મહમ્મદ અલી (જ. 17 જાન્યુઆરી 1942, લુઈવિલ, કેન્ટકી, યુ.એસ.) : પોતાને ગર્વથી ‘સર્વશ્રેષ્ઠ’ ઘોષિત કરનાર વીસમી સદીનો નોંધપાત્ર, અમેરિકી હબસી મુક્કાબાજ. તે જન્મે ખ્રિસ્તી હતો. કૅસિયસ માર્સેલસ ક્લે, જુનિયર–નામધારી આ હબસી બાળકને મુક્કાબાજીમાં રસ પડ્યો. તેણે ઝડપથી તેમાં કૌશલ્ય કેળવ્યું. 1960માં રોમમાં ઑલિમ્પિક રમતોમાં લાઇટ-હેવી વેઇટમાં તેણે સુવર્ણચંદ્રક મેળવી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર સ્થાન મેળવ્યું. ફેબ્રુઆરી 1964માં ત્યારના વિશ્વશ્રેષ્ઠ સોની લિસ્ટનને પછાડીને તેણે મુક્કાબાજીનો વ્યવસાયરૂપે સ્વીકાર કર્યો. તે સાથે જ તેણે ઇસ્લામનો સ્વીકાર કરીને ‘મહમ્મદ અલી’ નામ ધારણ કર્યું. સોની સામેની તેની જીતને જોકે વર્લ્ડ બૉક્સિગં એસોસિયેશને માન્ય રાખી નહિ. 1965માં તેણે સોની તથા ફ્લૉઇડ પૅટરસનને હરાવ્યા. 1967માં તેણે અમેરિકી ધારા અનુસાર સૈનિક સેવા આપવા ઇસ્લામના નામે ના પાડી. આથી બધી અમેરિકી રમત-સંસ્થાઓએ તેના વિજયો અમાન્ય કર્યા. 1971માં અમેરિકી સર્વોચ્ચ ન્યાયાલયે અલીની ધાર્મિક બાધની દલીલ માન્ય રાખી. મુક્કાબાજીનાં વ્યાવસાયિક મંડળોના પ્રતિબંધ 1970માં ઉઠાવી લેવાયા. બીજે વર્ષે મહમ્મદ અલી જો ફ્રેઝિયર સામે લડ્યો, પણ હાર્યો. 1974માં જ્યૉર્જ ફૉરમૅનને હરાવી અલીએ શ્રેષ્ઠતાનું પદ પુન: પ્રાપ્ત કર્યું. 1978માં લિયૉન સ્પિંક્સે તેને હરાવ્યો; પણ પુન: સ્પર્ધામાં અલીએ સ્પિંક્સને હરાવ્યો. આ રીતે તેણે ત્રણ વાર શ્રેષ્ઠપદ ધારણ કરનાર એકમાત્ર ખેલાડીની સિદ્ધિ મેળવી. 1979ના અંતે તેની નિવૃત્તિ પછી તેની પુત્રી લયલા અલીએ જો ફ્રેઝિયરની પુત્રી જૅકી ફ્રેઝિયરને બૉક્સિગંની સ્પર્ધામાં પડકારી.

મહમ્મદ અલી સ્વભાવે બહિર્મુખી રહ્યો છે. તેની સિદ્ધિ માટે વિવેચકો તેની ચપળતા, સચોટ પદસ્થાપન, પ્રતિસ્પર્ધીની નબળાઈની પરખ, અજોડ આત્મવિશ્વાસ તથા ચિત્તાની જેમ ત્રાટકવાનું કૌશલ્ય જેવા તેના વિશિષ્ટ ગુણોને કારણભૂત ગણાવે છે. અલીની શૈલી જોકે રૂઢિભંજક રહી છે. તેની પ્રતિભા વિવિધરંગી છે. વિશ્વકક્ષાએ ત્રણ હાર સામે તેણે 22 જીત મેળવી છે.

બંસીધર શુક્લ