મહફૂજ, નજીફ (જ. 1911, જમાલિયા, ઇજિપ્ત) : 1988ના વર્ષના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકવિજેતા ઇજિપ્તવાસી નવલકથાકાર. સનદી અધિકારીના તેઓ સાતમા સંતાન હતા. 1934માં તેઓ કેરો યુનિવર્સિટીમાંથી ફિલસૂફીના વિષયમાં સ્નાતક થયા અને ઇજિપ્તની સનદી સેવાના સાંસ્કૃતિક વિભાગમાં જોડાયા અને 1971માં ત્યાંથી નિવૃત્ત થયા. તેઓ અરબી ભાષામાં લખે છે. તેમની બારેક નવલકથાઓના અંગ્રેજીમાં અનુવાદ થયા છે.

તેમની કૃતિઓની યથાર્થ ગુણવત્તા પ્રગટતાં 4 વર્ષ લાગ્યાં. પ્રારંભમાં તેમણે ‘અલ રિસાલા’ માટે પ્રાસંગિક લેખો લખ્યા અને પ્રાચીન ઇજિપ્ત વિશે અનુવાદ પ્રગટ કર્યા. ત્યારબાદ 1938માં તેમણે ટૂંકી વાર્તાઓ લખવા માંડી અને તેમાં તેમની ભાવિ પ્રતિભાનાં અણસાર અને આશા જન્મ્યાં. ‘ધ ગેમ ઑવ્ ફેથ’(1939)માં એક જુલમી અને નિરંકુશ રાજવીની કથા છે. એ સત્તાધીશે છેવટે લોકનિયુક્ત વ્યક્તિને સત્તા સોંપી દેવી પડે છે. ‘રદોપિસ’માં પણ પોતાના આનંદપ્રમોદ ખાતર લોકલ્યાણને વિસારે પાડનાર રાજવીનું કથાવસ્તુ છે. ‘ધ સ્ટ્રગલ ઑવ્ થીબ્ઝ’(1944)માં રાજા હિકૉઝના વર્ચસ્ હેઠળના ઇજિપ્તનું વર્ણન છે. 1945માં પ્રગટ થયેલ ‘ન્યૂ કેરો’માં ગરીબીમાં સબડતા લોકસમુદાય અને ભ્રષ્ટાચારમાં રાચતા સરકારી શાસન વચ્ચેનો વિસંવાદ છે.

નજીફ મહફૂજ

1946થી 1949માં પ્રગટ થયેલ ‘ખાન-અલ-ખલીલી’, ‘ઝોકક-અલ-મેદક’, ‘અલ સરાબ’ તથા ‘બદાયા-વા-નેહાયા’માં બીજા વિશ્વયુદ્ધ પછી ઇજિપ્તવાસીઓએ અનુભવેલ બૌદ્ધિક તથા લાગણીપરક સંઘર્ષ-સંવેદનાનું ચિત્રણ છે. 1949થી 1955 દરમિયાન તેમણે રચેલી નવલત્રયી ‘બૈન-અલ-કસૈન’, ‘કસ્ર-અશ-શૌક’ તથા ‘અલ- સુકારિયા’માં તેમના શૈશવ-જીવનનું ચિત્રણ છે. થોડાં વર્ષો ચિંતન નિમિત્તે તેઓ લેખનક્ષેત્રે નિષ્ક્રિય બની રહ્યા. તે પછી તેમણે ‘ઔલાદ હર્તેના’(‘ધ ચિલ્ડ્રન ઑવ્ અવર ઍલી’)નું સર્જન કર્યું. આકૃતિ તેમની શૈલીના આમૂલ પરિવર્તન તથા પ્રતીકવાદના પ્રારંભ માટે નોંધપાત્ર નીવડી.

તે પછી આવે છે ‘અલ-લિસ વલ કિલાબ’ (‘ધ થીફ ઍન્ડ ધ ડૉગ્ઝ’) (1982). તેમાં સામાજિક અન્યાય તથા તેના કારણે માનવીના વ્યક્તિત્વને ભરખી ખાતી ગુનાખોરીની વિષયછણાવટ છે. ‘અલ સેમાન વલ-ખલીફ’માં ફરીથી તેઓ રાજકારણ અને જુલાઈ 1982ની ક્રાંતિનો વિષય છેડે છે. ક્રાંતિના પરિણામે ઉદભવેલાં સામાજિક પરિવર્તન તથા લોકમાનસ પરત્વેની તેની વિવિધ-વ્યાપક અસર આલેખવામાં તેમણે સારી સૂઝ અને સમજ દાખવ્યાં છે.

તેમની કેટલીક ખ્યાતનામ કૃતિઓમાં ‘અલ કર્નાક’ (1974) નોંધપાત્ર છે; તેમાં 1967 પૂર્વેની લશ્કરી જાસૂસી પ્રથાનો નવતર વિષય છે અને તેના પરથી ખૂબ લોકપ્રિય ચલચિત્ર બન્યું હતું. ‘અલ હરફીશ’ એ તેમની તાજેતરની નવલકૃતિ છે; 10 ભાગની આ મહાકાવ્યોચિત કથામાં ઇજિપ્તવાસી શ્રમજીવી વર્ગના સંઘર્ષનું રસપ્રદ ચિત્રણ છે. 1985માં પ્રગટ થયેલ ‘ધ ડે ધ લીડર ડાઇઝ’ પણ ખૂબ લોકપ્રિય નીવડેલી નવલકથા છે.

ઇજિપ્તના સાહિત્યજગતના તેઓ પિતામહ ગણાય છે. ભાષાવિષયક બાધાને કારણે મધ્યપૂર્વ સિવાય બહારના જગતમાં તેઓ અલ્પપરિચિત રહ્યા છે, પણ ઇજિપ્તની શેરીઓનાં પાત્રો-પ્રસંગોના અતિવાસ્તવિક આલેખનને કારણે મધ્યપૂર્વમાં તો તેમનું નામ ઘેર ઘેર જાણીતું છે.

પ્રસંગોપાત્ત, તેઓ વિવાદનું કેન્દ્ર બન્યા છે. ‘ધ ચિલ્ડ્રન ઑવ્ ગેબેલાવી’ જેવી રૂપકકથાત્મક નવલકથાના પ્રકાશન નિમિત્તે તેમને ઇસ્લામી સિદ્ધાંતવાદીઓ સાથે ટકરાવ થયો હતો. તેમની કથામાં ઈશ્વર, મુહંમદ, જિસસ તથા મોઝિઝ જેવાં પાત્રો નિરૂપાયાં છે.

એશિયાની ભાષામાં લખીને નોબેલ પુરસ્કાર મેળવનારા તેઓ ત્રીજા લેખક છે (અન્ય 2 તે રવીન્દ્રનાથ ટાગોર, 1913, અને યાસુનારી કાવાબાતા, 1968). સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનારા તેઓ બીજા આફ્રિકાવાસી લેખક છે. (પ્રથમ હતા વૉલ સૉયિન્કા, નાઇજીરિયા, 1968). તેમણે ક્યારેક વાસ્તવલક્ષી અને ક્યારેક સંદિગ્ધ બની રહેતી અર્થ અને ભાવની છટાથી ભારોભાર સંપન્ન બનેલી રચનાઓ દ્વારા અરબી ભાષામાં ઉપસાવેલી વર્ણનાત્મક કથનકળા તાત્વિક રીતે સમગ્ર માનવજાતને સ્પર્શી શકી છે.

મહેશ ચોકસી