મહત્ – મહાન્ : સાંખ્યદર્શનમાં બુદ્ધિવાચક શબ્દ. બાહ્ય જગતની દૃષ્ટિએ એ વિરાટ-બીજ છે તેથી તેને મહતત્વ કહે છે. આભ્યંતરિક દૃષ્ટિએ આ એવી બુદ્ધિ છે જે જીવમાત્રમાં વિદ્યમાન રહે છે. અને તે જ્ઞાતા-જ્ઞેયના અન્યોન્ય ભેદાભેદનો નિશ્ચય અને નિર્ણય કરે છે. સાંખ્યદર્શન અનુસાર સૃષ્ટિ-પ્રક્રિયાનું મુખ્ય કારણ મહત્ જ છે. તદનુસાર પ્રકૃતિ અને પુરુષના સંયોગથી પ્રકૃતિમાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે અને તેની સામ્યાવસ્થા તૂટી જાય છે. આ વિક્ષોભ સ્થિતિને ગુણક્ષોભ કહેવામાં આવે છે. આ પ્રકૃતિ વિકૃતિનું રૂપ લેવા લાગે છે અને પ્રકૃતિનો પહેલો વિકાર મહત્ કે બુદ્ધિ રૂપે ઉદભવે છે. આ બુદ્ધિમાંથી અહંકાર પ્રગટે છે. સાત્વિક અહંકારમાંથી અગિયાર ઇંદ્રિયો (પાંચ જ્ઞાનેંદ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન) તામસ અહંકારમાંથી પાંચ તન્માત્રાઓ ઉદભવે છે અને રાજસ અહંકારથી ઉપરોક્ત બંને અહંકારોને પુષ્ટિ મળ્યા કરે છે. આ રીતે મહતમાંથી સૃષ્ટિપ્રાકટ્યની પ્રક્રિયા થયા કરે છે.

પ્રવીણચંદ્ર પરીખ