મસ્કોવાઇટ (muscovite) : અબરખ સમૂહનું ખનિજ. ફાયલોસિલિકેટ. આર્થિક ર્દષ્ટિએ ઉપયોગી અબરખપ્રકાર. તે શ્વેત-અબરખ અથવા પોટાશ-અબરખ તરીકે પણ ઓળખાય છે. રાસા. બં. : KAl2 (AlSi3)O10(OH, F)2. Si4O10 રચનાત્મક માળખામાં Al સિલિકોનથી વિસ્થાપિત થાય છે. Kની જગાએ Na, Ba અને Rbનું ગૌણ પ્રમાણ આવી શકે છે; Alની જગાએ એ જ રીતે Mg, Fe´´, Fe´´´, Mn, Cr આવી શકે છે; OHની જગાએ Fનું ગૌણ પ્રમાણ આવી શકે છે. સ્ફ. વ. : મૉનોક્લિનિક. મોટાભાગના મસ્કોવાઇટને બે પડવાળી મૉનોક્લિનિક રચના હોય છે, કેટલાકને એક પડવાળી મૉનોક્લિનિક રચના હોય છે અથવા ત્રણ પડવાળી હેક્ઝાગૉનલ પ્રકારની રચના પણ હોઈ શકે છે. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટેભાગે મેજ આકારના, તેમનો આડછેદ ષટ્કોણીય કે ચતુષ્કોણીય. પત્રબંધ રચનાવાળું, ભીંગડાં જેવું દળદાર પણ હોય; સૂક્ષ્મ સ્ફટિકમય કે ઘનિષ્ઠ દળદાર પણ હોય (સેરિસાઇટ); તારક આકૃતિ જેવું કે ગોળાકાર સમૂહોમાં પણ મળે ખરું.

યુગ્મતા : (001) ફલક પર સામાન્ય. પારદર્શકથી પારભાસક. સંભેદ : (001) પૂર્ણ-બેઝલ સંભેદ. ભંગસપાટી : શક્યતા તદ્દન ઓછી. પડ નમનીય અને સ્થિતિસ્થાપક, ર્દઢ. ચમક : મોતી જેવી, ક્યારેક રેશમી કે કાચમય. રંગ : મુખ્યત્વે રંગવિહીન; તે સાથે રાખોડી, લીલા, પીળા, કથ્થાઈ, જાંબલી રંગની જુદી જુદી ઝાંયવાળા. રંગ પણ દેખાય. ગુલાબી, લાલ, માણેક જેવા ઘેરા લાલ રંગમાં પણ મળે. ચૂર્ણરંગ : રંગવિહીન. કઠિનતા : 2.5, (001)ને સમાંતર; 4, (001)ની લંબ દિશામાં પરંતુ સામાન્યત: 2થી 2.5 ગણાય છે. વિ. ઘ. : 2.77થી 2.88, સામાન્યત: 2.7થી 3.1. પ્રકા. અચ. : α = 1.552થી 1.574, β =1.582થી 1.610, γ = 1.587થી 1.616. પ્રકા. સંજ્ઞા : –Ve, 2V = 30°થી 47°.

મસ્કોવાઇટ

પ્રાપ્તિસ્થિતિ : જુદી જુદી ભૂસ્તરીય પરિસ્થિતિ હેઠળ તૈયાર થયેલા જુદા જુદા પ્રકારના ખડકોમાં મળે છે; તે ખાસ કરીને ગ્રૅનાઇટ, ગ્રૅનાઇટ-પેગ્મેટાઇટમાં વધુ જોવા મળે છે; ફિલાઇટ, સ્લેટ, સિસ્ટ, નાઇસમાં પણ મળે. કણજન્ય મસ્કોવાઇટ રેતીખડકોમાં જળવાયેલું મળે છે.

પ્રાપ્તિસ્થાનો : તે ભારત, રશિયા, કૅનેડા, નૉર્વે, સ્વીડન, ઑસ્ટ્રિયા, ગ્રીનલૅન્ડ, યુ. એસ., બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને માડાગાસ્કરમાંથી મળે છે. ભારતનાં બિહાર, રાજસ્થાન, આંધ્ર રાજ્યોમાં આર્થિક ર્દષ્ટિએ ઉપયોગી મસ્કોવાઇટ પેગ્મેટાઇટ ખડકો સાથે સંકળાયેલું મળે છે. ભારતની નેલોરની ઇનીકુર્તી ખાણમાંથી 5 મીટર લંબાઈ અને 3 મીટર વ્યાસ ધરાવતો, રાક્ષસી કદનો સ્ફટિક મળેલો છે.

ગિરીશભાઈ પંડ્યા