મસ્નવી : એક કાવ્યપ્રકાર. તે ઉર્દૂ ઉપરાંત ફારસી, તુર્કી તથા એ ભાષાઓથી પ્રભાવિત થયેલી બીજી ભારતીય ભાષાઓમાં પ્રચલિત છે. ‘મસ્નવી’ શબ્દ અરબી છે અને તે ‘સના’ ઉપરથી બન્યો છે. અરબીમાં ‘સના’નો અર્થ બે થાય છે. મસ્નવી કાવ્યપ્રકારમાં દરેક પંક્તિ(બૈત)ના બે ભાગ (મિસરાઓ) સપ્રાસ હોય છે; પરંતુ ગઝલ, કસીદા વગેરેની જેમ દરેક પંક્તિ સપ્રાસ હોતી નથી. મસ્નવી સિવાયના કાવ્યપ્રકારોમાં પંક્તિના બંને ભાગોનું સપ્રાસ હોવું જરૂરી હોતું નથી અને માત્ર મસ્નવીમાં હોય છે માટે તેને ‘મસ્નવી’ નામ આપવામાં આવ્યું છે. મસ્નવી વૃત્તાંત-કાવ્યનો એક પ્રકાર છે, જેમાં વિષય કે પંક્તિઓની સંખ્યા બાબતમાં કોઈ બંધન કે મર્યાદા હોતાં નથી. ગમે તે વિષય ઉપર ગમે તેટલી પંક્તિઓ લખી શકાય છે. આ કાવ્યપ્રકારમાં દરેક વાતને બધી જ વિગતો સાથે લંબાણપૂર્વક વર્ણવવાની તક મળે છે અને તેમાં વર્ણન સુસંકલિત હોય છે. મસ્નવીની રચના કરતા પહેલાં તેના વિષયની રૂપરેખા અને પ્રસંગોની વિગતો ધ્યાનમાં હોવી જરૂરી છે અને પછી સાતત્ય જળવાઈ રહે એ રીતે વર્ણન કરવાનું હોય છે. મસ્નવીમાં ધર્મ, નીતિ, પ્રેમ, ઇતિહાસ, યુદ્ધ, મનોરંજન, લૌકિક અને અલૌકિક વિષયો વગેરેનો સમાવેશ થઈ શકે છે. તેનું વિષયવર્તુલ બહુ વિશાળ અને વ્યાપક છે. દુનિયાની લગભગ બધી ભાષાઓમાં પ્રારંભિક સાહિત્યકૃતિઓ એક પ્રકારની રહી છે અને રાષ્ટ્રીય ભાવનાઓ કે શૌર્યગાથાઓને લાંબાં મહાકાવ્યોમાં વર્ણવવામાં આવી છે. ફારસી ભાષામાં શરૂઆતથી જ આ પ્રકારના વર્ણન માટે મસ્નવીનો ઉપયોગ થયો હતો. ફારસી ભાષામાં કવિ ફિરદૌસીનું ‘શાહનામા’, મૌલાના જલાલુદ્દીન રૂમીનું ‘મસ્નવીએ મઅનવી’ અને શેખ સાદીનું ‘બૂસ્તાન’ મસ્નવી પ્રકારનાં કાવ્યોના શ્રેષ્ઠ નમૂના છે. ભારતમાં ઉર્દૂ ભાષામાં ફારસી મસ્નવીનું અનુકરણ શરૂઆતથી જ થયું છે. ઉર્દૂમાં પ્રારંભમાં સૂફીવાદ તથા પ્રેમ-વિષયક મસ્નવીઓ લખાઈ હતી. અશરફ બ્યાબાને (1459–1528) કરબલાના પ્રસંગો ઉપર ‘નવસરહાર’ નામનું પહેલવહેલું મસ્નવી-કાવ્ય 1503માં લખ્યું હતું. દક્ષિણ ભારત(દક્કન)માં રચાયેલાં મહત્વનાં મસ્નવી-કાવ્યો આ પ્રમાણે છે : મુલ્લા વજ્હી(અ. 1659)નું ‘કુતુબ મુશતરી’, ઇબ્ને નિશાતી(અ. 1655)નું ‘ફૂલબન’; મનોહર અને મધુમાલતીની પ્રેમકથા ઉપર આધારિત કવિ નુસ્રતી(અ. 1674)નું ‘ગુલશને ઇશ્ક’ તથા ‘અલી-નામા’, ગુજરાતમાં પ્રાચીન ઉર્દૂ અથવા ગૂજરી-ઉર્દૂમાં મસ્નવી રચનાની ઉત્કૃષ્ટ પરંપરાનો પાયો શેખ બાજને (અ. 1506) નાંખ્યો હતો. તેમનાં અન્ય કાવ્યો ઉપરાંત ‘સાડી વ પિશ્વાઝ’ નામે એક મસ્નવી-કાવ્ય પણ મળે છે. અમદાવાદના સૂફી કવિ ખૂબ મુહમ્મદ ચિશ્તી(અ. 1614)એ ‘ખૂબ તરંગ’ નામનું કાવ્ય લખીને મસ્નવી-રચનામાં એક નવી ભાત પાડી હતી. ગોધરાના વતની અમીન ગુજરાતીએ ‘1697માં ‘યૂસુફ ઝુલૈખા’ નામની મસ્નવી લખીને ગૂજરી ઉર્દૂને શ્રેષ્ઠતાના શિખરે પહોંચાડી હતી. ઉત્તર ભારતમાં મીર તકી મીર (અ. 1810) અને મસહફી(અ. 1824)એ મસ્નવી કાવ્યપ્રકારનો ઉપયોગ સામાજિક વિષયોના વર્ણન માટે કરી બતાવ્યો. તેમના પછી મીર હસન(અ. 1786)ની મસ્નવી ‘સેહર-અલ-બયાને’; પંડિત દયાશંકર નસીમ(અ. 1843)ની મસ્નવી ‘ગુલઝારે નસીમે’ ઘણી નામના મેળવી હતી. આધુનિક યુગમાં અલતાફહુસેન હાલી(અ. 1914)એ બે મસ્નવી-કાવ્યો ‘મદ્દોજઝરે ઇસ્લામ’ અને ‘મુનાજાતે બેવા’ લખીને અને ઇસ્લાઇલ મેરઠી(અ. 1917)એ બાળકો માટે બોધવિષયક મસ્નવી-કાવ્યો લખીને ઉર્દૂ સાહિત્યમાં મસ્નવી-કાવ્યોમાં નોંધપાત્ર ઉમેરો કર્યો. કવિ ઇકબાલે (અ. 1938) વિવિધ વિષયો ઉપર ટૂંકાં મસ્નવી-કાવ્યો લખવાનો સફળ પ્રયોગ કરી બતાવ્યો. ઉર્દૂમાં પ્રશિષ્ટ શૈલીમાં હફીઝ જાલંધરી(અ. 1982)એ ‘શાહનામએ ઇસ્લામ’ નામનું એક લાંબું મસ્નવી-કાવ્ય લખ્યું, જે અજોડ કૃતિ ગણાય છે; ઉર્દૂમાં મસ્નવી-કાવ્યોએ ભાષાને સમૃદ્ધ કરી છે. તો સાથે સાથે ધૈર્ય સાથે વાંચનારાઓ માટે રસપ્રદ વાચન-સામગ્રી પણ પૂરી પાડી છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી