મસાણી, મીનુ (મિનોચર)

January, 2002

મસાણી, મીનુ (મિનોચર) (જ. 20 નવેમ્બર 1905, મુંબઈ; અ. 28 મે 1998, મુંબઈ) : પીઢ સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી સાંસદ. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા. ઇંગ્લૅંડથી બાર-ઍટ-લૉ થયા બાદ ભારત આવી સમાજવાદી પક્ષમાં જોડાયા. સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લઈ 1932 અને 1933માં નાસિકમાં કારાવાસ ભોગવ્યો. ત્યારબાદ ટૂંકા સમય માટે ટાટા જૂથમાં જોડાયા, પરંતુ 1942ની ‘હિંદ છોડો’ લડતમાં ભાગ લેવા માટે તે નોકરી છોડી દીધી.

મીનુ (મિનોચર) મસાણી

તેઓ 1933થી ’45 દરમિયાન મુંબઈ નગરપાલિકાના સભ્યપદે રહ્યા; અને 1943થી ’44 દરમિયાન તેનું નગરપતિપદ પણ શોભાવ્યું. વળી કૉંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના સાથે તેઓ તેના સહમંત્રી બન્યા. 1938માં આ પક્ષના લાહોર અધિવેશનના તેઓ પ્રમુખ નિમાયા.

1945થી ’47 દરમિયાન મુંબઈ મતદાર વિસ્તારમાંથી ડૉ. ગોપાલરાવ દેશમુખ સાથે ઇન્ડિયન લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીના સભ્ય ચૂંટાયા, જે આઝાદી બાદ બંધારણ સભામાં રૂપાંતર પામેલી અને તેથી તેમણે 1947–48માં બંધારણ સભાના સભ્ય તરીકે કામગીરી બજાવેલી. આને અનુષંગે તેમણે મૂળભૂત અધિકારોની તથા કેન્દ્ર સરકારની સત્તાઓ અંગેની પેટા સમિતિઓમાં પણ સક્રિય સેવાઓ આપી હતી.

સ્વતંત્રતા બાદ, 1948માં તેઓ બ્રાઝિલ ખાતે ભારતના રાજદૂત નિમાયા. ભારતના સ્વાતંત્ર્ય ઉપર ઝળૂંબતા ભય અંગે જાગૃતિ આણવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી તેમણે ડેમૉક્રૅટિક રિસર્ચ સર્વિસની સ્થાપના કરી. આવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોવા છતાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું તેઓ ચૂક્યા નહોતા. 1953–54માં ઇન્ડિયન નૅશનલ થિયેટરના પ્રમુખ બની તે સંસ્થાની પ્રવૃત્તિઓ વિકસાવવામાં તેમણે રસ દાખવ્યો. સંયુક્ત રાષ્ટ્રસંઘના લઘુમતીઓ અંગેના પેટા પંચમાં ભારત સરકારે તેમની નિમણૂક કરેલી, જે દરમિયાન સોવિયેત સંઘમાં લઘુમતીઓ પર થતા અતિરેકો પરત્વે તેમણે પંડિત નહેરુ અને અન્ય અગ્રણીઓનું ધ્યાન દોર્યું. આવાં કારણોથી સમાજવાદ અંગેની તેમની નિષ્ઠા ડોલવા લાગી. આ ગાળા દરમિયાન સમાજવાદના વિચારોને તિલાંજલિ આપતો તેમનો ગ્રંથ ‘સોશિયાલિઝમ રીકન્સિડર્ડ’ પ્રગટ થયો.

1957માં અપક્ષ ઉમેદવાર તરીકે બિહારના રાંચી મતવિસ્તારમાંથી તેઓ લોકસભામાં ચૂંટાયા અને 1971 સુધી સાંસદ રહ્યા. સમાજવાદ અંગેના વિચારોનું ભ્રમનિરસન થઈ ચૂક્યું હોવાથી તેઓ મિશ્ર અર્થતંત્રની મુક્ત કંઠે હિમાયત કરવા લાગ્યા હતા. 1959માં ચક્રવર્તી રાજગોપાલાચારી સાથે જોડાઈને સ્વતંત્ર પક્ષ નામનો, ભારત માટે ઉદારમતવાદી અર્થતંત્રની હિમાયત કરતો, રાજકીય પક્ષ સ્થાપ્યો અને દસ વર્ષ સુધી તેઓ તેના મહામંત્રી રહ્યા. તેમના નેતૃત્વ હેઠળ સ્વતંત્ર પક્ષે ઘણી પ્રગતિ કરી અને 1967ની સામાન્ય ચૂંટણીમાં લોકસભામાં 44 બેઠકો હાંસલ કરી મુખ્ય વિરોધપક્ષનો દરજ્જો પણ મેળવ્યો. આ દરમિયાન તેઓ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ રહેલા અને વિરોધપક્ષના નેતા તરીકે હંમેશાં નાણા-ખરડાની ચર્ચાનો પ્રારંભ કરતા. 1971ની ચૂંટણીમાં પરાસ્ત થતાં પક્ષના પ્રમુખપદેથી અને પક્ષીય રાજકારણમાંથી તેમણે નિવૃત્તિ લીધી.

કટોકટીનો વિરોધ કરવા ‘ફ્રીડમ ફર્સ્ટ’ ત્રૈમાસિકનો પ્રારંભ કરેલો, જે આજદિન સુધી પ્રગટ થતું રહ્યું  છે. કટોકટીમાં અખબારી સ્વાતંત્ર્ય પર પ્રકાશન-નિયંત્રણ (censorship) લાદવામાં આવ્યું ત્યારે તેમણે અદાલતનાં દ્વાર ખટખટાવેલાં અને સત્તાના અતિરેકો વિરુદ્ધ પોતાની રીતે ઝૂઝતા રહેલા. 1978માં જનતા પક્ષની સરકારે તેમને લઘુમતી પંચના અધ્યક્ષ નીમેલા. ઉત્તરાવસ્થામાં તેઓ ભારતની હાલતથી ચિંતિત હતા અને ભારતની આર્થિક સ્થિતિના સંદર્ભમાં ‘પ્રૉજેક્ટ ફૉર ઇકૉનૉમિક એજ્યુકેશન’ની સ્થાપના કરી. મૃત્યુ પામવાના અધિકાર(Right to die)ના હિમાયતી હોવાને નાતે ઉત્તરાવસ્થામાં તેઓ નિષ્ક્રિય દયામૃત્યુ(passive euthanasia)ની પણ વિના હિચકિચાટ ભલામણ કરતા હતા.

અર્થતંત્ર અને સમાજવ્યવસ્થાને આવરી લેતા 14 ગ્રંથો તેમણે લખ્યા છે. તેમનો ‘અવર ઇન્ડિયા’ (1940) ગ્રંથ સ્વાતંત્ર્ય-પૂર્વે ભારતમાં શાળાકક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે નિયત થયો હતો તેમજ ભારતની વિવિધ ભાષાઓમાં તે અનૂદિત પણ થયો હતો. ‘સોશિયાલિઝમ રીકન્સિડર્ડ’ (1944), ‘પ્લી ફૉર અ મિક્સડ ઇકૉનૉમી’ (1947), ‘ટૂ મચ પૉલિટિક્સ, ટૂ લિટલ સિટિઝનશિપ’ વગેરે તેમના જાણીતા ગ્રંથો છે. ‘બ્લિસ વૉઝ ઇટ ધેટ ડૉન’ (1977) અને ‘અગેન્સ્ટ્ ધ ટાઇડ’ (1981) તેમની આત્મકથાના બે ગ્રંથો છે. ‘વી ઇન્ડિયન્સ’ તેમનો અંતિમ પ્રકાશિત ગ્રંથ હતો.

રક્ષા મ. વ્યાસ