મળેલા જીવ (1941) : પન્નાલાલ પટેલની સીમાચિહ્ન રૂપ ગુજરાતી લઘુનવલ. અનોખી પ્રેમકથા. પ્રથમ ર્દષ્ટિએ પ્રેમમાં પડેલા કથાનાયક પટેલ કાનજી અને કથાનાયિકા વાળંદ જીવીનાં લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. તેથી પ્રિયતમા નજર આગળ રહે એ હેતુથી કાનજી જીવીને ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને દીધેલા કૉલથી બંધાઈને અને એના પ્રત્યેની અંતરની લગનીથી દોરવાઈને જીવી આ સંબંધ કબૂલે છે; પણ એણે વહેમી પતિની મારઝૂડ વેઠવા વારો આવે છે. કાનજી નૈતિક સચ્ચાઈથી આત્મસંયમ જાળવે છે પણ પછી જીવીનું દુ:ખ જોઈ ન શકતાં ગામ છોડી જાય છે. દુ:ખ અસહ્ય બનતાં જીવી આત્મહત્યા કરવા ઝેર ભેળવીને રોટલો ઘડે છે તે એની ગેરહાજરીમાં પડોશણ અજાણતાં ધૂળાને પીરસે છે, જે એનું મોત નોતરે છે. જીવી લોકાપવાદનો ભોગ બને છે. ખુદ કાનજી પણ એના પર વહેમાય છે. એ આઘાતથી જીવી ઉદભ્રાન્ત બની જઈ બેહાલ થાય છે. છેવટે કાનજી તેને લઈ જાય છે. મોટાભાઈના કુટુંબ પ્રત્યેના કર્તવ્યભાનથી પોતાના પ્રેમનો ભોગ આપતો, પ્રિયતમ ‘પરને સોંપી’ એ પછી એના સંસારથી રાખવું જોઈતું અંતર રાખતો અને વખત આવ્યે પોતાનાં હિતની કે સમાજની પરવા કર્યાં વગર જીવીને લેવા હાજર થઈ જતો કાનજી માત્ર પ્રેમી નહિ, જીવન વિશે ઊંડી સમજ ધરાવતી જવાબદાર વ્યક્તિ તરીકે પણ ધ્યાન ખેંચે છે; તો જીવી નિર્ભેળ અતલ પ્રેમમાં ઊંડે ઊતરી ગયેલી નારી તરીકે ચિરસ્મરણીય બની રહે છે. એમનાં મન:સંચલનોનું ઝીણવટભર્યું, વિસ્મયકારી આલેખન આ કથાનો આસ્વાદ્ય અંશ છે. સૂધબૂધ ખોઈ બેઠેલી જીવી અને તમામ દ્વિધાઓમાંથી મુક્ત કાનજી દ્વારા એનો સ્વીકાર, કથામાં આવતા આ વળાંકો વસ્તુત: પ્રેમનું સચ્ચાઈભર્યું સૂક્ષ્મ રૂપ જ વ્યક્ત કરે છે. એથી એમાં શ્રદ્ધા અને સાહસનું બળ ઉમેરાય છે. કાનજી અને જીવી ઉપરાંત કથામાં આવતું ભગતનું પાત્ર પણ યાદગાર છે. એ ગ્રામસમાજના એક ભાગરૂપ છે. કથામાં આ ગ્રામસૃષ્ટિનો સંચાર પણ છે. એના લોકમાનસનું, જીવનવ્યવહારનું અને લેખકના વતન એવા ગુજરાતનું ઈશાનિયા પ્રદેશની પ્રકૃતિનું નિરૂપણ વાસ્તવનિષ્ઠ હોવા સાથે કલાત્મક પણ છે. ભાષાને જરૂર પડ્યે કાવ્યમય બનવા દઈને પણ લેખકે તેને કથનક્ષમ રાખી છે. એનું તળપદું પોત કથામાં સાદ્યન્ત ફરફરતું રહ્યું છે.
‘મળેલા જીવ’નો ‘જીવી’ શીર્ષકથી હિંદીમાં અનુવાદ થયેલો છે અને તેના પરથી ‘ઉલઝન’ નામનું હિન્દીમાં ચલચિત્ર પણ બન્યું છે. તેનું નાટ્યરૂપાંતર પણ ગુજરાતી રંગભૂમિ પર ભજવાયું હતું. આ નવલકથા પરથી ગુજરાતીમાં પણ ચલચિત્ર બન્યું છે.
ધીરેન્દ્ર મહેતા