મળમય સંયોગનળી (faecal fistula) : આંતરડા પરની શસ્ત્રક્રિયા કે ઈજા પછી પેટની દીવાલમાં થયેલાં કૃત્રિમ છિદ્ર, જેમાંથી આંતરડામાંનો મળ દૂષિત પ્રવાહી રૂપે બહાર આવે છે. તે સમયે આંતરડાના પોલાણ અને ચામડી પરના છિદ્રની વચ્ચે એક સંયોગનળી (fistula) વડે જોડાણ થયેલું હોય છે. આવી સંયોગનળીને ત્વચાંત્રીય સંયોગનળી (enterocutaneous fistula) અથવા મળમય સંયોગનળી (faecal fistula) અથવા મળમય નાલવ્રણ પણ કહે છે. નાના અને મોટા આંતરડાના જોડાણના સ્થળે આંત્રપુચ્છ (appendix) નામનો આંતરડાનો ભાગ આવેલો છે. તેમાં ચેપ લાગે અને પીડાકારક સોજો આવે ત્યારે તેને આંત્રપુચ્છશોથ (appendicitis) કહે છે. તેમાં ક્યારેક અતિશય ચેપને કારણે પેશીનાશ (gangrene) થાય છે. આવા સમયે શસ્ત્રક્રિયા પછી ક્યારેક મળમય સંયોગનળી થઈ આવે છે. ક્યારેક આંતરડાના અન્ય ભાગમાં લોહીના પરિભ્રમણમાં કોઈ કારણસર અવરોધ આવે તો આંતરડાના તે ભાગનો પેશીનાશ થાય છે; જેમ કે, સંરુદ્ધ સારણગાંઠ (strangulated hernia) થયેલી હોય તો તેમાં ફસાઈ ગયેલા આંતરડાના ભાગમાં લોહીની નસો દબાઈ જાય છે. તેથી તેમાં તેનો જે ભાગ ફસાયેલો હોય તે કોષનાશ (necrosis) પામીને મરી ગયેલો હોય છે. આવા વિકારની શસ્ત્રક્રિયા પછી ક્યારેક મળમય સંયોગનળી થાય છે. કૅન્સરની સારવારમાં વિકિરણચિકિત્સા (radiotherapy) વપરાય છે. તેમાં પણ ક્યારેક એક આડઅસર રૂપે આંતરડાનો કોષનાશ થાય છે અને મળમય સંયોગનળી બને છે. અગાઉ જે દર્દીના પેટ પર શસ્ત્રક્રિયા થઈ હોય તેનાં આંતરડાં તંતુબંધો(adhesions)થી જોડાયેલાં-ચોંટેલાં હોય છે. તેઓ આંતરડામાં અવરોધ કરે છે. તેને આંત્રરોધ (intestinal obstruction) કહે છે. તેમાં પણ આંતરડું ફસાય તો તેનો કોષનાશ થાય છે. ક્યારેક આંતરડાની આસપાસ ગૂમડું થાય છે. આ બંને વિકારોની શસ્ત્રક્રિયા પછી ક્યારેક આ તકલીફ થઈ આવે છે. જો સંયોગનળીમાંથી દિવસનું 1 લિટરથી વધુ પ્રવાહી બહાર આવતું હોય તો તે અતિઉત્પાદક (high output) સંયોગનળી ગણાય છે. ક્યારેક સંયોગનળી સીધેસીધી નીચેના આંતરડા સાથે જોડાયેલી હોય છે તો ક્યારેક તે વાંકીચૂકી હોય છે. ક્યારેક વચ્ચે કોઈ પરુ ભરેલું ગૂમડું હોય છે અને તેના દ્વારા તે આંતરડા સાથે જોડાયેલી હોય એવું પણ બને છે. નાના આંતરડાના પ્રથમ બે ભાગોને પક્વાશય (duodenum) અને મધ્યાંત્ર (jejunum) કહે છે. તેની સાથે જોડાણ હોય તો સંયોગનળીમાંથી પિત્તરસ (bile) બહાર આવે છે. પિત્તરસ આસપાસની ચામડીને ઘણું નુકસાન કરે છે. તેને પિત્તમય સંયોગનળી (biliary fistula) કહે છે. જો અંતાંત્ર (ilium) નામના નાના આંતરડાના છેલ્લા ભાગ સાથે કે સંધાંત્ર (caecum) નામના મોટા આંતરડાના પહેલા ભાગ સાથે જોડાણ હોય તો તેમાંથી મળ બહાર આવે છે. બેરિયમ બસ્તીચિત્રણ (barium enema) કે લઘુઆંત્રીય બસ્તીચિત્રણ (small bowel enema) નામની નિદાનલક્ષી ચિત્રશ્રેણીઓનો ઉપયોગ કરાય તો સંયોગનળીનો માર્ગ સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં સંયોગનળીચિત્રણ (fistulography) કરાય છે. જો સાથે સી. એ. ટી. સ્કૅન કરાય તો તેની સાથે જોડાયેલા ગૂમડાની પણ માહિતી મળે છે.

