મસ્તફકીર (જ. 1896, રાજકોટ; અ. 10 નવેમ્બર 1955) : ગુજરાતી હાસ્યલેખક. મૂળ નામ હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ. તેમણે ‘બંડખોર’, ‘લખોટો’ અને ‘લહિયો’ તખલ્લુસથી પણ સાહિત્યસર્જન કર્યું છે. તેમનું વતન ચાવંડ હતું. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદ, ભાવનગર અને મુંબઈમાં લીધું હતું. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. 1914થી 1917 દરમિયાન તેમણે ‘અખબારે સોદાગર’ નામે વર્તમાનપત્રમાં કાર્ય કર્યું હતું અને 1921થી તેઓ ‘પ્રજામિત્ર પારસી’ના ઉપતંત્રી બન્યા હતા.

મસ્તફકીર

‘મસ્તફકીરની મસ્તી’ (1926), ‘મસ્તફકીરનો હાસ્યભંડાર’ (1927), ‘મસ્તફકીરનો હાસ્યવિલાસ’ (1932), ‘મસ્તફકીરનું મુક્ત હાસ્ય’ (1932), ‘મસ્તફકીરનાં હાસ્યછાંટણાં’ (1938), ‘મસ્તફકીરનાં હાસ્યરત્નો’ (1944), ‘મારી પડોશણ’ (1952), ‘મંછુલાલા’ (1953) વગેરે તેમની હળવાં નિબંધ, વાર્તા કે પ્રસંગકથાની રચનાઓ છે. ‘મણિયો’ (1934), ‘ઉંદરમામા’ (1941) અને ‘શાણો શિયાળ’ (1943) એ તેમનાં બાલવાર્તાનાં પુસ્તકો છે. ‘પતંગિયું’ (1933) એ દેશવિદેશના પ્રવાસ દરમિયાન સ્ત્રીઓના મનને આકર્ષતા લહેરી સ્વભાવના કથાનાયકને લગતી નવલકથા છે.

‘મસ્તફકીરનાં હાસ્યછાંટણાં’માંના 19 લેખોમાંથી લગભગ અડધા સાધારણ કક્ષાના છે. ‘કીકો કજિયે ચડે ત્યારે’ તથા ‘રહી ગયા’ જેવા લેખોમાંનાં શબ્દચિત્રોમાં હાસ્યના અંશો ઠીક ઠીક જળવાયા છે. ‘જીવનાધારવિહોણી’, ‘શ્રીમંતાઈના શાપ’, ‘વીજળીના ચમકારા’ તથા ‘બહેનનો ભાઈ’ જેવા લેખોમાં વાર્તાતત્વ આગળ પડતું છે. ‘મસ્તફકીરનું મુક્ત હાસ્ય’માંના ‘ગુંદરિયા’, ‘ભજ કલદારં’, ‘ઉંદરિયાં’ તથા ‘પાટિયાં અને તેના વાંચનારાઓ’ જેવા હળવી શૈલીના નિબંધો તેમની હાસ્યશક્તિનો સારો પરિચય કરાવે છે. લેખકની ચકોર ર્દષ્ટિએ મુખ્યત્વે મુંબઈ અને તેમાં વસતા મધ્યમ વર્ગના ગુજરાતી જીવનની હળવી બાજુ નિહાળી છે અને નિરૂપી છે; એમનું સંસારનિરીક્ષણ સારું છે.

લેખકની અવલોકનશક્તિ તીવ્ર છે, કલ્પના વેગવતી છે, વાસ્તવિક જીવનનાં વિચિત્રતાયુક્ત અને અત્યુક્તિભર્યાં ચિત્રો સર્જવાની શક્તિ પણ છે, તેમ છતાં પ્રસંગોચિત સંસ્કારી શૈલીના અભાવે એ પૂરતા સફળ નીવડી શક્યા નથી.

એમનું હાસ્ય બુદ્ધિલક્ષી નહિ, પરંતુ વિચિત્ર પરિસ્થિતિમાંથી જન્મતું, પ્રસંગલક્ષી અને સ્થૂળ છે. કેટલીક વાર તો બિંદુનો સિંધુ કરે તેવી અતિશયોક્તિ કરીને તેઓ અટ્ટહાસ્ય ઊભું કરે છે; તેથી એ પરિહાસ પ્રકારનું હાસ્ય બની રહે છે. સામાન્ય જનસમુદાયની હાસ્યવૃત્તિ સંતોષવા ખાતર તેઓ ઘણી વાર ઉચ્ચ ભૂમિકાએથી સરકીને નીચે આવી જાય છે. ‘કેળાંવાળી’, ‘વાઘરણ વીરી’ અને ‘પાનવાળો’ જેવાં નર્મપ્રધાન રેખાચિત્રો, ‘મસ્તફકીરની મસ્તી’માંના ‘દાઢી રાખો’, ‘પાપા નગરના પોચા’ અને ‘બોડકું માથું’ એ ત્રણ લેખો ઉપરાંત ‘ફરમાસુ ભેજું’, ‘અમે પણ આખલો આપ્યો’ જેવાં પ્રસંગચિત્રો નોંધપાત્ર છે. અલબત્ત, એમના લેખોમાં હાસ્યની માત્રા એકસરખી જળવાઈ રહેતી નથી. એકંદરે જોતાં, પોતાના સમયમાં એક મોટો ચાહક અને વાચક વર્ગ તેઓ ધરાવતા હતા એ એમનું જમા પાસું છે.

નરોત્તમ વાળંદ