મસ્કાવા તોશીહિડે (જ. 7 ફેબ્રુઆરી 1940, જાપાન) : જાપાની સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2008ના નોબેલ પુરસ્કારના વિજેતા. ભૌતિકવિજ્ઞાનનો આ પુરસ્કાર તેમને મકોટો કોબાયાશી અને યોઇચિરો નાન્બુની ભાગીદારીમાં મળ્યો છે.
તેઓ આઇચી પ્રિફેક્ચર(Aichi Prefecture)ના વતની છે. 1962માં તેઓ નગોયા (Nagoya) યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. 1967માં તે જ સંસ્થામાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તે હાલમાં ક્યોટો સેન્ગ્યો (Sangyo) યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ક્યોટો યુનિવર્સિટીમાં સમ્માનિત (emeritus) પ્રાધ્યાપક છે.
ઉચ્ચ-ઊર્જા ભૌતિકવિજ્ઞાન એ તેમનું સંશોધન છે. તેઓ વિદ્યુતભાર સંયુગ્મન (conjugation) સમતા ઉલ્લંઘન(CP-violation)ના કાર્ય માટે ખાસ ખ્યાતનામ છે. તેમનો મકોટો કોબાયાશી (Mokoto Kobayasho) સાથે તૈયાર કરેલ સંશોધનલેખ ‘CP violation’માં ‘Re-normalizable Theory of Weak Interaction’ આજ સુધી ઉચ્ચ-ઊર્જા ભૌતિકવિજ્ઞાનમાં થયેલા સંશોધનલેખોમાં ત્રીજા ક્રમનું અધિકૃત સ્થાન ધરાવે છે. CP એવી ક્રિયા છે જે અરીસા વડે થતી હોય તેવી લાગે છે; જેમાં પ્રત્યેક કણ તેના પ્રતિકણ (antiparticle) તરીકે પરાવર્તિત થાય છે. ઘણી ઓછી ભૌતિક અસરો જોવા મળી છે, જેમાં CP-નિશ્ચરતા(invariance)નું ઉલ્લંઘન થાય છે. કૅથોન (મૂળભૂત કણ) ક્ષયની મંદ આંતરક્રિયામાં હજારે એક CP-ઉલ્લંઘન જોવા મળે છે. મસ્કાવાનું આ સંશોધન વૈશ્વિક સ્થાન ધરાવે છે.
પ્રહલાદ છ. પટેલ