મસ્તિષ્કી સપૂયગડ (cerebral abscess) : મગજમાં ગૂમડું થવું તે. મગજમાં પરુ કરતો ચેપ લોહી દ્વારા, આસપાસના અવયવોમાંથી કે ઈજા પછી ફેલાય છે. આશરે 20 % દર્દીઓમાં તેનું મૂળ કારણ જાણી શકાતું નથી. મધ્યકર્ણમાં લાગેલો ચેપ કે ચહેરાના હાડકાનાં અસ્થિવિવરો(sinuses)માંનો ચેપ સીધેસીધો કે તેમની નસો દ્વારા અવળા માર્ગે મગજમાં પહોંચે છે. ઈજા દ્વારા ક્યારેક સીધેસીધો ચેપ પણ મગજને અસર કરે છે. હૃદયમાં કે ધોરી નસોમાં જન્મજાત વિષમ પ્રકારનાં છિદ્રો હોય અને શરીરમાંથી પાછું આવતું અને શરીરમાં ધકેલાતું લોહી મિશ્રણ પામે તો શરીરના અન્ય અવયવોનો ચેપ પણ મગજમાં ગૂમડું કરે છે. જે સ્થળેથી ચેપ આવતો હોય તે પ્રમાણેના સૂક્ષ્મજીવોનો ચેપ લાગે છે. જેમ કે મધ્યકર્ણમાંથી ફેલાતા ચેપમાં અજારક (anaerobic) સ્ટ્રેપ્ટોકોકાઈ, હીમોફિલસ અને ગ્રામ-અનાભિરંજિત અજારક સૂક્ષ્મજીવો (gram-negative anaerobes) વડે ઉદભવે છે. ચહેરાનાં અસ્થિવિવરોમાંથી આવતો ચેપ સ્ટ્રેપ્ટોકોક્સ મિલેરી અને સ્ટેફાયલોકોકાઈ નામના જીવાણુઓવાળો હોય છે. માથાને થતી ઈજા પણ સ્ટેફાયલોકોક્સ જીવાણુવાળો ચેપ કરે છે. લોહીના ભ્રમણ એટલે કે રુધિરાભિસરણ દ્વારા શરીરમાંથી આવતો ચેપ વિવિધ સૂક્ષ્મજીવોને લાવે છે. ગૂમડું થવાને કારણે ખોપરીમાંનું દબાણ વધે છે તથા મગજનાં આવરણોમાં સોજો આવે છે. ક્યારેક મગજના જે તે વિસ્તારને અનુરૂપ લક્ષણો થઈ આવે છે. ચેપને કારણે દર્દીને તાવ આવે છે. તેની તબિયત ઝડપથી બગડે છે. સી. એ. ટી. સ્કૅનમાં તથા એમ. આર. આઈ.માં સુરેખ, સમરૂપ (symmetrical) અને વધુ ગાઢ વીંટી આકારની કિનારીવાળા પરંતુ આછી છાયા પાડતા અને આસપાસ વધતો-ઓછો સોજો કરતા વિસ્તારો જોવા મળે છે. ચહેરા અને કાનને દર્શાવતાં ઍક્સ-રે-ચિત્રણોમાં અસ્થિવિવરો અને કાનની પાછળ આવેલા કર્ણમૂળ(mastoid)-વિસ્તારો પણ ચેપજન્ય શોથ(inflammation)થી આવતા સોજાને કારણે ગાઢા બને છે. લોહીમાં શ્વેતકોષો વધે છે અને લોહીનો રુધિરઠારણ-દર (erythrocyte sedimentation rate, ESR) પણ વધે છે. લોહીમાં સી-પ્રતિક્રિયક પ્રોટીનનું સ્તર સામાન્ય રહે છે. સી. એ. ટી. સ્કૅન, ઍન્ટિબાયૉટિક્સ અને મેટ્રોનિડેઝલ જૂથનાં ઔષધો તથા ત્રિપરિમાણી શસ્ત્રક્રિયા(stereotactic surgery)ની શોધે મૃત્યુદરને 40 % સુધી ઘટાડી નાંખ્યો છે. ગૂમડું કરતા જીવાણુને ઓળખી કાઢીને તેની ચોક્કસ ઍન્ટિબાયૉટિક વડે સારવાર કરાય છે, ગૂમડાને કાપી કઢાય છે અથવા તેનું પરુ બહાર કાઢી નંખાય છે. જો ગૂમડું થયા પહેલાંની ઉગ્ર ગુરુમસ્તિષ્કશોથ (cerebritis)ની સ્થિતિ હોય તો તે સમયે શસ્ત્રક્રિયા કરાતી નથી. મગજ પરનો સોજો અને ખોપરીમાંનું દબાણ ઘટાડવા માટે સ્ટીરૉઇડ અપાય છે, પરંતુ તેને કારણે ગૂમડા આસપાસની દીવાલ બનતી અટકે છે. નાના ગૂમડાને દવાથી મટાડાય છે, પરંતુ મોટા ગૂમડા માટે શસ્ત્રક્રિયા આવશ્યક થાય છે. જો પરુ કાઢ્યા પછી વારંવાર પરુ ભરાયા કરે તો શસ્ત્રક્રિયા કરવી જ પડે છે. સપાટી પાસેના, સહેલાઈથી પહોંચી શકાય એવા અને દીવાલવાળા ગૂમડાને કાઢી નાંખવું સરળ છે. જ્યાં સુધી ફરી ફરીને પરુ ભરાય નહિ ત્યાં સુધી સી. એ. ટી. સ્કૅનની તપાસ કરાય છે. આ દર્દીઓને આંચકી આવવાની તકલીફ રહેતી હોવાથી તેની સારવાર અચૂક કરાય છે.

દીપક ડી. પટેલ

શિલીન નં. શુક્લ