મહંત, કેશવ (જ. 1926, મિજિકાજન ચા-બગીચા, શોણિતપુર, આસામ) : અસમિયા કવિ. તેમને ‘મોર જે કિમાન હેયાહ’ નામક ગીત-સંગ્રહ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો 1993ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. શાળાના વિદ્યાર્થીકાળ દરમિયાન 1930ના દશકામાં તેમણે વાર્તાઓ લખવાથી શરૂઆત કર્યા પછી કવિતા તથા ગીતો લખવા માંડ્યાં. અસમિયાના શંકરદેવ, લક્ષ્મીનાથ બેજબરુઆ, જ્યોતિપ્રસાદ અગ્રવાલ તથા વિષ્ણુપ્રસાદ જેવા ધુરંધર સાહિત્યકારો ઉપરાંત ટાગોર, ફૈઝ, ચેખૉવ તથા નેરુદા જેવા ભારતીય તથા વિદેશી સર્જકો તેમને અતિ પ્રિય હતા. 40 ઉપરાંત આસામી ફિલ્મો માટે ગીતો લખનાર મહંત વ્યવસાયે શિક્ષક, સંપાદક તથા ગીતલેખક તરીકે સતત પ્રવૃત્ત રહ્યા હતા. તેમને લોકસંગીત, શાસ્ત્રીય સંગીત તેમજ હબસી પ્રજાનું આધ્યાત્મિક સંગીત વિશૅરા પ્રિય છે.
તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આમાર પૃથ્વી’ 1946માં પ્રગટ થયો. તે પછી પ્રકાશિત થયેલા 3 કાવ્યસંગ્રહો પૈકી ‘તોમાર તેજ’ બદલ તેમને ‘રઘુનાથ ચૌધરી’ પુરસ્કાર મળ્યો હતો. તેમણે બાળનાટક તથા બાળ-ગીતો પણ લખ્યાં છે. તેમણે રવીન્દ્રનાથ, તારાશંકર તથા પરિચા પટનાયકની કૃતિઓના અનુવાદ પણ કર્યા છે.
ઉદાર માનવતાવાદી અભિગમ ધરાવનાર આ સાહિત્યકાર જીવનનાં વિધેયાત્મક મૂલ્યોના પુરસ્કર્તા છે. 1992માં પ્રકાશિત થયેલા આ પુરસ્કૃત ગીતસંગ્રહમાં પોતાના જનસમાજના કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા ભારોભાર ગૂંથાયેલી છે. લોકવિદ્યાઓ તથા લોકભાગ્ય રૂઢિપ્રયોગોનો કૌશલ્યપૂર્વક ઉપયોગ, યુગોજૂની શાંતિપૂર્ણ અસમિયા સંસ્કૃતિનું ગુણકીર્તન, સાંપ્રત સમસ્યાઓ પરત્વે સૂક્ષ્મ સૂઝ તથા તેના પ્રતિકાર માટે કવિસંકલ્પનું કાવ્યાલેખન જેવી ખાસિયતોના પરિણામે આ કૃતિ અસમિયા ભાષામાં ઉલ્લેખનીય બની છે.
મહેશ ચોકસી