના દીવ પર એપ્રિલ 1546માં ચડાઈ કરી. બંને પક્ષે ખુવારી વેઠ્યા બાદ ફિરંગીઓએ કેટલાક કિલોગ્રામ સોનું સુલતાનને ભેટ તરીકે મોકલી, સારા સંબંધ રાખવાની ખાતરી આપી. બંને પક્ષો વચ્ચે 1548માં સંધિ થઈ. તે મુજબ (1) દીવનો કિલ્લો ફિરંગીઓના અંકુશ હેઠળ રહે, (2) બંદર સુલતાનની સત્તા હેઠળ રાખવું તથા (3) જકાતની આવકમાંથી 50% હિસ્સો સુલતાનને આપવો એમ નક્કી કરવામાં આવ્યું.

સુલતાન મહમૂદશાહે અમીર આસફખાનને મક્કાથી અમદાવાદ બોલાવી, ‘નાયબે મુત્લક’નો ઇલકાબ આપી ઊંચા હોદ્દા પર નીમ્યો. તેણે બાર હજાર પરદેશી સૈનિકો(આરબો, હબસીઓ અને ફિરંગીઓ)નું સૈન્ય સુલતાનના રક્ષણ માટે રાખ્યું. સુલતાને હિંદુઓને ઘોડેસવારી કરવાની, હોળી અને દિવાળીના તહેવારો જાહેરમાં ઊજવવાની, મંદિરોમાં ઘંટ, નગારાં કે વાજાં વગાડવાની મનાઈ ફરમાવી. તેણે હિંદુઓ પાસેથી જાગીરો લઈ લીધી. આ રીતે હિંદુઓ ઉપર તેણે ત્રાસ ગુજાર્યો. તેણે મહેમદાવાદમાં રહેવાનું રાખી ત્યાં ઇમારતો બંધાવી તથા અમીરોને પણ ત્યાં વસવાટ કરવાની સુવિધા આપી. તેની સાલગિરાહની ઉજવણી દરમિયાન તેના નોકર બુરહાનુદ્દીને તેને ઝેર આપ્યું અને બેભાન થયેલા સુલતાનને ખંજર ભોંકી મારી નાંખ્યો.

જયકુમાર ર. શુક્લ