અતિઉત્પાદક સંયોગનળીની સારવાર મુશ્કેલ રહે છે. આંતરડામાં અવરોધ ન હોય તો સંયોગનળીની અલ્પઉત્પાદકતા (1 લિટર/દિવસથી ઓછો સ્રાવ હોય તો) આપોઆપ મટે છે. જો આંતરડા અને ચામડી વચ્ચેની નળીની અંદરની દીવાલ પર અધિચ્છદ(epithelium)નું પડ વિકસી ગયું હોય તો, આંતરડામાં કૅન્સર કે ક્રોહનનો રોગ સક્રિય હોય તો અથવા તેની સાથે કોઈ સંકુલ ગૂમડું જોડાયેલું હોય તો તેવી સંયોગનળી આપોઆપ રુઝાતી નથી.

મળમય અને પિત્તમય સંયોગનળીઓ : (અ) મોટા આંતરડામાં થયેલી મળમય સંયોગનળી. (1) પેટ, (2) દૂંટી, (3) મોટું આંતરડું, (4) નાનું આંતરડું, (5) આંત્રપુચ્છ, (6) શસ્ત્રક્રિયાનો ટાંકાથી સાંધેલો છેદ, (7) સંયોગનળીનું મુખ, (8) મળાશય, (9) ગુદા; (આ) પિત્તમય સંયોગનળી (biliary fistula), (10) યકૃત, (11) પિત્તાશય.

સારવારમાં પેટની ચામડીને નુકસાન થતું અટકાવવા પ્રયત્ન કરાય છે. દર્દીને મોં વાટે ખોરાક-પાણી બંધ કરીને નસ વાટે પોષણ અપાય છે. આંતરડાનો ઉપલો ભાગ અસરગ્રસ્ત હોય તો ચામડીને વધુ નુકસાન થાય છે. અતિઉત્પાદક સંયોગનળીના દર્દીના શરીરમાંથી પાણી અને પ્રોટીનનો ઘટાડો થવાનો સંભવ રહે છે તેથી નસ વાટે પૂરતા પ્રમાણમાં પાણી અને પોષણ અપાય છે. જો સાથે ગૂમડું હોય તો તેમાંનું પરુ કાઢી લેવાય છે અને તે માટે જરૂર પડ્યે ઉદરછેદન(laparotomy)ની શસ્ત્રક્રિયા કરાય છે. સંકુલ ગૂમડા કે સંયોગનળીવાળા દર્દીમાં સંયોગનળીથી ઉપર આવેલા આંતરડાના ઉપલા ભાગમાં કૃત્રિમ છિદ્રણ (stoma) કરીને મળ માટે અલગ માર્ગ કરી અપાય છે. તેથી સંયોગનળીને રૂઝવવામાં સરળતા રહે છે. સંયોગનળીમાંથી પ્રવાહીનું પ્રમાણ ઘટાડવા માટે ઑક્ટ્રિયોટિડ નામના સોમેટોસ્ટેટિનનું સમધર્મી ઔષધ અપાય છે. જો આ પ્રમાણેની અશસ્ત્રચિકિત્સા(conservative therapy)ની સારવાર નિષ્ફળ જાય તો સંયોગનળીનો સમગ્ર માર્ગ, આંતરડાનો અસરગ્રસ્ત ટુકડો તથા તે સાથેનું ગૂમડું દૂર કરવાની શસ્ત્રક્રિયા કરાય છે; પરંતુ પેટમાં પરુ હોવાને કારણે અને પોષણના અભાવને કારણે શસ્ત્રક્રિયા મુશ્કેલ બને છે અને ક્યારેક આનુષંગિક તકલીફો (complications) થતી હોવાથી શસ્ત્રક્રિયા પછીનો સમય ઘણો જોખમી રહેવાની સંભાવના રહે છે.

સોમાલાલ  ત્રિવેદી

શિલીન નં. શુક્લ